વૈદિક સાહિત્ય
પ્રાચીન ભારતીય વેદગ્રંથો અને તેની સાથે સંકળાયેલું સાહિત્ય. જગતભરમાં પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. ઋગ્વેદ ‘ઋચા’ કે ‘ઋચ્’ નામથી ઓળખાતા મંત્રોનો વેદ છે. ઋગ્વેદમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવતાઓની મુખ્યત્વે સ્તુતિ કરવામાં આવે છે. ‘ઋચ્’(ઋચ્-ઋક્)નો વેદ તે ઋગ્વેદ. સ્તુતિઓ ઉપરાંત, ઋગ્વેદમાં દાનસૂક્તો, અક્ષ-(જુગાર)સૂક્ત, વિવાહસૂક્ત, અંત્યેદૃષ્ટિસૂક્ત, દાર્શનિક સૂક્ત વગેરે વિવિધ વિષયનાં સૂક્તો છે. ઋગ્વેદની ગોઠવણી બે રીતે થયેલી છે : મંડલ ક્રમ અને અષ્ટક ક્રમ. તેમાં કુલ 10 મંડલ છે. કેટલાંક સૂક્તોનું એક મંડલ બને છે અને કેટલીક ઋચાઓનું એક સૂક્ત બને છે. બીજી રીતે, આઠ અષ્ટક મળીને સમગ્ર ઋગ્વેદ બને છે. દરેક અષ્ટકમાં આઠ આઠ અધ્યાયો હોય છે. કુલ 64 અધ્યાયો છે. અધ્યાય, વર્ગોનો બનેલો હોય છે. વર્ગમાં કેટલીક ઋચાઓ હોય છે. ઋગ્વેદના દરેક સૂક્તને પોતાના ઋષિ, દેવતા અને છન્દ હોય છે. સૂક્તના પ્રારંભે તેમનો નિર્દેશ કરવામાં આવે છે. ઋગ્વેદના બેથી સાત મંડલ વંશમંડલ કહેવાય છે; તેમના અનુક્રમે ઋષિઓ છે ગૃત્સમદ, વિશ્ર્વામિત્ર, વામદેવ, અત્રિ, ભરદ્વાજ અને વસિષ્ઠ. બાકીનાં મંડલોમાં જુદા જુદા ઋષિઓ છે. મંડલ 1 અને 10 ભાષાની દૃષ્ટિએ અર્વાચીન મનાય છે; તે પ્રથમ અને અંતિમ મંડલમાં 191, 191 સૂક્તો છે. મંડલ આઠના મંત્રોના ઋષિ કણ્વ અને અંગિરા છે. મંડલ નવમાં સોમ (પવમાન) સૂક્તો છે. ઋગ્વેદમાં બધાં મળીને આશરે 1,028 સૂક્તો છે અને કુલ 10,580 ઋચાઓ છે.
ઋગ્વેદની, પાતંજલ મહાભાષ્ય પ્રમાણે 21 શાખાઓ છે. ચરણવ્યૂહસૂત્રમાં મહર્ષિ શૌનક, ઋગ્વેદની 5 શાખાઓ આપે છે – આશ્વલાયની, શાંખાયની, શાકલ, બાષ્કલ, માણ્ડૂકાયન. આજે ઋગ્વેદની જે શાખા ઉપલબ્ધ છે તે એકમાત્ર શાકલ શાખા છે. દરેક વેદશાખાને પોતાનો બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક ગ્રંથ અને ઉપનિષદ હોય છે. ઉપરાંત, દરેક વેદશાખાને પોતાનાં શ્રૌતસૂત્રો, ગૃહ્યસૂત્રો, પ્રાતિશાખ્ય વગેરે પણ હતાં. બાષ્કલ શાખાની કેટલીક વિશેષતાઓ અન્યત્ર નિર્દેશેલી જોવા મળે છે. આશ્વલાયન શાખાનાં શ્રૌતસૂત્રો અને ગૃહ્યસૂત્રો મળે છે. શાંખાયન શાખાનાં બ્રાહ્મણ અને આરણ્યક મળે છે. માણ્ડૂકાયન શાખાનો કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી.
યજુર્વેદના મંત્રને ‘યજુષ્’ કહે છે. જેનાથી યજ્ઞ થાય અને દેવોનું યજન (પૂજન) થાય તે યજુષ્. યજુર્વેદની મુખ્ય બે શાખાઓ છે – શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. જેમાં મંત્રભાગ અને બ્રાહ્મણભાગનું મિશ્રણ નથી તે શુક્લ યજુર્વેદ; અને જેમાં એવું મિશ્રણ છે તે કૃષ્ણ યજુર્વેદ. સામાન્યત: વેદ બ્રહ્મપરંપરાથી કે ઋષિપરંપરાથી પ્રવર્તે છે; પરંતુ શુક્લ યજુર્વેદને, યાજ્ઞવલ્ક્યે સાક્ષાત્ આદિત્ય પાસેથી મેળવેલ હોવાથી, તેને આદિત્યપરંપરાનો વેદ કહે છે. શુક્લ યજુર્વેદમાં પણ બે શાખાઓ છે – માધ્યન્દિની શાખા અને કાણ્વશાખા. આ ઉપરાંત, ચરણવ્યૂહસૂત્ર પ્રમાણે જાબાલ, બૌધાયન વગેરે 13 શાખાઓ છે. એટલે શુક્લ યજુર્વેદની કુલ 15 શાખાઓ હતી; તેમાંથી માત્ર બે શાખાઓ – માધ્યન્દિની અને કાણ્વ મળે છે, તેમ કૃષ્ણ યજુર્વેદની 86 શાખાઓ હતી; તેમાંથી આજે ચાર શાખાઓ મળે છે – તૈત્તિરીય, મૈત્રાયણી, કઠ અને કપિષ્ઠલ – કઠ શાખા.
શુક્લ યજુર્વેદમાં 40 અધ્યાયો છે. તેમાં છેલ્લો 40મો અધ્યાય તે ઈશાવાસ્ય ઉપનિષદ છે. પ્રથમ 25 અધ્યાય પ્રાચીન મનાય છે. આ વેદમાં વાજપેય, અશ્વમેધ વગેરે યજ્ઞોનું નિરૂપણ છે. અધ્યાય 31માં તત્વજ્ઞાન-વિષયક પુરુષસૂક્ત છે.
માધ્યન્દિની શાખામાં 1,975 મંત્રો છે અને કાણ્વશાખામાં 2,086 મંત્રો છે. માધ્યન્દિન સંહિતા પર લખાયેલાં ઉવટ અને મહીધરનાં ભાષ્યો મળે છે. કાણ્વશાખાની સંહિતાના પ્રથમ 20 અધ્યાય પર સાયણભાષ્ય મળે છે.
કૃષ્ણ યજુર્વેદની પૂર્વે નિર્દેશેલી જ શાખાઓમાંની તૈત્તિરીય શાખાની સંહિતાની સાથે તેના બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર, પ્રાતિશાખ્ય વગેરે ગ્રંથો ઉપલબ્ધ છે. આ સંહિતા કાણ્ડ, પ્રપાઠક તથા અનુવાકોમાં વિભક્ત છે. સંહિતાનો વિષય શુક્લ યજુર્વેદના વિષયની સમાન છે. આચાર્ય સાયણની આ પોતાની વેદશાખા છે. તેમણે આની ઉપર ભાષ્ય રચેલું છે. કૃષ્ણ યજુર્વેદની બીજી મૈત્રાયણી સંહિતામાં ગદ્ય-પદ્ય મિશ્ર છે. આ સંહિતામાં ચાર કાણ્ડ છે અને 3,144 મંત્રો છે. ત્રીજી કઠ સંહિતાનો પ્રાચીન કાલમાં ખૂબ પ્રચાર હતો. આ સંહિતામાં પાંચ ખંડો છે; મંત્રો 3,091 છે; અને મંત્ર-બ્રાહ્મણ મળીને સંખ્યા અઢાર હજારની થાય છે. ચોથી કપિષ્ઠલ કઠ સંહિતાની એક અધૂરી પ્રત મળે છે. આ સંહિતા ‘કઠ સંહિતા’ જેવી છે. પરંતુ ‘કપિષ્ઠલ – કઠ સંહિતા’ની સ્વરાંકનપદ્ધતિ ઋગ્વેદની પદ્ધતિ જેવી છે. આ સંહિતા અષ્ટક અને અધ્યાયોમાં વિભક્ત છે.
