વૈદ્ય વિજયરાય કલ્યાણરાય (જ. 7 એપ્રિલ 1897, ભાવનગર; અ. 17 એપ્રિલ 1974, ભાવનગર) : ગુજરાતી સાહિત્યિક પત્રકાર, વિવેચક, નિબંધકાર, જીવનચરિત્રકાર, આત્મકથાકાર. વડનગરા નાગર ગૃહસ્થ. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં ગોકળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં. 1914માં મૅટ્રિક, પછી વિલ્સન કૉલેજમાંથી 1920માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ.. વચ્ચે 1916-1917 દરમિયાન અનારોગ્યને કારણે મુંબઈ છોડી ભાવનગરની શામળદાસ કૉલેજમાં અભ્યાસ કરેલો. 1920-1921ના વર્ષ દરમિયાન છ માસ બકમાં કૅશિયર. 1920-1923 દરમિયાન સાહિત્યપ્રધાન માસિક ‘ચેતન’માં બટુભાઈ ઉમરવાડિયા (1899-1950) સાથે તંત્રીપદે. 1921-1922 દૈનિક ‘હિન્દુસ્તાન’ના ઉપતંત્રી અને સાપ્તાહિક ‘હિન્દુસ્તાન’ના તંત્રી. 1922-1924 દરમિયાન ક્ધૌયાલાલ મુનશી(1887-1971)એ શરૂ કરેલ માસિક ‘ગુજરાત’માં ઉપતંત્રી અને વ્યવસ્થાપક તેમજ ‘સાહિત્યસંસદ’માં ઉપમંત્રી. 1924-1929 દરમિયાન પોતે શરૂ કરેલા ત્રૈમાસિક ‘કૌમુદી’ના તંત્રી અને 1930-1935નાં વર્ષોમાં માસિક થયેલા ‘કૌમુદી’ના તંત્રી અને સંચાલક. 1925માં થોડા માસ ‘યુગધર્મ’માં ઉપતંત્રી. 1935-1960 દરમિયાન પોતે નવા શરૂ કરેલા ત્રૈમાસિક ‘માનસી’ના તંત્રી. 1962-1963 પોતાની સંસ્કારપત્રિકા ‘રોહિણી’ના તંત્રી, 1971-1972માં ‘જય સાહિત્ય’ ગ્રંથાવલિના કર્તા અને સંપાદક. 1937-1949 સૂરતની એમ. ટી. બી. આટર્સ કૉલેજમાં અને 1949-1952 ભાવનગરની એમ. જે. કૉલેજ ઑફ કૉમર્સમાં ગુજરાતીના પ્રાધ્યાપક, પછી ભાવનગરમાં નિવૃત્ત.
વિજયરાયનું સૌથી મહત્ત્વનું અને શકવર્તી પ્રદાન પત્રકારત્વક્ષેત્રે છે. ‘ચેતન’માં આરંભમાં જ એમણે પૂર્ણ સાહિત્યિક સમીક્ષામૂલક સામયિકનો આદર્શ આલેખતો ‘ચેતન તેની ભાવના અને કાર્યક્રમ’ લેખ લખ્યો હતો. ‘ચેતન’માં જ રમણભાઈ નીલકંઠ(1868-1928)ના સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનની ‘ક્રિટિક’ નામે આકરી સમીક્ષા કરી અને નરસિંહરાવ(1859-1937)ના ‘મંગલ ભાષણ’ની ‘સખત ઝડતી’ લઈ વિદ્વાનોનું ધ્યાન આકૃષ્ટ કરેલું. ‘મયૂરાનન્દ વર્મા’ અને ‘વિનોદકાન્ત’ નામે એમણે કવિતા સહિત કેટલાંક લખાણ કરેલાં. ‘ચેતન’માં જ વિજયરાયની કલમથી પ્રભાવિત થઈ મુનશીએ પોતાના માસિક ‘ગુજરાત’માં નિમંત્ર્યા હતા. ત્યાંથી વિજયરાયને બહોળો અનુભવ, પીઢ સાહિત્યકારોનો પરિચય અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયાં. ‘ગુજરાત’માંથી છૂટા થઈ તેમણે પૂર્ણ સાક્ષરી સ્વતંત્ર ત્રૈમાસિક ‘કૌમુદી’ શરૂ કર્યું, જે માસિક પણ બન્યું. એનો હાથપલટો થતાં ‘માનસી’ શરૂ કર્યું. બંને સામયિકના 37 વર્ષના ગાળા દરમિયાન ઉત્તમ સાહિત્યિક પત્રકારત્વનાં ધોરણો