વૈશેષિક દર્શન : પ્રાચીન ભારતીય આસ્તિક દર્શન. પ્રસિદ્ધ છ દર્શનો(ષડ્દર્શન)માંનું તે એક છે. ‘વૈશેષિક’ નામ ‘વિશેષ’ શબ્દ ઉપરથી બન્યું છે. ‘વિશેષ’ નામનો સ્વતંત્ર પદાર્થ માનતું હોવાથી આ દર્શનનું નામ ‘વૈશેષિક’ પડ્યું છે. આ દર્શનના પ્રણેતા કણાદ ઋષિ છે. કણાદે ‘વૈશેષિક સૂત્ર’ની રચના કરી છે. તેનો સમય ઈ. સ.ની પ્રથમ શતાબ્દી આસપાસ મનાય છે. સૂત્રોને છોડી જો સંપ્રદાયના પ્રારંભનો વિચાર કરીએ તો સાંખ્ય સંપ્રદાય પછી વૈશેષિક સંપ્રદાય કાલક્રમમાં આવે. વૈશેષિકનો ઉલ્લેખ ‘મિલિન્દ પઞ્હ’માં (ઈ. પૂ. 150) છે. જૈનોના પ્રાચીન આગમોમાં પણ વૈશેષિકનો ઉલ્લેખ છે. નાગાર્જુને (ઈ. પૂ. પ્રથમ યા દ્વિતીય શતાબ્દી) પોતાના ‘દશભૂમિવિભાષા-શાસ્ત્ર’માં વૈશેષિકનો ઉલ્લેખ કર્યો છે. આમ વૈશેષિક સંપ્રદાય બહુ પ્રાચીન છે, જોકે ‘વૈશેષિક સૂત્રો’ પાછળથી રચાયા છે. બુદ્ધની પૂર્વે રચાયેલા આ દર્શન પર સૌથી પ્રાચીન ‘રાવણભાષ્ય’ રચાયેલું છે.
વૈશેષિક સંપ્રદાયને ત્રણ યુગમાં વહેંચી શકાય : (1) બૌદ્ધ દિઙ્નાગ સુધીનો કાળ, (2) દિઙ્નાગોત્તર કાળ અને (3) ભારતમાં બૌદ્ધોના અસ્ત પછીનો કાળ. પ્રથમ યુગ વૈશેષિક દર્શનનો પ્રારંભિક યુગ છે. તે અત્યંત પ્રાચીન કાળથી શરૂ થઈ દિઙ્નાગના ઉદભવ (ઈ. સ. 450) સુધી ચાલે છે. આ યુગમાં કણાદે ‘વૈશેષિક સૂત્ર’ની રચના કરી. બીજો યુગ બૌદ્ધ દાર્શનિકો સાથેના સંઘર્ષનો યુગ છે. આ સંઘર્ષને પરિણામે વૈશેષિક દર્શનનો વિકાસ થયો છે. આ સમય દિઙ્નાગના ઉદયથી અગિયારમી સદી સુધી ચાલે છે. આ સમયગાળામાં પ્રશસ્તપાદે સ્વતંત્ર ગ્રંથના રૂપમાં ‘પદાર્થધર્મસંગ્રહ’(‘પ્રશસ્તપાદભાષ્ય’)ની રચના કરી. શિવાદિત્યે ‘સપ્તપદાર્થી’ લખી, વ્યોમશિવે પ્રશસ્તપાદભાષ્યટીકા ‘વ્યોમવતી’ રચી, શ્રીધરે તે જ ભાષ્ય ઉપર ‘ન્યાયક્ધદલી’ ટીકા લખી અને ઉદયનાચાર્યે પણ તે જ ભાષ્ય ઉપર ‘કિરણાવલી’ ટીકા રચી. શંકર મિશ્રે ‘ઉપસ્કાર’ ટીકા લખી. ત્રીજો યુગ બૌદ્ધોના અસ્ત પછી શરૂ થાય છે. આ યુગ બારમી સદીથી શરૂ થાય છે. આ ગાળામાં વૈશેષિક પ્રકરણ-ગ્રન્થોમાં ગુણનું નિરૂપણ કરતી વેળાએ વૈશેષિકોના પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણોને બદલે નૈયાયિક માન્ય ચારેય પ્રમાણોનું નિરૂપણ થવા લાગ્યું. આમ ન્યાયવૈશેષિક સમ્મિલિત ગ્રંથો લખાવા લાગ્યા. આ સમયનો મહત્ત્વનો ગ્રંથ વલ્લભાચાર્યનો ‘ન્યાયલીલાવતી’ છે. ‘વૈશેષિક સૂત્ર’ અને ‘પ્રશસ્તપાદભાષ્ય’ આ બે વૈશેષિક દર્શનના પાયાના ગ્રંથો છે. ‘પ્રશસ્તપાદભાષ્ય’નો હ્યુ-ઍન- શ્વાંગે 648માં ચીની ભાષામાં અનુવાદ કર્યો છે.