સામવેદ : ઋચાઓના આધારે, ભિન્ન ભિન્ન સ્વરોમાં ગવાતાં ગાન એટલે સામ(ન્). આવા સામમંત્રોનો વેદ તે સામવેદ. ‘સામ’ શબ્દમાં ‘સા’ એટલે (તે) ઋચા, ‘અમ’નો અર્થ ગાન્ધાર વગેરે સ્વરો. સામવેદના મુખ્યત્વે બે ભાગ છે – આર્ચિક અને ગાન. આર્ચિક એટલે ઋચાઓનો સમૂહ. આર્ચિકના બે ભાગ છે – પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક. પૂર્વાર્ચિકમાં 650 મંત્રો છે અને ઉત્તરાર્ચિકમાં 1,225. પૂર્વાર્ચિકમાં 6 પ્રપાઠક અને ઉત્તરાર્ચિકમાં 9 પ્રપાઠક છે. સામવેદમાં ગાન 4 પ્રકારનાં છે – ગ્રામગેય ગાન, આરણ્યગાન, ઊહગાન અને ઊહ્યગાન. સામવેદની કૌથુમી શાખામાં કુલ 2,722 ગાન છે અને જૈમિનિશાખામાં કુલ 3,681. સામવેદ ભારતીય સંગીતશાસ્ત્રનું મૂળ છે. ગાયત્ર, બૃહત્, રથન્તર વગેરે સામગાનનાં વિશેષ નામ છે. દેવતાનું આહ્વાન કરનાર હોતા નામનો ઋત્વિજ ઋગ્વેદનો હોય છે, અધ્વર્યુ યજુર્વેદનો હોય છે તેમ સામવેદ ગાનાર ઋત્વિજને ઉદ્ગાતા કહે છે.
સામવેદની શાખાઓ : પતંજલિરચિત મહાભાષ્ય પ્રમાણે सहस्रवतर्मा सामवेगः – હજાર માર્ગો કે શાખાઓવાળો સામવેદ છે. કેટલાક ‘વર્ત્મન્’ શબ્દથી શાખાને બદલે ગાનપદ્ધતિ સમજે છે. સામવેદની 13 શાખાઓનાં નામ મળે છે. તેમાંથી 3 શાખાઓ ઉપલબ્ધ છે – કૌથુમીય, રાણાયનીય અને જૈમિનીય. કૌથુમશાખા ગુજરાતમાં, રાણાયનીય મહારાષ્ટ્રમાં અને જૈમિનીય શાખા દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. કૌથુમશાખા સૌથી વધારે પ્રચલિત છે. આ શાખાની બીજી એક ઉપશાખા તાણ્ડ્ય છે. 25 કાણ્ડવાળું ‘તાણ્ડ્ય બ્રાહ્મણ’ આ શાખાનું છે. છાન્દોગ્ય ઉપનિષદ પણ આ કૌથુમશાખાનું છે. બીજી રાણાયનીય શાખાનાં ઉચ્ચારણ કૌથુમશાખાનાં ઉચ્ચારણથી જુદાં પડે છે. કૌથુમશાખામાં ‘હાઉ’ અને ‘રાઇ’ બોલે છે; જ્યારે રાણાયનીય શાખામાં ‘હાવુ’ અને ‘રાયિ’ ઉચ્ચારે છે. રાણાયનીય શાખાની એક ઉપશાખા છે સાત્યમુગ્રિ. આ શાખામાં એક ઉચ્ચારણ-વિશેષતા ઉલ્લેખનીય છે. સામાન્યત: એકાર અને ઓકાર (એ અને ઓ) આ બે સ્વરો દીર્ઘ જ ગણાય છે; પરંતુ સાત્યમુગ્રિ સામવેદ શાખામાં તેનાં હ્રસ્વ ઉચ્ચારણો સ્વીકારાયાં છે. સામવેદની ત્રીજી મુખ્ય શાખા જૈમિનીય છે. આ શાખાની મંત્રસંહિતા, બ્રાહ્મણગ્રંથ વગેરે ઉપલબ્ધ છે. આ શાખામાં કુલ મંત્રો 1,687 છે. જૈમિનીય શાખાની એક ઉપશાખા છે તલવકાર. કેન ઉપનિષદ આ શાખાનું છે. સામવેદસંહિતા પર સાયણાચાર્યનું ભાષ્ય મળે છે.
અથર્વવેદ : અથર્વન્ મુખ્ય ઋષિના નામ પરથી અથર્વવેદ નામ પડ્યું. બીજા મુખ્ય ઋષિ અંગિરસ હોવાથી આ વેદને અથર્વાંગિરસ પણ કહે છે. આ વેદમાં લોકજીવનને સુખી અને સમૃદ્ધ બનાવવાના ઉપાયો બતાવેલા છે. અથર્વવેદના ઋત્વિજ બ્રહ્મા છે. રાજપુરોહિતને અથર્વવેદનું જ્ઞાન હોવું જોઈએ; કારણ કે રાજાને માટે શાન્તિ અને પુદૃષ્ટિની પ્રાપ્તિ અથર્વવેદમાં દર્શાવેલી ક્રિયાઓ દ્વારા થાય છે. જાદુ, મારણ, મોહન વગેરેના પ્રયોગો પણ આ વેદમાં નિરૂપેલા છે. વેદવ્યાસે અથર્વવેદને તેમના શિષ્ય સુમન્તુને આપ્યો હતો. અથર્વવેદની 9 શાખાઓનાં નામ મળે છે પિપ્પલાદ, તોદ, મૌદ, શૌનકીય, જાજલ, જલદ, બ્રહ્મવદ, દેવદર્શ અને ચારણવૈદ્ય. આમાંથી માત્ર પિપ્પલાદ અને શૌનક – આ બે શાખાઓના ગ્રંથો મળે છે. પિપ્પલાદ મુનિની સંહિતામાં 20 કાણ્ડ છે. પ્રાચીનકાલમાં આ પિપ્પલાદ શાખાની સંહિતા વધારે પ્રચલિત હતી. અથર્વવેદની બીજી શાખા શૌનકશાખા છે. આ સંહિતા વર્તમાન સમયમાં પ્રચલિત છે. શત્રુવિજય, રોગનિવારણ, ભૂતપ્રેતનો નાશ વગેરે માટે અથર્વવેદમાં ઉપાયો દર્શાવેલા છે. દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિનાં સૂક્તો, વૃદૃષ્ટિસૂક્ત, કૃષિ, વાણિજ્ય, વિવાહ, સ્ત્રીપ્રેમ; સદ્યોજાત શિશુની રક્ષા વગેરે વિવિધ વિષયોના મંત્રો અથર્વવેદમાં મળે છે. અથર્વવેદના 20 કાણ્ડમાં 34 પ્રપાઠક, 111 અનુવાક, 739 સૂક્ત અને 5,849 મંત્ર છે. આ વેદમાં પદ્ય અને ગદ્ય બંને છે.
બ્રાહ્મણ સાહિત્ય : ઋગ્વેદના બે બ્રાહ્મણો મળે છે – ‘ઐતરેય બ્રાહ્મણ’ અને ‘શાંખાયન બ્રાહ્મણ’. ‘ઐતરેય બ્રાહ્મણ’ના રચયિતા, શૂદ્ર સ્ત્રી ઇતરાના પુત્ર ઐતરેય મનાય છે. આ કૃતિમાં 40 અધ્યાય છે. 5 અધ્યાય મળીને એક પંચિકા બને છે. અધ્યાયમાં કેટલીક કણ્ડિકાઓ હોય છે. આવી કુલ 285 કણ્ડિકાઓ છે. તેમાં હોતા નામના ઋત્વિજનું કર્મ વર્ણવેલું છે. આ બ્રાહ્મણમાં અગ્નિષ્ટોમ, સોમયાગ, રાજસૂય વગેરે યજ્ઞવિધિઓમાં હોતાએ કરવાનું કર્મ નિરૂપેલું છે. વળી પ્રસિદ્ધ શુન:શેપનું આખ્યાન ‘ઐતરેય બ્રાહ્મણ’માં મળે છે. રાજાના અભિષેકના પ્રસંગે પુરોહિત આ આખ્યાન કહે છે અને તેના દ્વારા પ્રતિજ્ઞાપાલનનો સંકેત કરે છે. આ કૃતિ પર સાયણભાષ્ય મળે છે.
ઋગ્વેદનો બીજો બ્રાહ્મણગ્રંથ ‘શાંખાયન’ છે. આ બ્રાહ્મણમાં 30 અધ્યાયો છે. પ્રત્યેક અધ્યાયમાં ખંડો છે. બધા મળીને 266 ખંડો છે. ખંડોમાં દીર્ઘ ગદ્યરચનાઓ છે. આ બ્રાહ્મણમાં પૈંગ્ય નામના આચાર્યના વિરોધમાં, કૌષીતકિ નામના આચાર્યનો મત પ્રસ્થાપિત કરેલ છે. વિષયની દૃષ્ટિએ, ‘શાંખાયન બ્રાહ્મણ’માં ‘ઐતરેય બ્રાહ્મણ’ના જેવું નિરૂપણ છે. આ બ્રાહ્મણને આધારે જણાય છે કે ઉદીચ્ય (ઉત્તરના) વિદ્વાનોનું ભાષાજ્ઞાન પ્રશંસનીય ગણાતું. બીજું, ‘શાંખાયન બ્રાહ્મણ’ સૂચવે છે તેમ, એ યુગમાં રુદ્ર સર્વશ્રેષ્ઠ દેવ ગણાતા. વળી, આ બ્રાહ્મણમાં શિવનાં પ્રસિદ્ધ 8 નામો ભવ, શિવ, પશુપતિ વગેરે આપેલાં છે. વળી, યજ્ઞમાં થતી હિંસા અને માંસભક્ષણ પ્રત્યે લોકોને ઘૃણા થવા માંડી હતી. આ બ્રાહ્મણમાં શબ્દોની વ્યુત્પત્તિઓ પણ મળે છે. જે છન્દના પ્રભાવથી ઇન્દ્ર વૃત્રને હણવા શક્તિમાન થયો તે છન્દને શક્વરી છન્દ કહે છે. તે સમયે ગોત્રની ભાવના દૃઢ હતી. ब्राह्मणे समानगोत्रे वसेत् (2515) – સમાન ગોત્રવાળા બ્રાહ્મણોની સાથે બ્રાહ્મણે નિવાસ કરવો.