સ્થાપિત કર્યાં. ‘કૌમુદી સેવકગણ’ની યોજના દ્વારા સાહિત્યવ્રતનો આદર્શ મૂક્યો. ઘણી તેજસ્વી જૂની નવી પ્રતિભાઓને આકર્ષી, કૌતુકરાગી વિવેચનની આબોહવા પ્રસરાવી. સ્થગિત મૂલ્યમીમાંસા અને પાંડિત્યપ્રચૂર વિવેચનાને સ્થાને રસલક્ષી, પ્રભાવલક્ષી, સર્જનાત્મક વિવેચનની હિમાયત કરી ‘જૂના સામે બંડ અને નવાની નેકી’ની નેમ રાખી ઉત્સાહ-યુયુત્સાપૂર્ણ વાતાવરણ સર્જ્યું. અકિંચન અવસ્થા વેઠીને, અત્યંત આર્થિક સંકડામણમાં પ્રતિકૂળ પરિસ્થિતિ તેમજ નાદુરસ્ત તબિયતે એમણે નર્મદીય ભેખ ધારણ કરી સામયિકોને નભાયે રાખ્યાં. પછી ‘રોહિણી’ અને ‘જયસાહિત્ય’ દ્વારા પોતાનો પત્રકારત્વનો પુરુષાર્થ જારી રાખ્યો. બંને પત્રો અલ્પજીવી રહ્યાં.
વિજયરાયની વિવેચનપ્રવૃત્તિ મુખ્યત્વે પત્રકારત્વને અનુલક્ષીને પ્રવર્તી છે. એમની વિવેચનરીતિ સંસ્કારલક્ષી, વિદ્વત્તાપૂર્ણ, સૂક્ષ્મદર્શી, અભિનિવેશાન્વિત, અસંદિગ્ધ, કૌતુકરાગી, સમગ્રદર્શી, અરૂઢ, ક્યારેક પ્રહારાત્મક છતાં શિષ્ટતાયુક્ત છે. તેઓ ‘અર્વાચીન વિવેચનકલાના આદ્ય દ્રષ્ટા’નું બિરુદ પામ્યા છે. સેઇન્ટ્સબરી, કાર્લાઇલ, એડમંડ ગૉસ, ક્વિલર કૂચ જેવા સાહિત્યકારોના પ્રભાવથી એમની વિચારણા અને શૈલી ઘડાયેલી. એમના આરંભના વિવેચનસંગ્રહો ‘સાહિત્યદર્શન’ (1935), ‘જૂઈ અને કેતકી’(1939; બી. આ. 1963)માં અનુક્રમે સૈદ્ધાંતિક ચર્ચા, તત્કાલીન સાહિત્યિક ગતિવિધિ અને ગ્રંથાવલોકનો છે. એમના અન્ય વિવેચનસંગ્રહો ‘ન્હાનાલાલ કવિની જીવનષ્ટિ’ (1957), ‘નીલમ અને પોખરાજ’ (1962), ‘માણેક અને અકીક’ (1967), તેમજ મરણોત્તર પ્રગટેલાં ‘મોતી અને પરવાળાં’ (1983), ‘હીરા અને પન્ના’ (1984) છે. મરણોત્તર ‘કૌમુદીમનન’ (1985) અને ‘કૌમુદીદર્શન’ (1987) ત્રૈમાસિક ‘કૌમુદી’માં લખાયેલાં વિવિધ વિષયનાં લખાણોનાં સંગ્રહ છે. એમનું સૌથી માતબર કાર્ય ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ (1943; બી. આ. 1949) છે. પરંપરિત વાક્ય અને વાક્યખંડોથી મંડિત, સંકુલ, રસાન્વિત, સેઇન્ટ્સબરીકલ્પ સમૃદ્ધ ગદ્યશૈલીમાં લખાયેલો ઈ. સ. 900થી 1940 સુધીનો ગુજરાતી સાહિત્યનો આલેખ વિદ્વત્તા અને સર્વગ્રાહી સમીક્ષાનો ઉત્તમ અને અનુપમ નમૂનો છે. એની સંશોધિત સંવર્ધિત આવૃત્તિ ત્રણ ભાગમાં પ્રગટ થઈ છે (1965, 1967, 1973). ‘લીલાં સૂકાં પાન’(1943)માં નર્મદયુગ અને ‘ડાંડિયો’ વિશે અને ‘ગતશતકનું સાહિત્ય’(1959)માં શતકના ગુજરાતી સાહિત્ય વિશે સંશોધનાત્મક પર્યેષણ છે. એમણે ‘ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા’માં અંગ્રેજીમાં આપેલાં વ્યાખ્યાનો ‘20th Century Literature in Gujarati’ (1948) હજુ અપ્રગટ છે. ‘સાહિત્યપ્રિયનો સાથી’ (1967) સાહિત્યિક સંદર્ભગ્રંથનો નબળો પણ દાખલારૂપ પ્રયાસ છે.