‘વૈશેષિક સૂત્ર’ના દશ અધ્યાયો છે અને પ્રત્યેક અધ્યાયના બે આહ્નિકો છે. પ્રથમ અધ્યાયમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ આ પાંચ પદાર્થોનું વિવેચન છે. તેના પ્રથમ આહ્નિકમાં દ્રવ્ય, ગુણ અને કર્મનું નિરૂપણ છે; જ્યારે દ્વિતીય આહ્નિકમાં જાતિ અને વિશેષનું નિરૂપણ છે. દ્વિતીય અધ્યાયમાં દ્રવ્યનું વિશેષ નિરૂપણ છે. તેના પ્રથમ આહ્નિકમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતોનાં લક્ષણો આપી તેમની સમીક્ષા કરવામાં આવી છે; જ્યારે દ્વિતીય આહ્નિકમાં દિશા, કાલ અને શબ્દ વિશેની ચર્ચા છે. તૃતીય અધ્યાયના પ્રથમ આહ્નિકમાં આત્માનું અને દ્વિતીય આહ્નિકમાં અન્ત:કરણનું નિરૂપણ છે. ચોથા અધ્યાયમાં શરીર અને શરીરવિવેચનમાં ઉપયોગી પરમાણુ કારણત્વ વગેરેનું નિરૂપણ છે. પાંચમા અધ્યાયમાં કર્મનું પ્રતિપાદન છે. એના પ્રથમ આહ્નિકમાં શારીરિક કર્મનું અને દ્વિતીય આહ્નિકમાં માનસ કર્મનું વિશ્ર્લેષણ છે. છઠ્ઠા અધ્યાયમાં શ્રૌતધર્મનું વિવેચન છે. એના પ્રથમ આહ્નિકમાં દાન અને પ્રતિગ્રહનું તથા દ્વિતીય આહ્નિકમાં બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમોના ધર્મોની વિવેચના છે. સાતમા અધ્યાયમાં ગુણ અને સમવાયનું પ્રતિપાદન છે. એના પ્રથમ આહ્નિકમાં બુદ્ધિનિરપેક્ષ રૂપ, રસ, વગેરે ગુણોનું નિરૂપણ છે; જ્યારે દ્વિતીય આહ્નિકમાં બુદ્ધિસાપેક્ષ દ્વિત્વ, પરત્વ, અપરત્વ, પૃથક્ત્વ વગેરે ગુણોનું તેમજ સમવાયનું નિરૂપણ છે. આઠમા અધ્યાયમાં પ્રત્યક્ષની ચર્ચા છે. નવમા અધ્યાયમાં બુદ્ધિવિશેષ ઉપર અને દશમા અધ્યાયમાં અનુમાન ઉપર વિચાર કરવામાં આવ્યો છે.
