વૈંપટિ, ચિન્ન સત્યમ્ (જ. 15 ઑક્ટોબર 1929, કુચીપુડી ગામ) : દક્ષિણ ભારતની કુચીપુડી નૃત્યશૈલીને શાસ્ત્રીય દરજ્જો અપાવનાર નૃત્યકાર. પિતા વેંકટ ચેલ્લૈયા અને માતા વરલક્ષ્મમ્મા. બાળપણથી અન્ય કલાકારો સાથે સતત રહીને નૃત્યનાટિકાઓમાં સક્રિય ભાગ લીધો. નૃત્યની પ્રારંભિક તાલીમ બે પિતરાઈ ભાઈઓ તાડેપલ્લે પેરૈયા શાસ્ત્રી તથા વેંકટ પેદા સત્યમ્ પાસેથી લીધી. વળી ઉચ્ચ પ્રકારની અભિનયકલા અને તેમાં પણ સ્ત્રીપાત્રની ભજવણીની વિશિષ્ટ તાલીમ વિખ્યાત વેદાંત લક્ષ્મીનારાયણ શાસ્ત્રી પાસેથી પ્રાપ્ત કરી અને તે દ્વારા તેમના પરિવારમાં નવ પેઢીથી સતત ચાલતી આવેલી પરંપરા આગળ ચાલુ રાખી. તેમાં મૌલિક પ્રયોગો હાથ ધર્યા ખરા, છતાં ઉપર્યુક્ત નૃત્યશૈલીની શાસ્ત્રીયતાને જરા પણ આંચ ન આવે એ રીતે અભિનવ પ્રયોગો કર્યા. નાટ્યશાસ્ત્ર અને બીજા અનેક સંલગ્ન પણ આધારભૂત પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરી તેને આધારે કુચીપુડી નૃત્યશૈલીને મઠારવાનું તથા માર્જિત કરવાનું પુણ્યકાર્ય તેમણે કર્યું. સાથોસાથ આ શૈલીમાં જાણેઅજાણે જે લૌકિક આચાર ઘર કરી ગયેલા તે ક્રમશ: દૂર કરવાનું તથા તેના દ્વારા તેમણે આ શૈલીમાં અંગન્યાસ અને અભિનયની બાબતમાં શાસ્ત્રીય શિષ્ટતા આણવાનું મહત્ત્વનું કાર્ય પણ કર્યું.
પડછંદ શરીર તથા કસાયેલા બાંધાવાળા આ યુવાકલાકારની નૃત્યપ્રતિભા માત્ર નાના ગામ પૂરતી જ સીમિત રહે તે યોગ્ય ન હતું અને તેથી ચેન્નાઈ ખાતે સ્થળાંતર કર્યું; જ્યાં દક્ષિણ ભારતના તમિળ ચલચિત્રોમાં નૃત્ય-દિગ્દર્શન કરવાની શરૂઆત કરી. આમાંથી થોડાંક વર્ષોમાં જે કમાણી થઈ તેમાંથી બચત કરીને ચેન્નાઈમાં 1963માં કુચીપુડી આર્ટ અકાદમીની સ્થાપના કરી. સ્ત્રી-કલાકારોને કુચીપુડી નૃત્યશૈલીમાં તૈયાર કરી નાટ્યપ્રયોગ કરવા એવું જે સ્વપ્ન તેમના ગુરુ વેદાંત લક્ષ્મીનારાયણ શાસ્ત્રીનું હતું તે વૈંપટિ ચિન્ન સત્યમે વ્યવહારમાં સાકાર કરી બતાવ્યું. તેમની નૃત્યસંસ્થાની શાખાઓ હૈદરાબાદ તથા વિશાખાપટ્ટણમ્ જેવાં શહેરોમાં સ્થપાઈ; જેમાં હજારથી વધુ નૃત્યાંગનાઓ તૈયાર થઈ; જેમણે દેશવિદેશમાં પોતાની નૃત્યસંસ્થાઓ શરૂ કરી છે અને તેની મારફત કુચીપુડી નૃત્યશૈલીનો પ્રચાર-પ્રસાર કરી રહી છે. આ સ્ત્રીકલાકારો કુચીપુડી નૃત્યશૈલીમાં એટલી બધી માહેર થઈ છે કે તેમના દ્વારા નિર્મિત નૃત્યનાટિકાઓમાં હવે પુરુષપાત્રો પણ સ્ત્રીનૃત્યાંગનાઓ ભજવે છે ! વળી રંગસજ્જા, પ્રકાશ તથા ધ્વનિ આયોજનની સાથોસાથ નૃત્યનાટિકાઓની રજૂઆતમાં તેઓ અદ્યતન માધ્યમોનો ઉપયોગ કરતા હોવાથી શાસ્ત્રીય તત્ત્વોના આવિષ્કારને કારણે તેમની નૃત્યરચનાઓ વધુ લોકભોગ્ય અને પ્રશંસાપાત્ર બની છે.
