વૈશમ્પાયન : મહાભારતકાલીન કૃષ્ણ યજુર્વેદ પ્રવર્તક ઋષિ અને મહર્ષિ વ્યાસના શિષ્ય. તેઓ ‘વિશમા’ના વંશજ હોવાથી વૈશમ્પાયન કહેવાયા. વ્યાસના ચાર વેદપ્રવર્તક શિષ્યો(સુમન્તુ, પૈલ અને જૈમિનિ)માંના એક. કૃષ્ણ યજુર્વેદીય તૈત્તિરીય સંહિતાના જનક. ઋગ્વેદનાં નવાં અર્થઘટનોમાં તેમનું પ્રદાન છે.
વૈશમ્પાયને 86 સંહિતાઓ રચી અને યાજ્ઞવલ્ક્ય સહિત 86 શિષ્યોમાં વહેંચી દીધી.
વૈશમ્પાયનને તેમના શિષ્ય યાજ્ઞવલ્ક્ય સાથે સંઘર્ષ થતાં યાજ્ઞવલ્ક્ય પર ગુસ્સે થઈ વૈશમ્પાયને પોતે શીખવેલી બધી વિદ્યાનું યાજ્ઞવલ્ક્યને વમન કરવા કહ્યું. યાજ્ઞવલ્ક્યે વમન કરેલી વિદ્યાને વૈશમ્પાયનના અન્ય શિષ્યો તેતર બનીને ચણી ગયા. આથી કૃષ્ણ યજુર્વેદ ‘તૈત્તિરીય સંહિતા’ નામે પ્રખ્યાત થયો.
વૈશમ્પાયનના 86 શિષ્યોએ ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં તેનો પ્રસાર કર્યો. કૃષ્ણ યજુર્વેદને પછીથી ‘ચરક’ નામ પ્રાપ્ત થયું. તેથી વૈશમ્પાયનના શિષ્યો ‘ચરકાધ્વર્યુ’ અથવા ‘તૈત્તિરીય’ નામે ઓળખાયા.
મહાભારતની કથા સર્વપ્રથમ વ્યાસે વૈશમ્પાયનને જ સંભળાવી. મૂળે ‘જય’ નામનો આદ્યગ્રંથ. પછી વૈશમ્પાયને તેમાં વિવિધ આખ્યાનોનો ઉમેરો કરી ભારતગ્રંથની રચના કરી. તે પછી સૂત પુરાણિકે તેમાં ઉમેરણો કર્યાં. તે ખૂબ મોટું કાવ્ય હોવાથી તેનું નામ ‘મહાભારત’ પડ્યું. ‘આસ્તિકપર્વ’ વૈશમ્પાયનની રચના છે. સર્વપ્રથમ જનમેજયના સર્પસત્રમાં અવકાશના સમયે વૈશમ્પાયને મહાભારતની કથા કરી. આ ગ્રંથમાં જે છે તે ક્યાંય નથી એવું પ્રતિપાદિત કર્યું. આમ મહાભારતના પ્રચાર-પ્રસારમાં વૈશમ્પાયનનું યોગદાન બહુ મોટું છે. ‘હરિવંશ’નો પ્રસાર પણ વૈશમ્પાયને કર્યો.
સમય જતાં વૈશમ્પાયન અને યાજ્ઞવલ્ક્યનો વિવાદ વધતો ગયો. જન્મેજયે પણ વૈશમ્પાયનને છોડીને યાજ્ઞવલ્ક્યને યજ્ઞના પુરોહિતપદે સ્થાપ્યા. જનમેજયને રાજ્ય પણ એક વાર ગુમાવવું પડેલું.
આશ્વલાયન શ્રૌતસૂત્ર તથા હિરણ્યકેશિન્ લોકોના પિતૃતર્પણમાં વૈશમ્પાયનનો નિર્દેશ છે. વૈશમ્પાયનના નામે ‘નીતિપ્રકાશિકા’ નામનો ગ્રંથ ઉપલબ્ધ છે, જેમાં બંદૂકના બારુદનો ઉલ્લેખ છે.
તેમના નામે ચાર અન્ય ગ્રંથોનો ઉલ્લેખ મળે છે :
(1) વૈશમ્પાયન સંહિતા
(2) વૈશમ્પાયન નીતિસંગ્રહ
(3) વૈશમ્પાયન સ્મૃતિ
(4) વૈશમ્પાયન નીતિપ્રકાશિકા
ભૃગુકુલોત્પન્ન એક ગોત્રકારનું નામ પણ વૈશમ્પાયન છે, પણ તે જુદા જણાય છે. શૌનક ઋષિ સાથે જેનો તત્ત્વજ્ઞાન પર સંવાદ થયો હતો તે વૈશમ્પાયન પણ આ વૈશમ્પાયનથી જુદા જણાય છે.
પારુલ માંકડ