વૈદ્ય, ગોવિંદપ્રસાદ હરિદાસ (જ. 19 સપ્ટેમ્બર 1919, સૌરાષ્ટ્ર; અ. 23 ઑક્ટોબર 1986, અમદાવાદ) : આયુર્વેદના જાણીતા વિદ્વાન અને ચિકિત્સક. તેમણે અમદાવાદ શહેરને કર્મભૂમિ બનાવી, આયુર્વેદ માટે આજીવન ઐતિહાસિક મૂલ્યવાન સેવા બજાવી હતી. તેમનો જન્મ સૌરાષ્ટ્રના એક ગરીબ, શિવભક્ત, સંસ્કારી સાધુ પરિવારમાં થયેલ. પિતા એક સામાન્ય વૈદ્ય હતા, પણ પુત્રને તેઓ આયુર્વેદના મહાન વૈદ્ય બનાવવાનું સ્વપ્ન જોતા હતા. માતા સરસ્વતી અને પિતા હરિદાસ તરફથી તેમને સચ્ચાઈ, આતિથ્ય-ભાવના, જીવદયા, આયુર્વેદભક્તિ અને ભગવદ્ભક્તિના સંસ્કારો મળેલા. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી અમદાવાદના રાજવૈદ્ય ગોપાલાચાર્યના શિષ્ય બની આયુર્વેદિક ઔષધનિર્માણનું જ્ઞાન મેળવ્યું. તે પછી અનંત આયુર્વેદ પાઠશાળા તથા નારાયણ શંકર વૈદ્યની પાઠશાળામાં વૈદકીય શાસ્ત્રીય જ્ઞાનનો અભ્યાસ કર્યો. સને 1936માં તેમણે અખિલ ભારતીય આયુર્વેદ વિદ્યાપીઠની ‘આયુર્વેદભિષક્’ની પદવી પ્રાપ્ત કરી. તે ઉપરાંત તેમણે ચિકિત્સા-સાફલ્ય માટે ઍલોપથી, યુનાની અને બાયૉકેમિક જેવી અન્ય તબીબી પદ્ધતિઓનો અભ્યાસ કરી તેમનું નવનીત પણ પ્રાપ્ત કર્યું.
1955થી તેમણે અમદાવાદમાં અને તે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં આયુર્વેદની પુન:પ્રતિષ્ઠા કરી. તેને લોકપ્રિય બનાવવા તન, મન અને ધનથી મહાપુરુષાર્થ આદરેલો. તેમણે એક શ્રેષ્ઠ ચિકિત્સક, ઉત્તમ સંગઠક, ઉત્તમ નેતા અને અડીખમ યોદ્ધા તરીકે આયુર્વેદના પ્રચાર-પ્રસાર અને હિત માટે જીવનના અંત સુધી ઐતિહાસિક કાર્ય કરેલ છે. તેમણે અમદાવાદના, ગુજરાત અને સમગ્ર ભારતના વૈદ્ય સમાજને સુસંગઠિત કરવા પ્રયત્નો કર્યા. તેમણે આયુર્વેદના જ્ઞાનને સામાન્ય જન સુધી પહોંચાડવા અમદાવાદના સુપ્રસિદ્ધ દૈનિક પત્રોમાં આરોગ્યની કૉલમ શરૂ કરેલી. વળી રેડિયો-વાર્તાલાપો અને કેટલાક વૈદકીય ગ્રંથો દ્વારા પણ આયુર્વેદની પ્રતિષ્ઠા વધારી, તેને લોકપ્રિય બનાવેલ.
ઈ. સ. 1954માં તેમણે જનતાને ઉત્તમ પ્રભાવશાળી આયુર્વેદિક ઔષધિઓ મળે તે માટે પોતાની ‘રાકા લૅબોરેટરી’ તથા ‘રાકા ફાર્મસી’ સ્થાપી, 250 ઔષધિઓ નિર્માણ કરી, જનતાને તેનો લાભ આપેલો.