‘પ્રશસ્તપાદભાષ્ય’માં પ્રશસ્તપાદે એક એક સૂત્ર લઈ વ્યાખ્યા કરી નથી; પરંતુ વૈશેષિક પદાર્થોનું નિરૂપણ કરતો એક સ્વતંત્ર ગ્રંથ જ રચ્યો છે. કણાદની અપેક્ષાએ તેમણે વૈશેષિક ચિન્તનને એક નવું જ રૂપ આપ્યું છે. કણાદે સામાન્ય, વિશેષ અને સમવાયને ચિત્તતંત્રબુદ્ધયપેક્ષ પદાર્થ માન્યા છે; પરંતુ પ્રશસ્તપાદે એમને બાહ્યાર્થના રૂપમાં સત્ સ્થાપિત કર્યા. કણાદે કેવળ 17 ગુણ ગણાવ્યા છે જ્યારે પ્રશસ્તપાદે તેમાં 7 ગુણો ઉમેરી તેમની સંખ્યા 24 કરી છે. કણાદના સૂત્રમાં સામાન્યના જ્ઞાન પૂર્વે કોઈ ભૂમિકા સ્વીકારી નથી જ્યારે પ્રશસ્તપાદે સામાન્યના જ્ઞાન પૂર્વે અવિભક્ત આલોચન નામની ભૂમિકા દાખલ કરી છે. પ્રશસ્તપાદે કરેલું અનુમાનનું નિરૂપણ પણ નવીનતાયુક્ત છે. સજીવ પદાર્થો ક્ષણિક છે અને સંખ્યા વગેરે અનેક પદાર્થો પણ ક્ષણિક છે એવો મત ‘વૈશેષિક સૂત્ર’માં નહિ પણ ‘પ્રશસ્તપાદભાષ્ય’માં જ સૌપ્રથમ પ્રતિપાદિત થયો છે. વૈશેષિક પરમાણુવાદને અત્યારે આપણે જેવો જાણીએ છીએ તેવો તો ‘પ્રશસ્તપાદભાષ્ય’માં સૌપ્રથમ મળે છે. વળી પરમાણુ, દ્વ્યણુક અને ત્ર્યણુકનું પરસ્પર તારતમ્ય વગેરે બાબતો પણ પ્રશસ્તપાદભાષ્યમાં જ સૌપ્રથમ મળે છે. કણાદમાં તો દ્વ્યણુકનું નામ સુધ્ધાં નથી. દ્વ્યણુક પણ અણુપરિમાણ હોઈ શકે છે અને દ્વયણુક તથા ત્ર્યણુકના પરિમાણનું કારણ દ્વિત્વ અને ત્રિત્વ સંખ્યા છે આ બધા સિદ્ધાંતો પહેલવહેલી વાર પ્રશસ્તપાદભાષ્યમાં જોવા મળે છે. ‘નિત્ય પદાર્થોને પરસ્પર વ્યાવૃત્ત કરનાર વિશેષ છે’ એવું વિશેષ પદાર્થનું સ્વરૂપ પ્રશસ્તપાદે જ સૌપ્રથમ આપ્યું છે. ‘વૈશેષિક સૂત્ર’માં ઈશ્વરનો કોઈ ઉલ્લેખ નથી કે તેની કોઈ વિભાવના નથી. સૃષ્ટિ અને પ્રલયની કલ્પના તેમજ સાથે સાથે જગતકર્તા નિત્ય ઈશ્વરની માન્યતા ન્યાય-વૈશેષિક ઉપલબ્ધ ગ્રંથોમાં સૌપ્રથમ પ્રશસ્તપાદભાષ્યમાં મળે છે. આમ સૃષ્ટિકર્તા નિત્ય ઈશ્વર(મહેશ્વર)ની વિભાવના ન્યાયવૈશેષિક ચિન્તનપરંપરામાં પ્રશસ્તપાદે દાખલ કરી છે.
વૈશેષિકો સાત પદાર્થો ગણાવે છે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ.
દ્રવ્ય જેમાં ગુણ અને કર્મ રહે છે તેમજ જે કાર્યનું સમવાયિકારણ બને છે તે દ્રવ્ય છે. (તન્તુમાંથી પટ ઉત્પન્ન થાય છે. અહીં તન્તુ પટનું સમવાયિકારણ છે, તન્તુઓનો સંયોગ અસમવાયિકારણ છે અને વણકર, સાળ, કાંઠલો વગેરે નિમિત્તકારણ છે.) પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિક્, આત્મા અને મન આ નવ જ દ્રવ્યો છે. આમાંથી પ્રથમ પાંચ ભૌતિક દ્રવ્યો છે. પરમાણુઓના સંયોગથી જ જગતની બધી ભૌતિક વસ્તુઓ બનેલી છે. પરમાણુરૂપ અવયવોના સંયોગથી અવયવીરૂપ તદ્દન નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે, તન્તુરૂપ અવયવોના સંયોગથી અવયવીરૂપ પટ તદ્દન નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ અવયવો કારણ (સમવાયિકારણ) છે અને અવયવી કાર્ય છે. આ રીતે વૈશેષિકો ઉત્પત્તિ પહેલાં કાર્યને કારણમાં સત્ (અસ્તિત્વ ધરાવતું) નથી માનતા. તેથી તેઓ અસત્કાર્યવાદી કહેવાય છે. તેમનાથી વિપરીત સાંખ્યો સત્કાર્યવાદી છે.
