વૈદ્ય, કે. એલ. (જ. 2 માર્ચ 1937, મંડી, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સમાં એમ.એ.ની ડિગ્રી તથા બી.એડ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ 1960-62 સુધી હિમાચલ પ્રદેશ સરકારના શિક્ષણવિભાગમાં સિનિયર શિક્ષક રહ્યા. ત્યારબાદ 1962-1974 દરમિયાન ઉક્ત સરકારના જાહેર સંપર્ક વિભાગમાં સહસંપાદક; 1974-82 સુધી જિલ્લા જાહેર સંપર્ક- અધિકારી; 1982-89 સુધી સંપાદક/માહિતી અધિકારી; 1989-93 સુધી નાયબ નિયામક; 1993-95 સુધી સંયુક્ત નિયામક રહ્યા અને એ જ વિભાગમાંથી સેવાનિવૃત્ત થયા.
તેમની માતૃભાષા પહાડી (હિંદી) છે અને અંગ્રેજીમાં પણ લેખનકાર્ય કરે છે. અત્યાર સુધીમાં તેમણે 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પહાડી ચિત્રકલા’ (1969) કલા પરનો વિવેચનગ્રંથ છે. ‘પ્રવાસી કે અનુબંધ’ (1981) તેમની પ્રવાસકથા છે. ‘તટ કે બંધન’ (1963); ‘નદી નાવ સંયોગ’ (1987) – એ બંને તેમની જાણીતી નવલકથાઓ છે. તે ઉપરાંત ‘સફેદ પ્રતિમા કાલે સાયે’ (1963); ‘એક કથા પરિવેશ’ (1972) નામક વાર્તાસંગ્રહો પણ તેમણે આપ્યા છે. ‘હિમાચલ કે મંદિર’ (1995) મંદિર સ્થાપત્ય પરનો તેમનો ઉલ્લેખનીય ગ્રંથ છે. ‘હિમાલય કી લોકકથાએં’ (1971) તેમનો લોકકથાસંગ્રહ છે, જ્યારે અંગ્રેજીમાં ‘ધ કલ્ચરલ હેરિટેજ ઑવ્ ધ હિમાલયાઝ’ (1977) નામનો તેમનો ગ્રંથ છે.
તેમના ઉપર્યુક્ત પ્રદાન બદલ તેમને 1970માં હિમાચલ પ્રદેશ સરકારે; 1971માં ‘હિમાચલ ટાઇમ્સ’, દહેરાદૂને સન્માન્યા હતા. 1983માં તેમને હિમાચલ એકૅડેમી ઑવ્ આટર્સ, લૅંગ્વેજ ઍન્ડ કલ્ચર ઍવૉર્ડ તથા 1991માં ઉત્તર પ્રદેશ સરકારનો ઍવૉર્ડ આપવામાં આવેલા.
બળદેવભાઈ કનીજિયા