પારંપરિક રીતે વિચારીએ તો કુચીપુડી નૃત્યશૈલીની નિર્મિતિ જૂથમાં જ કરવાની પ્રણાલી પ્રચલિત હતી; પરંતુ આ વિદ્વાન નૃત્યકારે તે શૈલીને એકલનૃત્યમાં પણ રજૂ કરી શકાય તેવી રીતે તેને મઠારી છે. અત્યાર સુધી તેમની શિષ્યાઓ દ્વારા આશરે 200 જેટલાં એકલનૃત્યો રજૂ થયાં છે; જે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય. તેમાં જે કેટલીક એકલ રચનાઓ વિશેષ પ્રશંસાને પાત્ર ઠરી છે, તેમાં ‘ક્ષીરસાગરમંથન’ (1961), ‘શાકુંતલમ્’ (1963), ‘ચાંડાલિકા’ (1966), ‘શ્રીકૃષ્ણ- પારિજાતમ્’, ‘પદ્માવતીતિરૂમન’, ‘અર્ધનારીશ્વર’, ‘મેનકા-વિશ્વામિત્ર’ તથા ‘કલ્યાણશ્રીનિવાસ’ (197080) આ બધી રચનાઓ ઉલ્લેખનીય છે. ત્યારબાદ રજૂ થયેલ રચનાઓમાં ‘રુક્મિણીકલ્યાણમ્’ (1984), ‘હરવિલાસમ્’ (1985), ‘શિવધનુર્ભંગમ્’ અને છેલ્લે અન્નામાચાર્યનું ‘ગોપિકાકૃષ્ણ’ ઉલ્લેખનીય છે.
અત્યાર સુધી વૈંપટિને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. તેમને આવા સાંસ્કૃતિક પુરસ્કારો તથા ખિતાબો આપનારાઓમાં રાજકીય સંસ્થાઓ અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેમાં આંધ્ર પ્રદેશનો રાજ્યલક્ષ્મી પુરસ્કાર (1961), કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર (1961), આંધ્ર પ્રદેશ વિદ્યાપીઠે બહાલ કરેલ ડૉક્ટરેટની પદવી (1980) અને વેંકટેશ તિરુપતિ વિશ્વવિદ્યાપીઠે અર્પેલી ડી.લિટ્.ની પદવી(1996)નો સમાવેશ થાય છે. તેમની ઘણી શિષ્યાઓ અમેરિકા જેવા વિદેશોમાં સ્થાયી થયેલી હોવાથી તેમણે તેમના નિવાસનાં નગરોમાં કુચીપુડી નૃત્યશૈલીનાં તાલીમકેન્દ્રો સ્થાપ્યાં છે; જેમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળની અને વિદેશી ક્ધયાઓ કુચીપુડી નૃત્યની તાલીમ લેતી હોય છે. આ રીતે વિદેશોમાં પણ ભારતની આ નૃત્યકલાના વારસાનો પ્રચાર-પ્રસાર કરવાની શકવર્તી કામગીરી તેમના આ શિષ્યોએ કરી છે. આ કાર્યને ધ્યાનમાં લઈને સેન્ટ પિટર્સબર્ગનાં વેંકટેશ દેવસ્થાનમે તેમનું જાહેર સન્માન કર્યું હતું તથા 1984માં તેમને માયામી ફ્લોરિડાના મેયરે ‘ગોલ્ડન-કી’ અર્પણ કરી હતી. ભારતમાં 1985માં તેમને ‘નાટ્યકલા- વિશારદમણિ’ તથા ‘નાટ્યકલાભૂષણ’નાં બિરુદ આપવામાં આવ્યાં હતાં. 1988માં તેમને ‘નાટ્યકલાસાગર’નો ખિતાબ અર્પણ કરવામાં આવ્યો હતો. 1992માં તેઓ સપ્તગિરિ સોસાયટી દ્વારા સન્માનિત થયા અને તે જ વર્ષે તેમને મધ્યપ્રદેશ સરકાર દ્વારા ‘કાલિદાસ સન્માન’થી નવાજવામાં આવ્યા હતા. 1993માં મુંબઈની ‘સૂરસિંગાર સંસદ’ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે 1994માં તામિલનાડુ સરકારે તેમને ‘કલૈમામણિ’નો પુરસ્કાર અર્પણ કર્યો હતો. ચેન્નાઈ ખાતેથી પ્રકાશિત થતા ‘શ્રુતિ’ નામક સંગીત અને નૃત્યની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા સામયિકે તેમને ‘દસકાના કલાવિદ’ તરીકે જાહેર કર્યા હતા. ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ ખિતાબ એનાયત કર્યો છે. આ ઉપરાંત, ચેન્નાઈની સંગીત અકાદમીએ તેમને ‘ટી. ટી. કે.’ પુરસ્કાર અર્પણ કર્યો છે.
પ્રકૃતિ કાશ્યપ