કાળ, દિક્ અને મન આ ત્રણ દ્રવ્યો અભૌતિક અને અચેતન છે. પરત્વ, અપરત્વ, ચિરત્વ, ક્ષિપ્રત્વ વગેરેની પ્રતીતિઓ ઉપરથી કાળદ્રવ્યનું અનુમાન થાય છે. ‘આ આનાથી દૂર છે’, ‘આ આનાથી નજીક છે’ જેવી પ્રતીતિઓ પરથી દિગ્-દ્રવ્યનું અનુમાન થાય છે. મન અણુ અને નિત્ય છે. મન ઇન્દ્રિય સાથે જોડાય છે ત્યારે તે ઇન્દ્રિય દ્વારા તે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન થાય છે. મન અણુ હોઈ, બે કે વધુ ઐન્દ્રિયક જ્ઞાનો યુગપત્ સંભવતા નથી. મન સ્થૂળ શરીરમાં જ ગતિ કરે છે. જ્યારે સ્થૂળ શરીર મરે છે ત્યારે નવા જન્મમાં ભોગવવાનાં કર્મો ઉદયમાં આવે છે અને તેમને ભોગવવા મન નવા સ્થૂળ શરીરમાં દાખલ થાય છે. સુખ, દુ:ખ વગેરે આંતર વિષયોને ગ્રહણ કરવા માટેનું સાધન (અન્ત:કરણ) મન છે. આત્મામાં સુખ, દુ:ખ, ઇચ્છા, જ્ઞાન, દ્વેષ વગેરે મન દ્વારા ઉત્પન્ન થાય છે.
આત્મા ચેતનદ્રવ્ય છે. તે અનેક છે, વિભુ છે, પરિવર્તનરહિત (કૂટસ્થનિત્ય) છે. સાંખ્યે કૂટસ્થનિત્ય આત્મા (પુરુષ) અને પરિણામી ચિત્તનો સ્વીકાર કરી, આત્મામાં કેવળ દર્શન માન્યું અને ચિત્તમાં જ્ઞાન, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર ધર્મો માન્યાં. વૈશેષિકોએ ચિત્તને ન સ્વીકારી ચિત્તના જ્ઞાન વગેરે ધર્મો આત્માના જ ગણ્યા, આ નવ ધર્મોને આત્માના વિશેષ ગુણો તરીકે સ્વીકાર્યા; પરંતુ દર્શનનો તદ્દન અસ્વીકાર કર્યો. હવે આ જ્ઞાન આદિ ગુણો પરિણામી હોઈ, કૂટસ્થનિત્ય આત્મામાં પરિણામીપણું આવતું અટકાવવા કોઈ રસ્તો કાઢવાનું વૈશેષિકો માટે અત્યંત જરૂરી હતું. તેમણે કહ્યું કે જ્ઞાન આદિ ગુણો છે અને આત્મા દ્રવ્ય છે, અને દ્રવ્ય અને ગુણ વચ્ચે અત્યંત ભેદ છે. જ્ઞાન આદિ આત્માનો સ્વભાવ નથી તે તો શરીરાવચ્છિન્ન આત્મમન: સંયોગરૂપ નિમિત્તકારણથી ઉત્પન્ન થઈ આત્મામાં સમવાય સંબંધ દ્વારા કેવળ રહે છે. મોક્ષાવસ્થામાં આ સંયોગરૂપ નિમિત્તકારણનો અભાવ હોઈ, મોેક્ષમાં આત્માને જ્ઞાન પણ નથી કે સુખ પણ નથી.
ગુણ જે દ્રવ્યાશ્રિત હોય, ગુણરહિત હોય તેમજ સંયોગ અને વિભાગનું કારણ બનવામાં બીજાની અપેક્ષા રાખતું હોય તે ગુણ છે. ગુણો ચોવીસ છે.
કર્મ જે દ્રવ્યાશ્રિત હોય, ગુણરહિત હોય તેમજ સંયોગ અને વિભાગનું કારણ બનવામાં બીજાની અપેક્ષા ન રાખતું હોય તે કર્મ છે. કર્મ પ્રત્યક્ષ વડે જ્ઞાત થાય છે.
સામાન્ય ‘આ ગાય છે’, ‘આ ગાય છે’, ‘આ ગાય છે’ એવું સમાન જ્ઞાન (અનુવૃત્તિજ્ઞાન) અનેક ગાય વ્યક્તિઓની બાબતમાં થાય છે. તેનું કંઈક કારણ હોવું જોઈએ. અનુવૃત્તિજ્ઞાનનો જનક જે વિષય છે તે સામાન્ય છે.