યજુર્વેદના બ્રાહ્મણગ્રંથો : શુક્લ યજુર્વેદની માધ્યન્દિની અને કાણ્વ બંને શાખાઓના ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથ મળે છે. બંને કૃતિઓમાં વિષયની સમાનતા છે; પરંતુ નિરૂપણ ક્રમમાં ભેદ છે. ‘માધ્યન્દિની શતપથ’માં કાણ્ડ 14, અધ્યાયો 100 છે જેથી આનું નામ ‘શતપથ’ છે. તેમાં 68 પ્રપાઠક અને બ્રાહ્મણ (પ્રકરણ) 438; અને કણ્ડિકાઓ 7,624 છે. કાણ્વના ‘શતપથ’માં કાણ્ડ 17 છે; અધ્યાય 104, બ્રાહ્મણ (પ્રકરણ) 435, કણ્ડિકાઓ 6,806 છે. મોટેભાગે, ‘શતપથ બ્રાહ્મણ’, ‘માધ્યન્દિન સંહિતા’ના યજ્ઞવિધિઓના ક્રમને અનુસરે છે. તેમાં દર્શયજ્ઞ, પૌર્ણમાસ યજ્ઞ, સોમયાગ, વાજપેય, રાજસૂય વગેરે યજ્ઞોનું વર્ણન છે.
શતપથ બ્રાહ્મણના અમુક ભાગના રચયિતા યાજ્ઞવલ્ક્ય અને અમુકના શાણ્ડિલ્ય મનાય છે. શતપથ બ્રાહ્મણના અંતભાગમાં બૃહદારણ્યક ઉપનિષદ છે. આ બ્રાહ્મણ પર હરિસ્વામી અને સાયણનાં અધૂરાં ભાષ્યો મળે છે. બ્રાહ્મણગ્રન્થોમાં ‘શતપથ બ્રાહ્મણ’ પ્રાચીન મનાય છે. આ બ્રાહ્મણમાં આધ્યાત્મિક જ્ઞાનની મહત્તાના સંકેત પણ મળે છે. આ કૃતિમાં પ્રલયસમયે નૌકામાં બેઠેલા મનુનું આખ્યાન છે, જે મત્સ્યાવતારના બીજરૂપ છે. આ બ્રાહ્મણમાં મિથિલાના રાજા જનક અને તેના ઉપદેષ્ટા યાજ્ઞવલ્ક્યનો નિર્દેશ છે. અશ્વમેધ યજ્ઞના કર્તા તરીકે દુષ્યન્ત અને ભરતનો ઉલ્લેખ છે.
કૃષ્ણ યજુર્વેદના બ્રાહ્મણગ્રંથો : કૃષ્ણ યજુર્વેદનો માત્ર એક બ્રાહ્મણ-ગ્રંથ ઉપલબ્ધ છે તે ‘તૈત્તિરીય બ્રાહ્મણ’. ‘શતપથ બ્રાહ્મણ’માં છે તેમ, આ બ્રાહ્મણમાં ઉદાત્તાદિ સ્વરોના સંકેત સાથે પાઠ મળે છે. તેથી ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ ઘણું પ્રાચીન હોવાનું મનાય છે. આ કૃતિમાં 3 કાણ્ડ છે. પ્રથમ અને બીજા કાણ્ડમાં આઠ-આઠ અધ્યાયો છે અને ત્રીજામાં 12. અધ્યાય કે પ્રપાઠકના ખંડોને અનુવાક કહે છે. આ બ્રાહ્મણમાં વાજપેય, રાજસૂય, સોમ, સૌત્રામણિ વગેરે યજ્ઞોનાં વર્ણન છે. આ કૃતિમાં એક હોમના પ્રસંગમાં નાસદીય સૂક્તના મન્ત્રોનો વિનિયોગ કરેલો છે. તૈત્તિરીય બ્રાહ્મણમાં (311) એવો નિર્દેશ છે કે બ્રહ્મચર્ય દ્વારા ભરદ્વાજ ઋષિએ અનંત વેદોમાંથી ત્રણ મુઠ્ઠી વેદ પ્રાપ્ત કર્યા કે જેને ત્રયીવિદ્યા કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કહે છે. આ બ્રાહ્મણમાં નચિકેતાનું આખ્યાન આપેલું છે; જેનો કઠ ઉપનિષદમાં પૂર્ણ વિકાસ થયેલો જોવા મળે છે. વળી, આ ‘તૈત્તિરીય બ્રાહ્મણ’માં સામવેદનું ઘણું મહત્વ દર્શાવ્યું છે. આ બ્રાહ્મણના વર્ણન પ્રમાણે ઋચામાંથી મૂર્તિ તથા વૈશ્યની ઉત્પત્તિ થઈ; યજુષ્મંત્રમાંથી ગતિ અને ક્ષત્રિયની ઉત્પત્તિ થઈ; અને સામવેદમાંથી જ્યોતિ અને બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ. આ બ્રાહ્મણકાલમાં વર્ણવ્યવસ્થા સુપ્રતિષ્ઠિત થઈ ગઈ હતી. આ બ્રાહ્મણ પ્રમાણે અશ્વમેધ યજ્ઞ માત્ર ક્ષત્રિય જ કરી શકે; અને રાજ્યના અધિકારી ક્ષત્રિયને રાજપુત્ર કહેવાતો અને જે અધિકારી ન હોય તેને ઉગ્રપુત્ર કહેવાતો. પુરાણોની અનેક અવતાર-કથાઓનાં બીજ ‘તૈત્તિરીય બ્રાહ્મણ’માં મળે છે.
સામવેદના બ્રાહ્મણગ્રંથો : સામવેદના ઉપલબ્ધ બ્રાહ્મણગ્રંથોમાં ‘તાણ્ડ્ય બ્રાહ્મણ’, ‘ષડ્વિંશ બ્રાહ્મણ’, ‘સામવિધાન બ્રાહ્મણ’, ‘આર્ષેય બ્રાહ્મણ’, ‘દૈવત બ્રાહ્મણ’, ‘ઉપનિષદ બ્રાહ્મણ’, ‘સંહિતોપનિષદ બ્રાહ્મણ’, ‘વંશ બ્રાહ્મણ’ અને ‘જૈમિનીય બ્રાહ્મણ’નો સમાવેશ થાય છે. ‘તાણ્ડ્ય બ્રાહ્મણ’ સામવેદનો મુખ્ય બ્રાહ્મણગ્રંથ છે. તેમાં 25 અધ્યાય હોવાથી તેનું બીજું નામ ‘પંચવિશ બ્રાહ્મણ’ છે. ઉદ્ગાતાના યજ્ઞકર્મ વિશે તેમાં ઘણી માહિતી આપેલી છે. એક દિવસના યજ્ઞથી માંડીને દીર્ઘકાલીન યજ્ઞનું તેમાં નિરૂપણ છે. તેમાં જ્યોતિષ્ટોમ, ઉકથ્ય, અતિરાત્ર વગેરે યાગોનું વર્ણન છે. તેમાં સત્રનું નિરૂપણ છે. સત્ર એટલે જેમાં બ્રાહ્મણ જ કર્તા હોય તેવો દક્ષિણા વગરનો યાગ. તેમાં બધા જ યજમાન બને છે. તેમાંથી અમુક ગૃહપતિ બને, બાકીના ઋત્વિજ-કાર્ય કરે. આ ‘તાણ્ડ્ય બ્રાહ્મણ’માં સામનું અને સોમયાગનું મુખ્યત્વે નિરૂપણ કરેલું છે. સામમંત્રોના જુદા જુદા દ્રષ્ટાઓને આધારે તેમનાં જુદાં જુદાં નામ પડે છે. જેમ કે દ્યુતાન નામના ઋષિ દ્વારા દૃષ્ટ સામને દ્યૌતાન કહે છે. સામનું મહત્વ દર્શાવવા તેમાં આખ્યાયિકાઓ આપેલી છે. અમુક સામના પ્રભાવથી ચ્યવનઋષિને યૌવન પ્રાપ્ત થયું હતું એ વર્ણવતી આખ્યાયિકા તેમાં છે. તાણ્ડ્યના રચનાકાલમાં યજ્ઞનું અતિશય મહત્વ ગણાતું હશે. આર્યોની સમકક્ષ સ્થાન પ્રાપ્ત કરવા કરવામાં આવતા એક વ્રાત્ય નામના યજ્ઞનું તેમાં વર્ણન છે. ભૌગોલિક જ્ઞાન માટે પણ આ બ્રાહ્મણ ઉપયોગી છે. તેમાં કુરુક્ષેત્ર તથા સરસ્વતીના પ્રદેશનું વર્ણન છે.
