વૈશ્વિક તિથિપત્ર : અફર રીતે વિશ્વને લાગુ પાડી શકાય તેવું તિથિઓની વિગતોવાળું પત્ર (પંચાંગ). પ્રવર્તમાન તિથિપત્રો-(calendars)ને બે પ્રમુખ પ્રકારોમાં વહેંચી શકાય : એક તો સૌર પ્રકારના અને બીજા ચંદ્રના કળાચક્ર સાથે સંકળાયેલા ચાંદ્ર પ્રકારના. સૌરપદ્ધતિ અનુસારનાં તિથિપત્રોમાં વર્ષની અવધિ પૃથ્વીની સૂર્યફરતી કક્ષાના સમયકાળ સાથે સંકળાયેલ હોઈને ~ 365 દિવસ મનાય છે. ચંદ્રની કળાઓના ચક્ર સાથે સંકળાયેલ તિથિપત્રોમાં વર્ષની અવધિ અમાવાસ્યાથી અમાવાસ્યા સુધીના કળાચક્ર (સરેરાશ 29.5 દિવસ) અનુસારના 12 માસ જેટલી હોવાથી ~ 354 દિવસ જેટલી થાય છે. ચંદ્રની કળાઓ અનુસાર માસની ગણતરી મુજબનું તિથિપત્ર સ્વાભાવિક રીતે જ ઋતુચક્ર સાથે મેળમાં રહેતું નથી અને આ કારણે વ્યવહારમાં જુલિયન-ગ્રિગૉરિયન (Julian-Gregorian) પ્રકારનું સૌરપદ્ધતિનું તિથિપત્ર વિશ્વભરમાં પ્રચલિત બન્યું છે. (વધુ વિગત માટે જુઓ ‘રોમન ગણરાજ્યનું તિથિપત્ર’, વિશ્વકોશ ખંડ 18, પૃ. 363; ‘યહૂદીઓનું તિથિપત્ર’, વિશ્વકોશ ખંડ 17, પૃ. 50) પરંતુ આ તિથિપત્રમાં માસના દિવસોની સંખ્યા (30, 31 અને ફેબ્રુઆરીમાં 28 કે 29) સપ્તાહના દિવસોની સંખ્યા(7)ના ગુણાંકમાં નહિ હોવાથી જુદા જુદા વર્ષે વર્ષની શરૂઆત તેમજ વર્ષના જુદા જુદા માસની શરૂઆત થવાનો દિવસ બદલાતો રહે છે અને આ કારણે દર વર્ષે નવું તિથિપત્ર જરૂરી બને છે ! જો કોઈ એવા પ્રકારના તિથિપત્રની રચના કરાય કે જેમાં વર્ષની શરૂઆત, તેમજ ક્રમિક મહિનાઓનો પ્રથમ દિવસ કાં તો સપ્તાહના નિશ્ચિત દિવસ સાથે ‘અફર’ રીતે સંકળાયેલ રહે કે પછી આ દિવસો કોઈ સરળ પદ્ધતિથી ગણી શકાય તેમ હોય તો દર વર્ષે નવું તિથિપત્ર જરૂરી ન રહે ! આ પ્રકારના તિથિપત્રને ‘નિરંતર’ (perpetual) એટલે કે ‘વૈશ્વિક તિથિપત્ર’ કહી શકાય.
આ પ્રકારનું તિથિપત્ર રચવા માટેનું એક સૂચન એવું છે કે વર્ષને 12 માસમાં વહેંચવાને બદલે 28 દિવસ એટલે કે ચાર સપ્તાહના એક એવા 13 માસમાં વહેંચવું, જે કુલ 364 દિવસ થાય અને સામાન્ય વર્ષ 365 દિવસનું હોવાથી વર્ષને અંતે બાકી રહેતા એક દિવસને વિશિષ્ટ દિવસ માનવો. (લીપ વર્ષની અવધિ 366 દિવસની હોવાથી એવાં વર્ષોમાં બે વિશિષ્ટ દિવસો આવે.) આમ કરવાથી વર્ષની શરૂઆત તેમજ પ્રત્યેક માસની શરૂઆત હંમેશાં પૂર્વ-નિર્ધારિત દિવસે જ (માનો કે રવિવારે) થશે; પરંતુ આ પ્રકારના વર્ષને ચાર ભાગમાં વહેંચી શકાતું નથી અને વ્યવસાયિક હિસાબો માટે સામાન્ય રીતે વર્ષને ચાર ભાગ(quarters)માં વહેંચવામાં આવે છે અને તે પદ્ધતિ ઘણી ઉપયોગી છે.
અન્ય એક સૂચન અનુસાર વર્ષને 12 માસનું જ રાખીને તેને ત્રણ માસના એક એવા ચાર ભાગ(quarters)માં વહેંચવું અને આ પ્રત્યેક ભાગને 31, 30, 30 એમ 91 દિવસની અવધિ આપવી. આ રીતે કુલ 364 દિવસ થાય અને છેલ્લો દિવસ (લીપ વર્ષ માટે છેલ્લા 2 દિવસ) ‘વિશિષ્ટ દિવસ’ બને. આ પદ્ધતિમાં પણ પ્રત્યેક 91 દિવસનું Quarter બરાબર 13 સપ્તાહનું થતું હોવાથી તિથિપત્ર હંમેશાં ‘અફર’ રહે છે.
આ સૂચનો વ્યવહારમાં નથી મુકાયાં એનું પ્રમુખ કારણ તો વર્ષના નિશ્ચિત દિવસો સાથે સંકળાયેલ ધાર્મિક ઉત્સવો છે. હાલની પદ્ધતિ અનુસારના જુલિયન-ગ્રિગૉરિયન તિથિપત્ર માટે પણ કોઈ પણ સંવતના વર્ષે કોઈ પણ માસના દિવસોનો ક્રમ જાણવા માટેનું એક સંક્ષિપ્ત કોષ્ટક રચી શકાય છે અને આ કોષ્ટક્ધો પણ ‘નિરંતર’ (perpetual) તિથિપત્ર કહેવાય. આ કોષ્ટકના ઉપયોગથી કોઈ પણ વર્ષના કોઈ પણ માસની શરૂઆત કયા દિવસે થશે તે સરળતાથી ગણી શકાય છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