અમદાવાદમાં વૈદ્ય-મંડળ હતું, પણ વૈદ્યો માટે કોઈ સુંદર ભવન નહોતું. તેથી તેમણે માત્ર વૈદ્યો અને વૈદકીય સંસ્થાઓનો જ સહકાર મેળવી અમદાવાદ શહેરના હાર્દસમા આશ્રમરોડ પર ‘ગુજરાત આયુર્વેદ ભવન’નું એક ત્રણ માળના સુંદર ભવનનું નિર્માણ કર્યું; જે આજે પણ આયુર્વેદની અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. અહીં ગુજરાત આયુર્વેદ વિકાસ મંડળ ફાર્મસીનું કાર્યાલય તથા ઔષધિ-વેચાણ કેન્દ્ર, સાર્વજનિક વાચનાલય, ‘નિરામય’ માસિક કાર્યાલય, મધ્યસ્થ ગ્રંથાલય, આયુ. કન્સલ્ટિંગ સેન્ટર તથા આયુ. આલેખચિત્રો(ચાર્ટ્સ)નું કાયમી પ્રદર્શન આજે પણ હયાત છે. આયુર્વેદ ભવન અને તેમાં ચાલતી તમામ પ્રવૃત્તિઓએ ‘ગોવિંદપ્રસાદજી’ના આયુર્વેદ પ્રેમ, નિષ્ઠા, કાર્યકુશળતા અને શ્રમને આભારી હોઈ, તે તેમની કારકિર્દીની યશકલગી સમાન છે.
જનકલ્યાણની પ્રવૃત્તિ માટે તેઓ ગોમતીપુર અને આશ્રમરોડ પર બે સ્થળોએ પોતાનાં દવાખાનાં ચલાવતા. તેમનાં દવાખાનાં કાયમ દર્દીઓથી ઊભરાતાં રહેતાં. ચિકિત્સક તરીકે તેઓ કોઈ પણ સાધુસંતનો ઉપચાર મફત કરતા.
ગોમતીપુરના પછાત વિસ્તારના ગરીબ લોકો માટે તેમણે મૅટ્રિક સુધીના શિક્ષણના તથા સંગીતના વર્ગો મફત ચલાવેલા. અનેક વિદ્યાર્થીઓને તેમણે અભ્યાસ માટે મદદ કરેલી. નવનિર્માણ તથા દુષ્કાળ વખતે તેમણે પોતાના ખર્ચે અનાજ ખરીદી તે ગરીબ લોકોને મફત કે રાહતદરે આપેલું. દુષ્કાળમાં તેમણે ગરીબ લોકોને વૈદકીય સારવાર આપતી શિબિરો યોજી, મદદ કરેલી. તેમણે ‘દરિદ્રનારાયણ ફંડ’ની રચના કરી. તેમણે તબીબી અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને ફી આપેલી અને કેટલાકને પરદેશ જવા માટે પણ સહાય કરેલી. આયુર્વેદિક સંશોધનો માટે તેમણે ઘણું દાન આપેલું અને મદદ કરેલી.
તેમણે આયુર્વેદ દ્વારા માનવકલ્યાણની વિરાટ અને વિવિધલક્ષી અનેક વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરેલી. ગુજરાત વિકાસ મંડળ ફાર્મસીના સંચાલન સાથે તેમણે આ સંસ્થા દ્વારા નજીવી ફીના ધોરણે આયુર્વેદનાં 20 દવાખાનાં ગુજરાતભરમાં શરૂ કરાવેલાં. વળી દુષ્કાળના સમયમાં 40 ફરતાં દવાખાનાંઓ દ્વારા પણ ગરીબજનોની સેવા કરેલી.