ષડ્વિંશ બ્રાહ્મણ : આ ‘ષડ્વિંશ બ્રાહ્મણ’માં 5 પ્રપાઠક (અધ્યાય) છે. પ્રત્યેક પ્રપાઠકમાં કેટલાક ખંડ છે. આ બ્રાહ્મણ ‘પંચવિંશ બ્રાહ્મણ’નો એક પરિશિષ્ટરૂપ ભાગ છે અને તેનો પૂરક છે. આ બ્રાહ્મણના પાંચમા પ્રપાઠકને ‘અદ્ભુત બ્રાહ્મણ’ કહે છે; કારણ કે તેમાં ભૂકંપ, દુષ્કાળમાં ફૂલ-ફળની ઉત્પત્તિ, હાથણીનું ડૂબી જવું વગેરે વિષયોનું વર્ણન છે. વળી, આવા ઉત્પાતોની શાંતિનું વિધાન પણ તેમાં બતાવેલ છે. તેના વર્ણન પ્રમાણે, યજ્ઞમાં ઋત્વિજો લાલ વસ્ત્રો અને લાલ પાઘડી પહેરતા અને દિવસ-રાત્રિની સંધિના સમયે બ્રાહ્મણો સન્ધ્યા-ઉપાસના કરતા.
સામવિધાન બ્રાહ્મણ : આ બ્રાહ્મણમાં નિરૂપિત વિષય કાંઈક જુદા જ પ્રકારનો છે. તેમાં જાદુટોણાંનું વર્ણન છે. જેમ કે, કોઈ વ્યક્તિને ગામમાંથી ભગાડી મૂકવા માટે, શત્રુપરાજય અને ધનપ્રાપ્તિ માટે, ઉપદ્રવોની શાંતિ માટે, સામગાનની સાથે કરવામાં આવતાં કેટલાંક અનુષ્ઠાનોનું વર્ણન આ કૃતિમાં છે. આ બ્રાહ્મણમાં 3 પ્રકરણ છે. પ્રથમ પ્રકરણમાં અનેક વ્રતોનું વર્ણન મળે છે. પુરાણનિરૂપિત વ્રતોનાં બીજ આ બ્રાહ્મણમાં જણાય છે. વળી આ કૃતિમાં કામના પૂરી કરવાની વિધિઓ તેમજ પ્રાયશ્ચિત્તોનું વર્ણન વિશેષ રૂપે મળે છે. આ બ્રાહ્મણના બીજા પ્રકરણમાં સુંદર અને દીર્ઘાયુ પુત્રની પ્રાપ્તિની વિધિ બતાવી છે. ત્રીજા પ્રકરણમાં નવા ગૃહમાં પ્રવેશ, ઐશ્વર્યપ્રાપ્તિ, દીર્ઘાયુષ્ય વગેરે સિદ્ધ કરવા સામગાન સાથેના પ્રયોગો વર્ણવેલા છે. ગન્ધર્વ, દેવતા વગેરેના પ્રત્યક્ષીકરણ માટેના પ્રયોગો પણ તેમાં મળે છે.
આર્ષેય બ્રાહ્મણ : આ બ્રાહ્મણમાં 3 પ્રપાઠક અને 82 ખંડો છે. આ બ્રાહ્મણ સામવેદ માટે, ઋષિઓની અનુક્રમણીનું કામ કરે છે. આમાં જુદા જુદા સામને પ્રકટ કરનારા ઋષિઓનાં નામો આપેલાં છે. સામગાનના વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ બ્રાહ્મણ ખૂબ ઉપયોગી છે. સામગાનના પ્રથમ પ્રચારક ઋષિઓનું આમાં વર્ણન હોવાથી, ઐતિહાસિક દૃષ્ટિએ પણ આ બ્રાહ્મણગ્રંથ મહત્વનો છે. સામગાનના ગહન અધ્યયન માટે નારદીય, ગૌતમી, માણ્ડૂકી વગેરે સામવેદના શિક્ષા(ઉચ્ચારણશાસ્ત્ર)ના ગ્રંથો જેમ ઉપયોગી છે તેમ આ ‘આર્ષેય બ્રાહ્મણ’ પણ ઉપયોગી છે.
દૈવત બ્રાહ્મણ : સામવેદનો આ નાનો બ્રાહ્મણગ્રંથ છે. આમાં 3 ખંડ છે. પ્રથમ ખંડમાં 26 કણ્ડિકાઓમાં દેવતાઓનું વર્ણન છે. અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ, સરસ્વતી વગેરે દેવતાઓ માટેની સ્તુતિમાં ઉપયોગી વિશિષ્ટ સામોનાં નામ તેમાં આપેલાં છે. બીજા ખંડની 11 કણ્ડિકાઓમાં છન્દોના દેવતા, તેમના વર્ણ વગેરેનું વર્ણન છે. ત્રીજા ખંડની 25 કણ્ડિકાઓમાં ગાયત્રી વગેરે છન્દોનાં નિર્વચન આપેલાં છે. યાસ્કમુનિએ તેમના નિરુક્તમાં, આ બ્રાહ્મણમાં આપેલી છન્દોની નિરુક્તિઓ ગ્રહણ કરી છે.
ઉપનિષદ્–બ્રાહ્મણ : આ બ્રાહ્મણમાં બે ગ્રંથ ભેગા છે : મંત્રબ્રાહ્મણ અને છાન્દોગ્ય ઉપનિષદ. મંત્રબ્રાહ્મણમાં બે પ્રપાઠક છે અને દરેક પ્રપાઠકમાં આઠ-આઠ ખંડ છે. આ બ્રાહ્મણમાં ગૃહસ્થના સંસ્કારો માટે ઉપયોગી મંત્રોનો સુંદર સંગ્રહ છે. આ મંત્રબ્રાહ્મણનો જર્મનભાષામાં પણ અનુવાદ થયો છે. આ ઉપનિષદ-બ્રાહ્મણનો બીજો ગ્રંથ છાન્દોગ્ય ઉપનિષદ છે. તેમાં છેલ્લા આઠ પ્રપાઠક કે અધ્યાય છે.
સંહિતોપનિષદ બ્રાહ્મણ : આ એક નાનો બ્રાહ્મણગ્રંથ છે. તેમાં માત્ર પાંચ ખંડ છે. આ બ્રાહ્મણમાં સામગાનથી ઉત્પન્ન થતા પ્રભાવનું વર્ણન છે. વળી, તેમાં સામ, સામયોનિમંત્રો તેમજ તેમનાં પદોના પરસ્પર સંબંધનું વિવેચન છે. યાસ્કમુનિએ નિરુક્ત (2-1-4)માં ‘विद्या ह वै ब्राह्मणमाजगाम’ – આ ઉદ્ધરણ આપેલું છે તે આ સંહિતોપનિષદમાંથી લીધેલું છે. આ જ વાત મનુસ્મૃતિ (2114)માં પણ મળે છે. તેથી આ બ્રાહ્મણ ઘણું પ્રાચીન જણાય છે.
વંશ બ્રાહ્મણ : આ બ્રાહ્મણ ગ્રંથ ઘણો નાનો છે. તેમાં માત્ર 3 ખંડ છે. આમાં સામવેદના આચાર્યોની વંશપરંપરા આપેલી છે. પ્રાચીન ઋષિઓનો ઇતિહાસ જાણવા માટે આ બ્રાહ્મણ ઉપયોગી છે.
જૈમિનીય બ્રાહ્મણ : ઘણા સંશોધન પછી આ બ્રાહ્મણ ગ્રંથ સંપૂર્ણ રૂપે પ્રકાશિત થઈ શક્યો છે. શતપથની જેમ આ બ્રાહ્મણ ગ્રંથ મોટો છે અને યજ્ઞનાં રહસ્યો પામવા માટે ઉપયોગી છે.
અથર્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ : ‘ગોપથ બ્રાહ્મણ’ અથર્વવેદનો એકમાત્ર બ્રાહ્મણગ્રંથ છે. આના રચયિતા ગોપથ નામના ઋષિ હોવાથી, આનું નામ ‘ગોપથ બ્રાહ્મણ’ પડ્યું. આ બ્રાહ્મણના બે ભાગ છે – ‘પૂર્વ ગોપથ’ અને ‘ઉત્તર ગોપથ’. પ્રથમ ભાગમાં પાંચ અને બીજામાં છ પ્રપાઠક છે. દરેક પ્રપાઠકમાં કેટલીક કણ્ડિકાઓ છે. કુલ 258 કણ્ડિકાઓ છે. બ્રાહ્મણ-સાહિત્યમાં આ ‘ગોપથ બ્રાહ્મણ’ અર્વાચીન મનાય છે. આમાં અથર્વવેદનો મહિમા ખૂબ વર્ણવ્યો છે. તદનુસાર અથર્વમાંથી ત્રણ વેદોની અને ઓમની ઉત્પત્તિ થઈ; ઓમમાંથી સૃદૃષ્ટિ થઈ. આ બ્રાહ્મણ પ્રમાણે, કોઈ પણ વેદાભ્યાસીએ પ્રથમ અથર્વવેદનો અભ્યાસ કરવો જ જોઈએ. આ બ્રાહ્મણમાં ઓમ્ અને ગાયત્રીનો મહિમા વર્ણવ્યો છે. ઉપરાંત તેમાં બ્રહ્મચારીના નિયમો, ઋત્વિજોનાં યજ્ઞકર્મો, તેમની દીક્ષા વગેરેનું નિરૂપણ છે. તેમાં અશ્વમેધ, અગ્નિષ્ટોમ, વગેરે યજ્ઞોનાં વર્ણનો છે. ‘ઉત્તર ગોપથ બ્રાહ્મણ’માં યજ્ઞ સંબંધી અનેક આખ્યાયિકાઓ આપી છે. કેટલાક નવીન વિચારો આ કૃતિમાં છે. ઉદા., બ્રાહ્મણે કદી નાચવું કે ગાવું નહિ. પ્રત્યેક વેદમંત્રના આરંભે ૐનું ઉચ્ચારણ કરવું. કોઈ પણ અનુષ્ઠાનના આરંભે ત્રણ વાર આચમન કરવું. આ ગોપથ બ્રાહ્મણમાં ‘વરુણ’, ‘દીક્ષિત’ વગેરે શબ્દોની વ્યુત્પત્તિઓ આપેલી છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ બ્રાહ્મણ ગ્રંથ મહત્વનો છે.