વિજયરાયે ‘વિનોદકાન્ત’ નામે લખેલ હળવી નિબન્ધિકાઓ, વાર્તાઓ, સંવાદો આદિ ‘પ્રભાતન રંગો’(1927)માં છે. ઉપરાન્ત ‘નાજુક સવારી’ (1938; બી. આ. 1940), ‘ઊડતાં પાન’ (1945), ‘દરિયાવની મીઠી લહર’ (1965) એમની નિબન્ધિકાઓના સંગ્રહો છે. ‘ઊડતાં પાન’માં સંસ્મરણાત્મક રસપ્રદ નિબંધો પણ છે. ‘પારસના સ્પર્શે’ (1963) એમના ગ્રંથોમાંથી થયેલું ચયન છે.
‘બ્રહ્મર્ષિવસિષ્ઠ’ (1936), નવલરામનું જીવનચરિત્ર ‘શુક્રતારક’ (1944; બી. આ. 1963) અને દીવાન ગૌરીશંકર ઓઝાનું ચરિત્ર ‘સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર’ (1959) એમનાં પ્રયોગાત્મક જીવનચરિત્રો છે. ‘શિવનન્દન કશ્યપ’ નામે લખેલી ‘વિનાયકની આત્મકથા’ (1969) એમનું અરૂઢ શૈલીનું આત્મચરિત્ર છે. ‘ખુશ્કી અને તરી’ (1933) એમના કરાંચી-રંગૂનના પ્રવાસનું પુસ્તક છે. ‘અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયો’ (1932), ‘મનુષ્યવાણીની ઉત્પત્તિ અને વિકાસ’ (1939), ‘ઋગ્વેદકાળનાં જીવન અને સંસ્કૃતિ’ (1941) અને ‘અર્વાચીન ગુજરાતનું સાંસ્કૃતિક દિગ્દર્શન’ (1975, મરણોત્તર) એમનાં વૈવિધ્યસભર પુસ્તકો છે. ‘પહેલું પાનું’ (1936) અને ‘કૌમુદી ચિંતન’-(1998, મરણોત્તર)માં ‘કૌમુદી’ માસિકમાં લખેલી મનનનોંધો છે. ‘એક ક્રાન્તિકારની આત્મકથા’ (1932, 1933) રશિયન વિપ્લવી રાજકુમાર ક્રોપોટ્ક્ધિાની આત્મકથાનો દ્વિભાગી દીર્ઘ પ્રવેશયુક્ત સંક્ષિપ્ત અનુવાદ છે. ‘ષ્ટિપરિવર્તન’(1934)માં ટૉલ્સ્ટૉય(1828-1910)ના ધર્મવિષયક છ પત્રોનો અનુવાદ છે. એમણે હર્મન મેલ્વિન(1819-1891)ની ‘મૉબી ડિક’ (1851) નવલકથાનું ‘તિમિંગલ’ (1962) નામે ભદ્રમુખ વૈદ્ય સાથે ભાષાન્તર કર્યું છે. ‘નર્મદ શતાબ્દી ગ્રંથ’(1933)ના સંપાદક મંડળમાં પણ તેઓ હતા. ‘મનપસંદ નિબંધો’ (1970) એમનું સંપાદન છે.
ગળિયારા પારિતોષિક (1929), રણજિતરામ સુવર્ણચંદ્રક (1931), સાહિત્ય સંત બિરુદસહ નવસારી સાહિત્ય પરિષદ સુવર્ણચંદ્રક (1952), નર્મદ સુવર્ણચંદ્રક (1959) ઉપરાંત પી. ઈ. એન.ની ભારતીય શાખાના સ્થાપક સભ્ય (1933), ભારતીય વિદ્યાભવનમાં શ્રીમતી લીલાવતી મુનશી પ્રોફેસર ઑવ્ ગુજરાતી (1952-1953), સૂરતમાં મળેલી સાહિત્ય પરિષદમાં વિવેચન-વિભાગના અધ્યક્ષ (1965) આદિ માન-સન્માન એમનાં સિદ્ધિનાં દ્યોતક છે.
મનોજ દરુ