વૈદિક ભૂગોળ : વેદકાલીન ભૌગોલિક માહિતી. વેદ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો છે. વેદનાં સ્વરૂપ, મહત્વ અને સિદ્ધાંતોની જાણકારી મેળવવી એ પ્રત્યેક ભારતીય નાગરિકની ફરજ લેખાય છે. વેદો ભારતીય સંસ્કૃતિના સ્રોત છે. વેદોમાં સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, ભૂગોળ વગેરે અનેક વિષયોનું વર્ણન જોવા મળે છે.
વૈદિક યુગની ભૌગોલિક બાબતોથી સામાન્ય જનસમાજ પરિચિત નથી. વેદમાં વિશ્વને ત્રણ ભાગમાં વિભાજિત કરેલું છે : પૃથ્વી, અંતરીક્ષ અને સ્વર્ગ. તેમાં પૃથ્વીને ચક્રાકાર સ્વરૂપની હોવાનું જણાવેલું છે. સૂર્યનો ક્યારેય અસ્ત થતો નથી એવી સ્પષ્ટતા પણ છે. વૈદિક ભૂગોળમાં દેશ, પ્રદેશ, નદી, સમુદ્ર વગેરે વિશે જે માહિતી આપી છે, તે વર્તમાન ભૂગોળ સાથે અમુક અંશે સામ્ય ધરાવે છે.
ઋગ્વેદમાં પૃથ્વીના પટ પરના મહત્વના પર્વતોનો પણ ઉલ્લેખ છે. તેમાં હિમવન્ત (હિમાલય), મૂજવત, ક્રૌંચ, મૈનાક, સુદર્શન વગેરેનો ઉલ્લેખ છે. મહામેરુનું પણ વર્ણન છે, તે મોટેભાગે તો ઉત્તર ધ્રુવ સાથે સંબંધિત હોય એમ લાગે છે. ઋક્સંહિતામાં નદીઓ સમુદ્રમાં પાણી ઠાલવે છે એમ પણ લખેલું છે. આ ઉપરાંત, રાજસ્થાનના રણવિસ્તાર, ઉત્તર પ્રદેશ, બિહારની જગાએ વિશાળ સમુદ્ર હતો એવું પણ લખેલું છે.
ઋગ્વેદમાં ‘સપ્તસિંધુ’ શબ્દનો ઉલ્લેખ મળે છે; પરંતુ તેની સાત નદીઓ કઈ તે સ્પષ્ટ થતું નથી, તેમ છતાં આજના સંદર્ભમાં તે નદીઓને જેલમ, બિયાસ, સતલજ, રાવી, ચિનાબ, સિંધુ અને સરસ્વતી તરીકે ઘટાવી શકાય. ‘સિંધુ’નો અર્થ સમુદ્ર હોવાનું માનવામાં આવે છે. ઋગ્વેદમાં નદીઓની સ્તુતિ કરતો મંત્ર પણ છે, જે નદીસૂક્ત તરીકે ઓળખાય છે :
इमं मे गंगे यमुने सरस्वती
शुतुद्रि स्तोमं सचता परुष्णया ।
असिकन्या मरुद्वृधे वितस्तया
र्जिकीये श्रृर्णुह्या सुषोमया ।।
ગંગા-યમુના નદીનો સંદર્ભ ઘણીખરી પૌરાણિક કથાઓમાં પણ થયેલો જોવા મળે છે. આજે પણ આ બંને નદીઓ અસ્તિત્વ ધરાવે છે. જોકે, સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ છે; પરંતુ એવું માનવામાં આવે છે કે આ નદી યમુના અને સતલજ નદીઓ વચ્ચે વહેતી હશે. પતિયાળાના પ્રદેશમાં આજે જે ‘સુરસુતિ’ નદી વહે છે, તે સંભવિતપણે સરસ્વતી હશે તેમ મનાય છે. સરસ્વતી નદીને પવિત્ર નદી રૂપે વર્ણવેલી છે; જેને પૂજનીય માતા તરીકે ઓળખાવી છે, સરસ્વતી આજે એક દેવી તરીકે તો પૂજાય છે જ.