પાછલાં વર્ષોમાં તેમના પર બે વાર હૃદયરોગના હુમલા થયેલા. પણ તેમાંથી બચી જતાં ફરી આયુર્વેદક્ષેત્રની સેવામાં જ તેઓ સતત પ્રવૃત્તિશીલ રહેલા. સ્વભાવે ઉદાર, આતિથ્યમાં મનની મોકળાશ, વાણીમાં સંયમ – મિતભાષિતા, મધુર શિષ્ટ-વ્યવહાર, સસ્મિત ગરવો ચહેરો, સપ્રમાણ પડછંદ ભરાવદાર કાયા અને વેધક આંખો વગેરેને લઈને એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગતું હતું. મહાત્મા ગાંધીજીની વિચારસરણી અનુસરનારા આયુર્વેદના એક વૈદ્યને અનુરૂપ ખાદીનાં શ્ર્વેત ધોતી, ઝભ્ભો અને ગાંધી ટોપી – એ એમનો કાયમી પહેરવેશ હતો. તેમનું ભણતર ઓછું હતું, પણ ગણતર વધુ હતું. ઉચ્ચ બુદ્ધિમત્તા, વ્યવહારદક્ષતા, કુશળ વહીવટી શક્તિ, કુનેહબાજ દૃષ્ટિક્ષમતા અને અગમચેતી જેવા સદ્ગુણોને કારણે તેઓ એક સર્વપ્રિય અને બહુમુખી પ્રતિભાસંપન્ન વ્યક્તિ બની શક્યા હતા. તેમણે ગુજરાતના આરોગ્યમંત્રી મોહનલાલ વ્યાસ દ્વારા આયુર્વેદની સંગીન પ્રગતિ અને પ્રસાર માટે ગુજરાત અને ભારતમાં દૂરગામી અસરો કરે તેવાં, ઘણાં ઐતિહાસિક કાર્યો કરાવવામાં સફળતા મેળવેલી.
આયુર્વેદના વિકાસ-પ્રસાર-પ્રચાર માટે વિવિધ મંડળો કે કાર્યક્રમો કેવી રીતે યોજવા અને તેમનું સંચાલન કેવી રીતે કરી, હેતુ સિદ્ધ કરવો, તેમાં તેઓ અતિ નિષ્ણાત હતા. તેમનું દરેક કાર્ય આયોજનપૂર્વકનું, દીર્ઘદૃષ્ટિયુક્ત, દમામદાર અને પહેલે ધડાકે જ અર્ધો વિજય હાંસલ કરવાની ગણતરીવાળું રહેતું. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સિંડિકેટમાં તથા આયુર્વેદનાં અન્ય અનેક મંડળો તથા સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સલાહકાર, સંયોજક કે સભ્યપદે નિયુક્ત થયેલા. છેલ્લે તેમણે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના કુલાધિપતિ-પદને પણ શોભાવેલું. સને 1978માં સિમલામાં તેઓ અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલનના પ્રમુખ બનેલા. વળી સિલોન (શ્રીલંકા) આયુર્વેદ ફેકલ્ટીએ તેમને ખાસ નિમંત્રિત કરી ‘આયુર્વેદ ચક્રવર્તી’ની માનાર્હ ઉપાધિ આપી તેમનું બહુમાન કરેલું. ગુજરાત અને ભારતના રાજકીય, સામાજિક તથા આયુર્વેદ-ક્ષેત્રના અનેક પ્રતિષ્ઠિત અને મહત્વની વ્યક્તિઓ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધો હતા.
સને 1955થી 1986ના 27 વર્ષનો સમય ગોવિંદપ્રસાદજીનો સુવર્ણયુગ બની રહેલો. આ સમયગાળામાં તેમની બહુક્ષેત્રીય ઉપલબ્ધિઓ અને સેવાઓની સંક્ષિપ્ત નોંધ પણ ખૂબ લાંબી છે :
(1) વૈદકીય વ્યવસાયક્ષેત્રે અમદાવાદમાં તેમનાં પોતાનાં 2 દવાખાનાં હોવા ઉપરાંત 7 જેટલી અમદાવાદની સંસ્થાઓના કન્સલ્ટિંગ ફિઝિશિયન, કન્વીનર તથા અધ્યક્ષ હતા. ગુજરાતના 5 જેટલા મુખ્ય પ્રધાનો અને 4 રાજ્યપાલોના તેઓ અંગત તબીબ હતા. આવું બહુમાન મેળવનાર તેઓ એકમાત્ર વૈદ્ય હતા.