આરણ્યક ગ્રંથો : આરણ્યક ગ્રંથો બ્રાહ્મણગ્રંથોના પરિશિષ્ટ જેવા છે. આરણ્યકમાં યજ્ઞથી ભિન્ન વિષયનું પ્રાણવિદ્યા જેવી અધ્યાત્મવિદ્યાનું નિરૂપણ છે. તેમાં કાલ અને ઋતુઓનાં વર્ણનો છે. ‘ઐતરેય આરણ્યક’માં પ્રાણનો મહિમા ગાવામાં આવ્યો છે. પ્રાણ વિશ્વનો ધારક છે. તેને ગોપા કહ્યો છે. શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી આયુષ્ય હોય છે. અન્તરિક્ષ અને વાયુ પ્રાણનાં સંતાનો છે અને બંને તેની સેવા કરે છે. અંતરિક્ષ(આકાશ)ની મદદથી પ્રાણવાન મનુષ્ય શબ્દ સાંભળી શકે છે. આ રીતે અંતરિક્ષ પ્રાણની સેવા કરે છે અને વાયુ સુગંધ લાવીને પ્રાણને તૃપ્ત કરે છે. સવારે શરીરમાં પ્રાણ પ્રતાન અર્થાત્ વિસ્તરે છે, તેથી સવારને પ્રાત: કહે છે. સાંજે ઇન્દ્રિયોમાં પ્રાણ સંકોચ પામે છે, તેથી સાંજને સાયમ્ કહે છે. પ્રાણ દેવતારૂપ અને ઋષિરૂપ છે. પ્રાણ ભરદ્વાજ છે. દેહ ગતિશીલ કે વેગવાન હોવાથી તેને વાજ કહે છે. પ્રાણ આ વાજમાં (શરીરમાં) પ્રવેશીને સતત તેને ભરતો રહે છે તેનું રક્ષણ કરતો રહે છે. તેથી પ્રાણને ‘બિભ્રદ્વાજ’ કે ‘ભરદ્વાજ’ કહે છે. વળી જુદી જુદી રીતે પ્રાણ વિશ્ર્વામિત્ર છે, અત્રિ છે, વસિષ્ઠ છે. ઋચાઓ, વેદો, ઘોષ વગેરે બધું પ્રાણસ્વરૂપ છે. આમ આરણ્યકમાં પ્રાણનો અતિશય મહિમા ગાવામાં આવ્યો છે.
ઐતરેય આરણ્યક : આ આરણ્યક ઋગ્વેદના ‘ઐતરેય બ્રાહ્મણ’નો જ એક ભાગ છે. તેમાં પાંચ આરણ્યક છે. તેમને પાંચ ગ્રંથ માનવામાં આવે છે. તેમાં ગવામયન (ગાયોને લઈ જવાના) વિધિના ભાગરૂપ મહાવ્રતનું તેમજ ઉક્થનું અને પ્રાણવિદ્યાનું નિરૂપણ છે. આ ‘ઐતરેય આરણ્યક’ના 4, 5 અને 6 – એ ત્રણ અધ્યાયો એ જ ઐતરેય ઉપનિષદ છે. ત્રીજા આરણ્યકને સંહિતોપનિષદ કહે છે. તેમાં સંહિતા, ક્રમ અને પદ નામના પાઠોનું તેમજ સ્વર, વ્યંજન વગેરેનું વિવેચન છે. આ ખંડમાં શાકલ્ય તથા માણ્ડૂકેયના મતોનો નિર્દેશ છે. આનાં પાંચમાંથી ત્રણ આરણ્યકોના રચયિતા ઐતરેય છે. ચોથાના આશ્વલાયન અને પાંચમા આરણ્યકના રચયિતા શૌનક મનાય છે.
શાંખાયન આરણ્યક : ઐતરેય આરણ્યક જેવું, ઋગ્વેદનું આ બીજું, ‘શાંખાયન આરણ્યક’ છે. આના 15 અધ્યાયોમાંથી અધ્યાય 3થી 6 એ 4 કૌષીતકિ ઉપનિષદ છે. આના 13મા અધ્યાયમાં બૃહદારણ્યક વગેરે ઉપનિષદોમાંથી અનેક ઉદ્ધરણો આપેલાં છે.
બૃહદારણ્યક : આ નામ પરથી જ સ્પષ્ટ છે કે આ ગ્રંથ, શુક્લ યજુર્વેદનું આરણ્યક છે; પરંતુ આમાં મુખ્યત્વે આત્મતત્વનું નિરૂપણ હોવાથી, નામ આરણ્યક હોવા છતાં, બૃહદારણ્યક ઉપનિષદ તરીકે તે પ્રચલિત છે.
તૈત્તિરીય આરણ્યક : કૃષ્ણ યજુર્વેદના આ તૈત્તિરીય આરણ્યકમાં 10 પ્રપાઠક છે; જેને પ્રપાઠકને બદલે અરણ પણ કહે છે. આ પ્રપાઠકનાં નામ, તે તે પ્રપાઠકના આદ્ય પદ પરથી પડેલાં છે; ભદ્ર પ્રપાઠક વગેરે. તેમાં છેલ્લું 10મું અરણ નારાયણીય પ્રપાઠક છે. આ 10 પ્રપાઠકનાં 7, 8 અને 9 – એ ત્રણ પ્રપાઠક તે તૈત્તિરીય ઉપનિષદ છે. દશમો પ્રપાઠક તે મહાનારાયણીય ઉપનિષદ છે. ખરેખર તો આ બંને ઉપનિષદ – તૈત્તિરીય અને મહાનારાયણીય તૈત્તિરીય આરણ્યકના પરિશિષ્ટરૂપ છે. પ્રત્યેક પ્રપાઠકમાં અમુક અનુવાક છે. પ્રત્યેક અનુવાકમાં દશ દશ વાક્યોનાં દશક છે. વિષયની દૃષ્ટિએ, આ તૈત્તિરીય આરણ્યકમાં, અગ્નિ-ઉપાસના, સ્વાધ્યાય, દેવ, પિતૃ, ઋષિ, મનુષ્ય અને ભૂતને તૃપ્ત કરનારા પાંચ મહાયજ્ઞો વગેરેનાં વર્ણનો છે. તેમાં, અથર્વવેદમાં હોય છે તેમ, અભિચાર મંત્રોનું પણ નિરૂપણ છે. આ આરણ્યકમાં શબ્દની વ્યુત્પત્તિ પણ આપેલી છે. कश्यप: पश्यकः – કશ્યપ એટલે સર્વને જોનારો સૂર્ય. તેમાં પારાશર વ્યાસનો પણ નિર્દેશ છે.
તલવકાર આરણ્યક : સામવેદના આ ‘તલવકાર આરણ્યક’માં 4 અધ્યાય છે; અને દરેક અધ્યાયમાં કેટલાક અનુવાક છે. તેમાં ચોથા અધ્યાયનો દશમો અનુવાક એ તલવકાર ઉપનિષદ અથવા કેન ઉપનિષદ નામે પ્રસિદ્ધ છે.
અથર્વવેદનું કોઈ આરણ્યક મળતું નથી.
ઉપનિષદ ગ્રંથો : ઉપનિષદો એ ભારતનું સર્વશ્રેષ્ઠ જ્ઞાનધન છે. તેમાં માત્ર માનવસૃદૃષ્ટિ જ નહિ, પશુપક્ષી, વનસ્પતિ, જંતુ અને જડને પણ વ્યાપીને રહેલા, આનંદસ્વરૂપ બ્રહ્મતત્વ કે આત્મતત્વનું નિરૂપણ છે. તેને કોઈ ધર્મ કે સંપ્રદાય, ભાષા કે જાતિ સાથે સંબંધ નથી. બ્રહ્મ એટલે આનંદપૂર્ણ ચૈતન્યનો અન્-અંત સમુદ્ર. આ બ્રહ્મના અનુભવથી જ કોઈ પણ મનુષ્ય પૂર્ણતાને પામે છે. આવા બ્રહ્મને વર્ણવતાં મુખ્ય ઉપનિષદો 13 છે.