વિશેષ જે નિત્ય દ્રવ્યવ્યક્તિઓમાં વ્યક્તિશ: રહે છે અને તે તે વ્યક્તિને બીજી બધી જ સજાતીય તેમજ વિજાતીય દ્રવ્યવ્યક્તિઓથી અલગ કરવાનું કામ કરે છે તે ‘વિશેષ’ પદાર્થ છે.
સમવાય જે બે તદ્દન ભિન્ન પદાર્થોને [અર્થાત્, દ્રવ્ય અને ગુણને, દ્રવ્ય અને કર્મને, વ્યક્તિ અને જાતિ(સામાન્ય)ને, અવયવ અને અવયવીને, નિત્ય દ્રવ્ય અને વિશેષને] કદીય પૃથક્ કરી ભિન્ન ભિન્ન દેશમાં મૂકી શકાતા નથી તેમની વચ્ચેનો સંબંધ સમવાય કહેવાય છે.
અભાવ જમીન ઉપરથી ઘડો દૂર થતાં ત્યાં ઘડાના અભાવનું જ્ઞાન થાય છે. અભાવનું જ્ઞાન થાય છે તેથી તેના કારણ તરીકે અભાવ પદાર્થ વૈશેષિકોએ માન્યો છે. વૈશેષિક સૂત્રોમાં કણાદે 6 ભાવાત્મક પદાર્થો રજૂ કર્યા છે. અભાવ નામનો સાતમો પદાર્થ પાછળના લેખકોએ માન્યો છે.
આચાર્યો કહે છે કે દ્વિત્વસંખ્યા, પાકજ ઉત્પત્તિ અને વિભાગજ- વિભાગ આ વિષયોમાં વૈશેષિકોની પ્રજ્ઞા ખીલે છે. આમ, આ ત્રણ તેમના માનીતા વિષયો છે.
વિખ્યાત ભારતીયવિદ્યાશાસ્ત્રી ફ્રાઉવલ્નેરના મતે વૈશેષિક દર્શન મૂલત: અને તત્ત્વત: આધ્યાત્મિક અંતિમ લક્ષ્ય-પ્રયોજન(મોક્ષ)થી નિયંત્રિત દર્શન નથી અને તેમાં ઈશ્વરની વિચારણા ધારણા નથી. શુદ્ધ સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક રુચિવાળા આ દર્શન ઉપર ઉત્તરકાળે આધ્યાત્મિક પ્રેરક લક્ષ્યો કે પ્રયોજનોનો અને ઈશ્વરકલ્પનાનો અધ્યારોપ કરવામાં આવ્યો છે.
વૈશેષિક દર્શન પૃથ્વી, અપ્, તેજ અને વાયુના પરમાણુઓના સંઘાતથી જગતની ઉત્પત્તિ થાય એમ માને છે તેથી તેને પરમાણુવાદી દર્શન કહે છે. તેવી જ રીતે કારણથી ભિન્ન કાર્ય નવી વસ્તુનો આરંભ કરે છે એમ માનતું હોવાથી તેને આરંભવાદી કહે છે. કાર્ય કારણમાં રહેતું નથી એવી માન્યતાને લીધે તેને અસત્કાર્યવાદી દર્શન કહે છે. વળી ઉત્પત્તિની પહેલાં પદાર્થના ગુણોને નાશવંત માનવાથી તથા શબ્દને સ્વતંત્ર પ્રમાણ ના માનવાથી આ દર્શનને અર્ધવૈનાશિક અથવા અર્ધબૌદ્ધદર્શન કહેવામાં આવ્યું છે. અલબત્ત, પાછળથી શબ્દ અને ઉપમાન પ્રમાણને પણ ન્યાયદર્શનની અસરથી સ્વીકાર્યાં અને બૌદ્ધદર્શનના ખંડનમાં પાછળથી ન્યાયદર્શનની પરંપરાને પોતાનો સહયોગ આપ્યો. અભ્યુદય અને નિ:શ્રેયસ્ની પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે અને મોક્ષપ્રાપ્તિનું સાધન બતાવવાનું આ દર્શનનું પ્રયોજન હોવાથી સાત પદાર્થના જ્ઞાન દ્વારા મોક્ષ બતાવનારું આ દર્શન ભૌતિકવાદી હોવા છતાં જ્ઞાનમાર્ગી અને મોક્ષપરક દર્શન છે.
નગીનદાસ જીવણલાલ શાહ