શુતુદ્રી એટલે સતલજ. તેનો ઉલ્લેખ રામાયણમાં પણ છે. પરુષ્ણી એટલે ઇરાવતી, જે આજે રાવી કહેવાય છે. આ નદીને કાંઠે સુદાસ રાજાએ યુદ્ધ ખેલ્યું હતું. અસિક્ની નદીના પાણીનો રંગ કાળો હોવાથી તેને આવું નામ મળ્યું હશે; જેને ચંદ્રભાગા તરીકે વર્ણવી છે તે નદી આજે ચિનાબ નામથી ઓળખાય છે. મરુદ્વૃધા મોટી નદી તરીકે વહેતી હશે, તે ચિનાબની સહાયક નદી હતી; આજે તે ‘મરુવર્દવાન્’ તરીકે ઓળખાય છે. વિતસ્તા જે કાશ્મીરમાં ‘વેથ’ તરીકે જાણીતી બની હતી, તે આજે જેલમ નામથી જાણીતી છે. આર્જિકિયા બિયાસ તરીકે જાણીતી છે. સુષોમા આજે સોહન નદી કહેવાય છે, તે સિંધુની સહાયક નદી હશે.
નદીસુક્તના છઠ્ઠા મંત્રમાં સિંધુની પશ્ચિમે આવેલી સહાયક નદીઓનું વર્ણન છે :
तुष्टामया प्रथमं यातवे सजूः
सुसत्वा रसया श्वेत्या त्या ।
त्वं सिन्धो कुभया गोमती कुमुं
गेहन सरथं याभिरीयसे ।।
‘તુષ્ટામા’ જે સિંધુની પહેલી સહાયક નદી છે તે આજે ‘જાસકાર’ નદી તરીકે ઓળખાય છે. આ નદી જમ્મુ-કાશ્મીર રાજ્યના લડાખ વિસ્તારમાંથી વહે છે.
‘સુસર્તુ’ જે સિંધુની બીજી સહાયક નદી છે, તે આજે ‘સુરુ’ નામથી જાણીતી છે. તે પણ લડાખ વિસ્તારમાંથી વહે છે. ‘રસા’ સિંધુની ત્રીજી સહાયક નદી છે. ઋગ્વેદમાં અનેક જગાએ તેનો ઉલ્લેખ મળે છે. કાશ્મીરમાં તે ‘શેવક’ તરીકે ઓળખાય છે. સિંધુની ચોથી સહાયક નદી ‘શ્વેતી’ છે. તે કાશ્મીરમાં વહેતી ગિલગિટ નદી સાથે સંકળાયેલી હશે તેમ મનાય છે. ‘કુભા’ પણ સિંધુની મહત્વની સહાયક નદી હશે એમ કહી શકાય. કેટલાકનું એવું માનવું છે કે આ નદી આજે કાબુલ નદી તરીકે વહે છે. ‘મેહત્નૂ’ પણ સિંધુની મહત્વની સહાયક નદી હશે એમ માનવામાં આવે છે. તે આજે ‘સવાન’ નદી તરીકે ઓળખાય છે. ‘ગોમતી’ આજે ‘ગોમાલ’ નદી નામથી જાણીતી છે. તે અફઘાનિસ્તાનની મહત્વની નદી ગણાય છે. ‘ક્રુમુ’ તરીકે વર્ણવેલી નદી આજે ‘કુર્રમ’ નદી તરીકે ઓળખાય છે.
અન્ય નદીઓમાં સુવાસ્તુ અફઘાનિસ્તાનની સ્વાત નદી તરીકે, સરયૂ નદી અયોધ્યાની સરયૂ તરીકે, સદાનીરા, અનિતમા, યવ્યાવતી, રથસ્યા, વરણાવતી, વિબાલી, શિફા, હરિયુપિયા વગેરેનો સમાવેશ થાય છે – આ નદીઓનાં વર્ણનો પણ મળે છે.
ઋગ્વેદમાં નદીઓની જેમ પ્રદેશોનાં વર્ણનો પણ મળે છે. તેમાં આર્યમંડળને પાંચ વિભાગમાં વહેંચેલું દર્શાવ્યું છે : પ્રાચ્ય (પૂર્વનો પ્રદેશ અને લોકો), દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને ધ્રુવા મધ્યમા. ધ્રુવ મધ્યમ(પ્રદેશ)ને કુરુપાંચાલ લોકોની ભૂમિ તરીકે વર્ણવેલ છે. આ પ્રદેશના લોકો યુદ્ધનો સમય મોટેભાગે શિયાળામાં પસંદ કરતા; ઉનાળામાં યુદ્ધનું સમાપન કરતા.
ઉત્તર-પશ્ચિમના દેશો તથા જાતિઓ તરીકે ગાંધાર, કમ્બોજ, કેકય, વલ્હિક તથા વાહીકનો ઉલ્લેખ મળે છે. ‘ગાંધાર’ આજે ‘કંદહાર’ નામે ઓળખાય છે. ‘વાહીક’ આજે ‘પંજાબ’ના નામથી જાણીતો છે. આ સિવાય ‘મદ્ર’ દેશને પંજાબના જ એક ભાગ તરીકે વર્ણવેલ છે, તેની રાજધાની ‘શાકલ’ (આજનું સિયાલકોટ) હતી. પ્રાચીન ગ્રંથોમાં ‘કાશી’નો ઉલ્લેખ મળે છે, જે આજનું કાશી – વારાણસી – જ છે. ત્યાંના નાગરિકો કાસ્ય તરીકે ઓળખાતા. ‘વિદેહ’ બિહારના તિરહૂત પ્રદેશનું જૂનું નામ હતું. મગધનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળતો નથી, પરંતુ અથર્વવેદમાં છે; એ જ રીતે અંગ દેશનો ઉલ્લેખ પણ ઋગ્વેદમાં નથી, પરંતુ અથર્વવેદમાં છે. આ ઉપરાંત કાંપિલ પાંચાલની રાજધાની હતી. ત્યાંના કુરુક્ષેત્રને પુણ્યભૂમિ તરીકે ઓળખાવાયેલું છે.
ઋગ્વેદમાં ‘પૂર્વ સમુદ્ર’ અને ‘અપર સમુદ્ર’નો ઉલ્લેખ મળે છે. પૂર્વ સમુદ્ર એટલે બંગાળની ખાડી નહિ, પરંતુ ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળનો ભૂમિવિસ્તાર. એક સમયે તે સમુદ્ર સ્વરૂપે હતો. તેથી તેને સપ્તસિંધુની પૂર્વે આવેલ પૂર્વસમુદ્ર કહેવાતો. ઋગ્વેદના યુગમાં પૂર્વ સમુદ્ર ગાંગેય પ્રદેશ, પાંચાલ, કોશલ, મગધ, વિદેહ, અંગ, વંગ જેવા પ્રદેશોની જગાએ હતો. ઋગ્વેદના સમયમાં ગંગા-યમુના જેવી નદીઓનો ઉલ્લેખ ખૂબ ઓછો થયો છે, એટલે કે તે સમયે તે નદીઓ પ્રમાણમાં નાની નદીઓ તરીકે વહેતી હશે.
અપર સમુદ્ર એ આજનો અરબ સાગર છે. તેનો કોઈ ભાગ સિંધુ-પ્રદેશની ઉપર પ્રસરેલો હશે. પંજાબની દક્ષિણે બાલુકા-રાશિથી ઓળખાતો પ્રદેશ દર્શાવેલો છે તે આજે રાજપૂતાના રણપ્રદેશ તરીકે ઓળખાય છે. ઋગ્વેદમાં જે વિશાળ સમુદ્રનો ઉલ્લેખ કરાયો છે, તેમાં સરસ્વતી, બિયાસ, સતલજ નદીનાં પાણી ઠલવાતાં હતાં.
વૈદિક ભૂગોળમાં મોટેભાગે તો આજના ઉત્તર ભારતની પરિસ્થિતિનું વર્ણન જોવા મળે છે; પરંતુ દક્ષિણ ભારતના પ્રદેશો, નદીઓ, સમુદ્ર વગેરેનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.
નીતિન કોઠારી