1. ઈશાવાસ્ય ઉપનિષદ : શુક્લ યજુર્વેદની માધ્યન્દિની સંહિતાનો છેલ્લો 40મો અધ્યાય તે ઈશાવાસ્ય ઉપનિષદ. કોઈ પણ ઉપનિષદ મંત્રસંહિતાનો જ ભાગ હોય તો તે આ એકમાત્ર ઉપનિષદ છે. પ્રારંભના શબ્દો પરથી આનું નામ ‘ઈશાવાસ્ય’ પડેલું છે. આમાં 18 મંત્રો છે. તેમાં ઈશ્વર, નિષ્કામ કર્મ, વિદ્યા-અવિદ્યા, દેહત્યાગના પ્રસંગે અગ્નિને કરવામાં આવતી પ્રાર્થના વગેરેનું નિરૂપણ છે. મૃત્યુપર્યન્ત નિષ્કામ કર્મ કરતા રહેવાનો બોધ આ ઉપનિષદ આપે છે.
2. કેન ઉપનિષદ : આ ઉપનિષદના પ્રથમ શબ્દ केन (કોના વડે) ઉપરથી ઉપનિષદનું ‘કેન ઉપનિષદ’ એવું નામ પડ્યું. સામવેદની તલવકાર શાખાના આરણ્યકનો જ આ એક ભાગ છે. તેથી આનું બીજું નામ ‘તલવકાર ઉપનિષદ’ પણ છે. આમાં 4 ખંડ છે. પ્રથમ ખંડમાં, ઉપાસના કરવા યોગ્ય બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મનો ભેદ વર્ણવ્યો છે. બીજા ખંડમાં રહસ્યરૂપ બ્રહ્મનું નિરૂપણ છે. ખંડ 3 અને 4 ઉમા હૈમવતીની વાર્તા છે. તેનો સાર એ છે કે ઇન્દ્રાદિ દેવોનો જે મહિમા વિજય દેખાય છે તે મૂલત: બ્રહ્મનો છે. અગ્નિ, વાયુ વગેરેમાં જે કાંઈ શક્તિ છે તે મૂલત: બ્રહ્મની જ છે. બ્રહ્મની શક્તિ વિના અગ્નિ તણખલાનેય બાળી શકે નહિ અને વાયુ તેને ઉડાડી શકે નહિ, મનુષ્યે પોતાના મહિમાનો અને વિજયનો યશ ઈશ્વરને જ આપવો જોઈએ અને કદી અહંકાર કરવો ન જોઈએ એ આ ઉમા હૈમવતીની વાર્તાનો સાર છે.
3. કઠ ઉપનિષદ : કૃષ્ણ યજુર્વેદની કઠ શાખાના આ ઉપનિષદમાં બે અધ્યાય છે અને દરેક અધ્યાયમાં ત્રણ ત્રણ વલ્લીઓ છે. ‘તૈત્તિરીય આરણ્યક’માં જેનો સંકેત છે તે નચિકેતાની વાર્તાથી આ ઉપનિષદ પ્રારંભાય છે. રોષમાં પિતાથી ‘તને મૃત્યુને (યમને) આપું છું’ એવા બોલાયેલા શબ્દોને કારણે પુત્ર નચિકેતા યમલોકમાં ગયો. યમે તેને ત્રણ વરદાન માગવા કહ્યું. યમ પાસેથી પાછા ફરેલા પુત્રને પિતા સ્વીકારી લે અને અગ્નિવિજ્ઞાન – આ બંને વર યમે નચિકેતાને આપ્યાં; પરંતુ ત્રીજા વરદાનમાં આત્મતત્વનું જ્ઞાન માગ્યું. યમે નચિકેતાને પુત્રો, સુવર્ણ, સુંદર સ્ત્રીઓ વગેરેનાં પ્રલોભનો બતાવીને ત્રીજું વરદાન માંડી વાળવા કહ્યું. પરંતુ નચિકેતા એ પ્રલોભનોથી લલચાયો નહિ અને અડગ રહ્યો. તેથી યમે તેને આત્મજ્ઞાન આપ્યું. ગહન આત્મસ્વરૂપનાં વર્ણનો આ ઉપનિષદમાં છે.
4. પ્રશ્ર્નોપનિષદ : અથર્વવેદની પિપ્પલાદ શાખાના આ પ્રશ્ર્નોપનિષદમાં પ્રારંભ એક એવી વાર્તા સાથે થાય છે કે ભારદ્વાજ સુકેશા વગેરે છ ઋષિઓ પરબ્રહ્મને જાણવા સમિત્પાણિ – હાથમાં સમિધકાષ્ઠ લઈને અર્થાત્ વિનયપૂર્વક ભગવાન પિપ્પલાદ પાસે ગયા. આ ઉપનિષદમાં જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે અને પિપ્પલાદ ઉત્તર આપે છે. તેથી આનું નામ પ્રશ્ર્નોપનિષદ પડ્યું છે. પ્રજાની ઉત્પત્તિનું કારણ, પ્રજાને ધારણ કરતા દેવતાઓ, પ્રાણની ઉત્પત્તિ, સ્વપ્ન, ૐની ઉપાસના, 16 કળાવાળો પુરુષ ઇત્યાદિ વિષયના પ્રશ્ર્નોના ઉત્તરો પિપ્પલાદ ઋષિ આપે છે.
5. મુણ્ડક ઉપનિષદ : આ ઉપનિષદ પણ અથર્વવેદનું છે. તેમાં 3 મુણ્ડક (પ્રકરણ) છે અને દરેક મુંડકમાં 2 ખંડ છે. ‘મુણ્ડક ઉપનિષદ’ (3-2-10)માં શિરોવ્રતની વાત છે. તેમાં શિર કે મુણ્ડ ઉપર અગ્નિ ધારણ કરવાની વિધિ હોય છે. તેથી આનું નામ મુણ્ડક પડ્યું. આ ઉપનિષદમાં બ્રહ્મા પોતાના સૌથી મોટા પુત્ર અથર્વાને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપે છે. યજ્ઞરૂપી અદૃઢ નાવ સંસારને પાર કરાવી શકે નહિ. યજ્ઞથી સ્વર્ગપ્રાપ્તિ કરીને પણ, પુણ્ય ખલાસ થતાં, જીવાત્માને પુન: પૃથ્વી પર આવવું પડે છે. આમ આ ઉપનિષદમાં કર્મકાણ્ડની મર્યાદા બતાવી છે અને બ્રહ્મવિદ્યાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે. પરમાત્મા અને જીવાત્મા – એ બે રૂપે, સંસારવૃક્ષ પર બે પક્ષીઓ બેઠાં છે. એક ફળ ખાય છે, બીજું સાક્ષીભાવે જોયા કરે છે. द्वा सुपर्णा – આ વાત મુણ્ડકોપનિષદમાં આવે છે (3-1-1). ‘વેદાન્ત’ શબ્દનો પ્રયોગ આ ઉપનિષદ (3-2-6)માં થયો છે. નદીઓ નામ અને રૂપ છોડીને સમુદ્રમાં એકરૂપ થઈ જાય તેમ જ્ઞાની પુરુષ નામ-રૂપને ત્યજીને બ્રહ્મમાં લય પામે છે – આ સુંદર ઉપમા સાથેનું લયનિરૂપણ આ ‘મુણ્ડક ઉપનિષદ’માં છે.
6. માણ્ડૂક્ય ઉપનિષદ : આ અથર્વવેદનું ઉપનિષદ છે. તેમાં 12 મંત્રો છે. ૐકારની અ, ઉ અને મ્ એ ત્રણ માત્રાઓનું આમાં વર્ણન છે. આ માત્રાઓનો સંબંધ અનુક્રમે જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓ સાથે છે. ચૈતન્યની આ અવસ્થાઓમાં પરમાત્મા, અનુક્રમે વૈશ્ર્વાનર (સ્થૂળ), તૈજસ (સૂક્ષ્મ) અને પ્રાજ્ઞ (કારણ) રૂપે વ્યક્ત થાય છે; પરંતુ ૐનો ચતુર્થ અમાત્ર અંશ, ચૈતન્યની ચોથી તુરીય અવસ્થા અને પરમાત્માનું વિશુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ છે અને એ જ માત્ર સત્ય છે. આ એક નાનું ઉપનિષદ, મોક્ષ અપાવવા સમર્થ છે. આ ઉપનિષદના 12 મંત્રો ઉપર, શંકરાચાર્યના દાદાગુરુ ગૌડપાદાચાર્યે 4 પ્રકરણમાં કારિકાઓ લખી છે. માયાવાદી અદ્વૈતવેદાન્તનો મુખ્ય આધાર, ગૌડપાદકારિકા છે.
7. તૈત્તિરીય ઉપનિષદ : કૃષ્ણ યજુર્વેદના તૈત્તિરીય આરણ્યકના એક ભાગરૂપ આ ઉપનિષદ છે. તેમાં 3 વલ્લીઓ છે ‘શિક્ષાવલ્લી’, ‘બ્રહ્માનન્દવલ્લી’ અને ‘ભૃગુવલ્લી’. ‘શિક્ષાવલ્લી’માં, ધ્વનિશાસ્ત્રના ઉચ્ચારણના નિયમોની વાત કરી છે. વળી, શિક્ષાવલ્લીના 11મા અનુવાકમાં સુપ્રસિદ્ધ દીક્ષાન્ત પ્રવચન છે – सत्यं वद, धर्म चर – (સાચું બોલજે, ધર્મનું આચરણ કરજે…), मातृदेवो भव (માતા છે દેવ જેની તેવો તું બનજે…). ‘બ્રહ્માનન્દવલ્લી’માં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કોશોનું નિરૂપણ છે. આ જ વલ્લીના આઠમા અનુવાકમાં માનુષ આનંદ, મનુષ્યગંધર્વ આનંદ વગેરે ઉત્તરોત્તર કોટિઓ ગણાવીને આનંદમીમાંસા આપી છે. ત્રીજી ‘ભૃગુવલ્લી’માં અન્ન વગેરેને બ્રહ્મ કહીને બ્રહ્મતત્વનું વર્ણન કર્યું છે.