(2) સંશોધન-ક્ષેત્રે તેઓ 10 જેટલી રાજકીય અને કેન્દ્રીય સંસ્થાઓમાં સલાહકાર કે સભ્ય તરીકે રહેલા.
(3) આયુર્વેદિક શિક્ષણના ક્ષેત્રે 30 જેટલી વિવિધ સંસ્થાઓમાં તેઓ પ્રમુખ, ચૅરમૅન, સલાહકાર, આયોજક કે સભ્ય તરીકે રહેલા.
(4) સને 1963થી 1975 દરમિયાન ગુજરાત રાજ્ય કામદાર વીમા યોજનામાં 7 કમિટી અને કમિશનોમાં તેઓ ચૅરમૅન, સલાહકાર કે સભ્ય તરીકે રહેલા.
(5) આરોગ્યક્ષેત્રે અમદાવાદ અને ગુજરાતનાં 7 જેટલાં વિવિધ મંડળો, કેન્દ્રો કે સમિતિઓમાં તેઓ અધ્યક્ષ કે સભ્ય તરીકે રહેલા.
(6) કુટુંબનિયોજન-ક્ષેત્રે તેઓ રાજ્ય અને કેન્દ્રની 4 સમિતિઓમાં આયોજક, અધ્યક્ષ કે સભ્ય રહેલા.
(7) આયુર્વેદ સિવાયની અન્ય શહેરી અને રાજકીય 7 સંસ્થાઓમાં તેઓ અધ્યક્ષ કે સભ્ય હતા.
(8) ગુજરાત અને કેન્દ્રની આયુર્વેદની અન્ય 34 જેટલી સંસ્થાઓમાં અધ્યક્ષ, માનાર્હ સલાહકાર કે સભ્ય તરીકે રહેલા.
(9) અમદાવાદના અગ્રણી વર્તમાનપત્રો ‘સંદેશ’ તથા ‘ગુજરાત સમાચાર’ની વૈદકીય કૉલમના તેઓ લોકપ્રિય લેખક હતા. તેમણે આયુર્વેદના 8 ગ્રંથો લખ્યા છે.
તેમનાં સંતાનોમાં 8 પુત્રીઓ અને 1 પુત્ર શ્રીરામ છે. જીવનની છેલ્લી ક્ષણો સુધી એમણે આયુર્વેદ અને જનતાની સેવા કરી હતી. 68 વર્ષની વયે આખો દિવસ ચિકિત્સાકાર્ય કર્યા પછી ઘેર પાછા ફરતાં, કારમાં પુત્રના ખોળામાં તેમણે સહજતાથી જીવનલીલા સંકેલી લીધી.
તેમના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પનાર ગુજરાતના અનેક અગ્રણી નેતાઓ, વૈદ્યો, સાહિત્યકારો અને દર્દીઓએ તેમને ‘આયુર્વેદ- શિરોમણિ’ તથા ‘અર્વાચીન ગુજરાતના આયુર્વેદના સાક્ષાત્ ધન્વંતરિ’ જેવાં બિરુદોથી નવાજેલા.
ગુજરાતમાં છેલ્લા સૈકામાં આયુર્વેદક્ષેત્રને તેમના જેવો બહુમુખી પ્રતિભાસંપન્ન અન્ય કોઈ ધન્વંતરિ (વૈદ્ય) મળ્યો નથી. તેઓ અમદાવાદ અને ગુજરાતની આયુર્વેદની અનેક પ્રવૃત્તિઓના આધાર- સ્તંભ હતા.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા