વૈશાલી (જિલ્લો) : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 40´ ઉ. અ. અને 85° 13´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,036 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફ્ફરપુર, પૂર્વે સમસ્તીપુર, દક્ષિણે ગંગાને સામે કાંઠે પટણા તથા પશ્ચિમે સરન જિલ્લા આવેલા છે. જિલ્લામથક હાજીપુર જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લામાંથી વહેતી ગંગા અને ગંડક નદીઓએ પાથરેલા કાંપથી અહીંનું ભૂપૃષ્ઠ સમતળ બનેલું છે. ગંગા નદી જિલ્લાની દક્ષિણ સરહદ રચે છે, નૈર્ઋત્ય સરહદ ગંડક નદીથી બનેલી છે. વર્ષાઋતુ દરમિયાન ગંગાનો પટ 1.6 કિમી. જેટલો પહોળો બની રહે છે, નદીનો કાંપ ઢૂવાઓ રૂપે પથરાય છે. ગંગા નદી બારે માસ નૌકાવહન માટે ઉપયોગમાં લેવાય છે. હાજીપુર અને પટણા વચ્ચે સ્થાનિક લોકોની અવરજવર માટે નૌકાસેવા બારે માસ કાર્યરત રહે છે. ગંડક નદી નારાયણી અથવા શાલિગ્રામ નામથી પણ ઓળખાય છે. આ નદીઓ જળવિદ્યુત કે સિંચાઈ માટે ઉપયોગી નથી.
ખેતી : જિલ્લાની જમીનો કાંપ-રેતી-માટીથી બનેલી છે. સ્થાનિક લોકો અહીંની જમીનોને માથીવારી, બાલસુંદરી નામથી ઓળખે છે. ડાંગર, મકાઈ અને ઘઉં અહીંના મુખ્ય ધાન્ય પાકો છે; જ્યારે રોકડિયા પાકોમાં કપાસ, શેરડી, તમાકુ, કેળાં અને બટાટાનો સમાવેશ થાય છે. ફળો તેમજ શાકભાજીનું વાવેતર પણ થાય છે. ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરે છે. પશુઓની ઓલાદ-સુધારણા માટે પશુ-સંવર્ધનકેન્દ્રો સ્થાપવામાં આવેલાં છે.
ઉદ્યોગો : જિલ્લામાં કૃષિ-આધારિત ઉદ્યોગોનું પ્રમાણ વધુ છે. શેરડી-આધારિત ખાંડના એકમો ગોરાઉલ ખાતે તથા તમાકુ-આધારિત બીડી-સિગારેટના એકમો હાજીપુર અને મૅહનાર ખાતે સ્થપાયેલા છે. હાજીપુર ખાતે કાચનાં વાસણો અને બંગડીઓના એકમો વિકસ્યા છે. અહીં ભારે ઉદ્યોગો સ્થપાય તે માટે રાજ્યસરકાર પ્રયત્નશીલ છે. જિલ્લામાં લઘુઉદ્યોગોનું પ્રમાણ વિશેષ છે. હાજીપુર, લાલગંજ અને મૅહનારમાં રાચરચીલું બનાવવાના હસ્તકલા-એકમો વિકસ્યા છે. આ ઉપરાંત, કેળાં, લીચી, કેરી જેવાં ફળો પર આધારિત મુરબ્બા અને શરબતોના લઘુઉદ્યોગો પણ વિકસેલા છે. કપાસ પર આધારિત પાવરલૂમનાં મથકો પણ અહીં આવેલાં છે.
વસ્તી : 2001 મુજબ, જિલ્લાની વસ્તી આશરે 27,12,389 જેટલી છે. સ્ત્રી-પુરુષોનું પ્રમાણ લગભગ એકસરખું છે. 90 % વસ્તી ગ્રામીણ અને 10 % વસ્તી શહેરી છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં હિન્દુ-મુસ્લિમોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનોની વસ્તી ઓછી છે. સમગ્ર જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પ્રમાણ સારું છે. વૈશાલી અને હાજીપુર ખાતે ઉચ્ચ શિક્ષણની સુવિધા ધરાવતી કૉલેજો આવેલી છે. જિલ્લાનાં લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક સારવાર-કેન્દ્રો તથા હાજીપુર ખાતે જિલ્લા આરોગ્યકેન્દ્ર સ્થાપવામાં આવેલાં છે.
પ્રવાસન : વૈશાલી, હાજીપુર, બાલુકરમ્, રામચોરા, કોનહરા, જનદાહા અહીંનાં મહત્ત્વનાં પ્રવાસ-સ્થળો છે. જૈનધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું જન્મસ્થળ વૈશાલી હોવાથી તેનું અધિક મહત્ત્વ છે. ભગવાન રામ, મિથિલા જતી વખતે હાજીપુરમાંથી પસાર થયેલા તે વખતે તેમણે વૈશાલીના રાજાની મહેમાનગતી સ્વીકારેલી તથા ભગવાન બુદ્ધ પણ વૈશાલીમાંથી ત્રણ વખત પસાર થયેલા, તેથી હાજીપુર અને વૈશાલીનું પ્રવાસી સ્થળ તરીકે મહત્ત્વ છે. ગુપ્તકાળના સિક્કા અને મુદ્રાઓ પણ અહીંથી મળેલા છે. પ્રાચીન કાળની અનેક ચીજો અહીંના સંગ્રહસ્થાનમાં જળવાયેલી છે. હાજીપુર અહીંનું મુખ્ય વહીવટી મથક છે. તે ગંડક નદીના પૂર્વ કાંઠે વસેલું છે. બંગાળના નવાબ હાજી ઇલિયાસ ઉર્ફે શમ્સ-ઉદ્-દીને આ શહેરની સ્થાપના કરેલી. મુસ્લિમ શાસકોએ અહીં ઘણી મસ્જિદોનું નિર્માણ કરેલું હોવાથી હાજીપુરનું ધાર્મિક મહત્ત્વ પણ છે. દુનિયાભરના બૌદ્ધધર્મીઓની છઠ્ઠી પરિષદ બાલુકરમ્ ખાતે ભરાયેલી. રામચોરા ખાતેના પાષાણ પર ભગવાન રામનાં પાદચિહ્નો હોવાનું માનવામાં આવે છે. કોનહારા ખાતે ગંગા-ગંડકનો સંગમ થાય છે. ધર્મશાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ મુજબ અહીં હાથીનો પગ મગરે પકડેલો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને તેમાંથી મુક્તિ અપાવેલી. જનદાહા ખાતે આશરે 400 વર્ષ જૂની હજરત સાહેબની મજાર આવેલી છે. જિલ્લાનાં ઘણાં સ્થળોએ વારતહેવારે મેળા ભરાય છે.
ઇતિહાસ : જૈનધર્મના સ્થાપક મહાવીર સ્વામીનો જન્મ ઈ. પૂ. 599માં વૈશાલી ખાતે થયેલો. એક માન્યતા પ્રમાણે વૈશાલીમાં પ્લેગ ફાટી નીકળેલો ત્યારે ભગવાન બુદ્ધ તેને કાબૂમાં લાવેલા. ચીની પ્રવાસી હ્યુ-ઍન-શ્વાંગની નોંધ મુજબ અહીં અનેક સ્તૂપ અને મઠ હતા. 1764માં અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી તેમણે બિહાર પર પ્રભુત્વ જમાવેલું. 1947માં ભારત સ્વતંત્ર થતાં વૈશાલીનો મુઝફ્ફરપુર જિલ્લામાં સમાવેશ કરેલો, પરંતુ 1971માં વૈશાલીનો અલગ જિલ્લો બનાવવામાં આવેલો છે.
નીતિન કોઠારી