8. ઐતરેય ઉપનિષદ : આ ઉપનિષદ ઋગ્વેદનું છે. તે ‘ઐતરેય આરણ્યક’નો જ એક ભાગ છે. તેમાં ત્રણ અધ્યાય છે. પ્રારંભમાં આત્માના ઈક્ષણ(વિચાર)પૂર્વક થયેલી સૃદૃષ્ટિરચનાની વાત છે. ગાય, અશ્વનાં શરીરો રચાયાં અને આખરે સર્વશ્રેષ્ઠ માનવશરીર રચાયું એ વાત કરી છે. અન્નની રચના, પરમાત્માનો મૂર્છા દ્વારા માનવશરીરમાં પ્રવેશ, ‘ઇન્દ્ર’ શબ્દની વ્યુત્પત્તિ વગેરેની ચર્ચા તેમાં કરેલી છે. પછી માતાથી પ્રથમ જન્મ, પિતા દ્વારા સંસ્કાર કરાય ત્યારે બીજો જન્મ અને પુત્રના પિતા મૃત્યુ બાદ જન્મ લે તે ત્રીજો જન્મ એ રીતે ત્રણ જન્મોની વાત કરી – છે. વામદેવ ઋષિને ગર્ભમાં હતા ત્યારે જે આત્મજ્ઞાન થયું હતું તેનું વર્ણન ઉપનિષદના અંત ભાગમાં છે. ‘प्रज्ञानं ब्रह्म’ ઉત્તમ જ્ઞાન એ જ બ્રહ્મ છે – આ મહાવાક્ય આ ઐતરેય ઉપનિષદ(3-1-3)નું છે.
9. છાન્દોગ્ય ઉપનિષદ : સામવેદના આ ઉપનિષદમાં આઠ અધ્યાય છે. તેમાંથી છેલ્લા 3 અધ્યાય 6, 7, 8 અધ્યાત્મ દૃષ્ટિએ ખૂબ મહત્વના છે. છન્દોને ગાનારા તે છન્દોગ અર્થાત્ સામવેદી. છન્દોગનું ઉપનિષદ તે છાન્દોગ્ય. તેમાં પ્રારંભમાં કેટલીક ઉપાસનાઓનું વર્ણન છે. ઉદ્ગીથ દૃષ્ટિથી ૐની ઉપાસના, પ્રાણ-ઉપાસના, આદિત્ય દૃષ્ટિથી ઉદ્ગીથ-ઉપાસના, દાલ્ભ્ય-પ્રવહણ સંવાદ, ઉષસ્તિની વાર્તા, ગાયત્ર વગેરે સામની ઉપાસના, મધુવિદ્યા વગેરેનું નિરૂપણ પ્રથમ ત્રણ અધ્યાયમાં છે. રાજા જાનશ્રુતિ અને રૈક્વનું ઉપાખ્યાન, સત્યકામ જાબાલની વાર્તા વગેરે ચોથા અધ્યાયમાં છે. ઇન્દ્રિયોમાં પ્રાણને સર્વશ્રેષ્ઠ દર્શાવતી વાર્તા, પંચાગ્નિ પ્રકરણ, વૈશ્ર્વાનરની સમસ્ત ઉપાસના વિશે અશ્વપતિનો ઔપમન્યવ વગેરેને ઉપદેશ આ વિષયની ચર્ચા પાંચમા અધ્યાયમાં છે. અધ્યાય 6માં પિતા ઉદ્દાલક આરુણિના પુત્ર શ્ર્વેતકેતુને, तत् त्वम् असि – તે બ્રહ્મ તું છે એ મહાવાક્ય દ્વારા આ પેલો જીવ-શિવના અદ્વૈતનો ઉપદેશ છે. અધ્યાય સાતમાં નારદ અને સનત્કુમારના સંવાદરૂપ, નામ, વાણી, મન વગેરેને ઉત્તરોત્તર શ્રેષ્ઠ દર્શાવીને ભૂમાનો (વ્યાપક પરમાત્માનો) અદ્ભુત ઉપદેશ છે. અધ્યાય 8માં દહરબ્રહ્મની ઉપાસનાની વાત, આત્મજ્ઞાન માટે ઇન્દ્ર અને વિરોચનનું પ્રજાપતિ પાસે જવું, 101 વર્ષ ગુરુ પાસે વાસ કર્યા બાદ ઇન્દ્રને થયેલું આત્મજ્ઞાન વગેરે વિષયોનું વર્ણન છે. ઉપનિષદોમાં આ ‘છાન્દોગ્ય ઉપનિષદ’ અત્યંત મહત્વનું ગણાય છે.
10. બૃહદારણ્યક ઉપનિષદ : શુક્લ યજુર્વેદના ‘શતપથ બ્રાહ્મણ’નો ભાગ તે જ આ ઉપનિષદ. વસ્તુત: આ બ્રાહ્મણનો જ અંશ છે; નામ આનું ‘બૃહદ્-આરણ્યક’ છે; છતાં આ કૃતિ ઉપનિષદ તરીકે પ્રસિદ્ધ છે. માધ્યન્દિન અને કાણ્વ શાખાના ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથોમાં થોડોક ભેદ છે. તેથી બંને શાખાના ઉપનિષદ-ગ્રંથોમાં પણ થોડોક ભેદ રહે છે. આજે પ્રચલિત બૃહદારણ્યક કાણ્વશાખાનું છે. આ ઉપનિષદ ઘણું મોટું (બૃહત્) અને ગહન આત્મચિંતનથી ભરપૂર છે. આમાં 6 અધ્યાયો છે. પ્રારંભમાં અશ્વમેધ યજ્ઞના અશ્વનું આધ્યાત્મિક અર્થઘટન કરેલું છે. દેવ-અસુરોની સ્પર્ધા, મુખ્ય પ્રાણનું શ્રેષ્ઠત્વ, પ્રજાપતિ દ્વારા સ્ત્રી-પુરુષ જોડકાંની ઉત્પત્તિ વગેરે પ્રથમ અધ્યાયમાં છે. બીજા અધ્યાયમાં, બ્રહ્મવિદ્યા વિશે ગાર્ગ્ય તથા અજાતશત્રુનો સંવાદ, મૂર્ત-અમૂર્ત એવાં બ્રહ્મનાં બે સ્વરૂપ, દધ્યઙ્ આથર્વણ દ્વારા અશ્ર્વિનીકુમારોને મધુવિદ્યાનો ઉપદેશ વગેરે વિષયોનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં જનકરાજાની સભામાં, બ્રહ્મ વિશે વાદ થાય છે, તેમાં એક બાજુ એકલા યાજ્ઞવલ્ક્ય છે અને બીજી બાજુ અશ્વલ, આર્તભાગ, ભુજ્યુ વગેરે વિદ્વાનો છે. તેમાં યાજ્ઞવલ્ક્યનો વિજય થાય છે. અધ્યાય 4માં જનકરાજા જિજ્ઞાસુ તરીકે યાજ્ઞવલ્ક્યને પ્રશ્ર્નો પૂછીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તેનું વર્ણન છે. કાત્યાયની અને મૈત્રેયી એ બે પત્નીઓ જેમને હતી તેવા યાજ્ઞવલ્ક્ય જ્યારે સંન્યાસ માટે પ્રસ્થાન કરે છે ત્યારે મૈત્રેયીને બોલાવીને પોતાની સંપત્તિ બે ભાગમાં વહેંચી દેવાની ઇચ્છા વ્યક્ત કરે છે. આ પ્રસંગે મૈત્રેયી સંપત્તિના ભાગને બદલે આત્મજ્ઞાન આપવા કહે છે, તેથી न वा अरे प्रत्युः कामाय…. એ પ્રસિદ્ધ ઉપદેશ યાજ્ઞવલ્ક્ય પત્ની મૈત્રેયીને આપે છે. ઉપનિષદના બાકીના ભાગમાં પંચાગ્નિવિદ્યા, દેવયાન, પિતૃયાન માર્ગો વગેરેનું નિરૂપણ છે.
11. શ્ર્વેતાશ્વતર ઉપનિષદ : કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાનું આ ઉપનિષદ છે. આ ઉપનિષદના દ્રષ્ટાનું નામ શ્ર્વેતાશ્વતર (શ્ર્વેત-શુદ્ધ, અશ્વ-ઇન્દ્રિયોવાળા અથવા શ્ર્વેત ખચ્ચરવાળા) હોવાથી ઉપનિષદનું નામ શ્ર્વેતાશ્વતર પડ્યું. આ ઉપનિષદમાં શિવ કે રુદ્રને બ્રહ્મ માનેલ છે. આમાં યોગનું વિવેચન છે. વળી, શૈવ અને સાંખ્યના સિદ્ધાંતોનું આમાં પ્રતિપાદન છે. ભક્તિનું પ્રતિપાદન કરનાર આ પ્રથમ ઉપનિષદ છે. વળી, જેવી પરાભક્તિ દેવમાં હોય તેવી ગુરુમાં પણ રાખવી એમ કહીને ગુરુભક્તિનો મહિમા વર્ણવ્યો છે. આ ઉપનિષદમાં લાલ, સફેદ અને કાળા રંગવાળી અજારૂપ ત્રિગુણાત્મક પ્રકૃતિનું વર્ણન છે. આ સાંખ્યદર્શન ઈશ્વરને પ્રકૃતિના પ્રેરક તરીકે સ્વીકારે છે. આ ઉપનિષદમાં તત્કાલીન પ્રચલિત મતોનો સમન્વય કરવાનો પ્રયત્ન જણાય છે.
12. કૌષીતકિ ઉપનિષદ : આ ઉપનિષદ ઋગ્વેદનું છે, તેમાં દેવયાન-પિતૃયાન માર્ગોનું વર્ણન છે. બાલાકિ તથા અજાતશત્રુના સંવાદની વાર્તા છે. તેમાં પ્રતર્દન ઇન્દ્ર પાસેથી બ્રહ્મવિદ્યા શીખે છે તેનું વર્ણન છે. ઋષિના નામ પરથી ઉપનિષદનું નામ ‘કૌષીતકિ’ પડ્યું. આ ઉપનિષદની જુદી જુદી વાચનાઓ મળે છે. શંકરાનંદની ટીકા આ કૃતિ પર લખાયેલી છે.
13. મૈત્રી કે મૈત્રાયણી ઉપનિષદ : કૃષ્ણ યજુર્વેદની મૈત્રાયણી શાખાનું આ ઉપનિષદ છે. આમાં 7 પ્રકરણો છે. તેમાં છેલ્લાં બે પ્રકરણ અર્વાચીન જણાય છે. આ ઉપનિષદ પાછળના સમયનું જણાય છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ત્રિમૂર્તિનો નિર્દેશ છે. જગત ભ્રમરૂપ હોવાનું સૂચન, પદાર્થની ક્ષણિકતા વગેરે વિચારો પર બૌદ્ધદર્શનનો પ્રભાવ જણાય છે. તેના પર રામતીર્થની ટીકા મળે છે.
વેદાંગ : વેદને સમજવામાં અથવા તેમાં કહેલી યજ્ઞક્રિયાઓમાં મદદરૂપ થાય તેવાં, વેદનાં 6 અંગો છે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છન્દ અને જ્યોતિષ.
શિક્ષા : જેના દ્વારા વેદમંત્ર બોલીને ગુરુ શિષ્યને વર્ણનાં ઉચ્ચારણ શીખવે તેને શિક્ષા કહેવાય. શુક્લ યજુર્વેદમાં આવતા य्, ष्, ऋ, અનુસ્વાર વગેરેનાં તેમજ ઉદાત્ત વગેરે સ્વરોનાં ઉચ્ચારણ ગુરુમુખે જ શીખી શકાય. વેદનાં ઉચ્ચારણો માટે શિક્ષાગ્રંથો અને પ્રાતિશાખ્ય ગ્રંથોનું વિપુલ સાહિત્ય રચાયું છે; જેમ કે, ‘ઋક્પ્રાતિશાખ્ય’, ‘કાત્યાયન પ્રાતિશાખ્ય’ વગેરે; ઉપરાંત ‘પાણિનિશિક્ષા’, ‘યાજ્ઞવલ્ક્યશિક્ષા’ વગેરે. ઉદાત્તાદિ સ્વરનું સ્થાન બદલાતાં અર્થભેદ થાય છે; જેમ કે, क्षये શબ્દમાં પ્રથમ અક્ષર क्ष પર ઉદાત્ત હોય તો ‘ક્ષય’ શબ્દનો અર્થ નિવાસ થાય; અને क्षय શબ્દમાં બીજા અક્ષર थ પર ઉદાત્ત આવે તો ‘ક્ષય’નો અર્થ વિનાશ થાય.
કલ્પ : વેદમાં કહેલાં યજ્ઞકર્મોની ક્રમપૂર્વક વ્યવસ્થિત કલ્પના કરનારું શાસ્ત્ર તે કલ્પશાસ્ત્ર. મુખ્યત્વે કલ્પશાસ્ત્ર ચાર પ્રકારનું છે શ્રૌતસૂત્ર (શ્રુતિમાં કહેલાં યજ્ઞવિધિનાં સૂત્રો); ગૃહ્યસૂત્ર (ગૃહસ્થીને ત્યાં થતા ઉપનયન, વિવાહ વગેરે કર્મો માટેનાં સૂત્રો); ધર્મસૂત્ર (બ્રાહ્મણાદિ ચાર વર્ણોનાં, બ્રહ્મચર્ય વગેરે ચાર આશ્રમોનાં અને રાજાનાં કર્તવ્યોને લગતાં સૂત્રો); શુલ્બસૂત્ર (‘શુલ્બ’ અર્થાત્ દોરીથી માપીને રચાતી યજ્ઞવેદી વગેરેને લગતાં સૂત્રો). આશ્વલાયન શ્રૌતસૂત્ર, કાત્યાયન શ્રૌતસૂત્રો વગેરે; આશ્વલાયન ગૃહ્યસૂત્ર, પારસ્કર ગૃહ્યસૂત્ર વગેરે; બૌધાયન ધર્મસૂત્ર વગેરે.
વ્યાકરણ : જેના દ્વારા શબ્દનાં પ્રકૃતિ (મૂળરૂપ) અને પ્રત્યયની વિચારણા કરીને તેના અર્થનો નિર્ણય કરવામાં આવે તે વ્યાકરણશાસ્ત્ર. વેદના પદજ્ઞાન દ્વારા વેદની રક્ષા, ઊહ અર્થાત્ વેદમાં આવતા પદને અપેક્ષા પ્રમાણે યોગ્ય વિભક્તિમાં મૂકવું, વગેરે અનેક પ્રયોજનો વ્યાકરણ, વેદના સંદર્ભમાં સાધી આપે છે એ વાત મહર્ષિ પતંજલિએ વ્યાકરણ મહાભાષ્યમાં કહી છે. પાણિનિ મુનિની ‘અષ્ટાધ્યાયી’નાં અનેક સૂત્રો વેદનાં પદો, ઉદાત્તાદિ સ્વર વગેરેના નિયમો આપે છે.
નિરુક્ત : વેદનાં પદોનાં નિર્વચન નિરુક્ત આપે છે. હાલ એક જ નિરુક્ત ગ્રંથ ઉપલબ્ધ છે યાસ્કનું નિરુક્ત. તેમાં વેદ-પદોની નિરુક્તિઓ આપેલી છે; જેમ કે, ग्रीष्मः ग्रस्यन्ते अस्मिन् रसाः – અર્થાત્ જેમાં બધા રસો ગ્રસાઈ-સુકાઈ જાય તે ગ્રીષ્મ.
છન્દ:શાસ્ત્ર : વેદના ગાયત્રી વગેરે છન્દોને સમજવા માટે પિંગલાચાર્યનો ગ્રંથ છન્દ:સૂત્ર છે.
જ્યોતિષશાસ્ત્ર : વેદની યજ્ઞક્રિયા માટે જે શુદ્ધ સમયની જરૂર પડે તેને જ્યોતિષશાસ્ત્રની સહાયથી મેળવી શકાય. યજુર્વેદનો જ્યોતિષ ગ્રંથ યાજુષ જ્યોતિષ અને ઋગ્વેદનો જ્યોતિષ ગ્રંથ છે આર્ચ જ્યોતિષ.
વૈદિક સાહિત્યમાં વૈદિક સંસ્કૃત ભાષા પ્રયોજાઈ છે. આ ભાષા પ્રશિષ્ટ સંસ્કૃત ભાષા કરતાં પ્રાચીન છે, તેથી તે તેના કરતાં ઘણી બાબતમાં જુદી પડે છે. વૈદિક ભાષા ઉચ્ચાર કરવાની નિશાનીઓ સાથે લખાય છે. જગતભરમાં આવી, ઉચ્ચારનું માર્ગદર્શન આપે તેવી રીતે લખાતી એક પણ ભાષા નથી. પ્રશિષ્ટ સંસ્કૃત કરતાં વૈદિક સંસ્કૃત ભાષાનું વ્યાકરણ જુદું પડે છે. વૈદિક लेट् કાળ પ્રશિષ્ટ સંસ્કૃતમાં નથી. વેદના છંદો પણ પ્રશિષ્ટ છંદોથી બંધારણમાં અને સ્વરૂપમાં જુદા પડે છે. વેદના ગ્રંથો મુખપાઠની પરંપરાથી આજ સુધી જાળવી રાખવામાં આવ્યા છે, કારણ કે એ ભાષામાં એ પ્રકારની સગવડ છે; તેથી હજારો વર્ષો સુધી એ કંઠસ્થ જળવાઈ રહ્યા છે. તેમાં યજ્ઞોની નાનામાં નાની વિધિઓ જે રીતે બતાવવામાં આવી છે તેવી જગતના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતી નથી. આવી અનેક વિશિષ્ટતાઓ વૈદિક સાહિત્યમાં રહેલી છે.
લક્ષ્મેશ જોશી