વેસ્ટિંગહાઉસ, જ્યૉર્જ (જ. 1846; અ. 1914) : અમેરિકા સ્થિત શોધક અને ઉદ્યોગપતિ. તેમણે અમેરિકામાં વિદ્યુત-પ્રસારણ માટે પ્રથમ વાર એ. સી. વિદ્યુતપ્રવાહનો ઉપયોગ કર્યો. ભૂમિદળ અને નૌકાદળમાં કાર્ય કરી 1865માં ‘રોટરી સ્ટીમ એન્જિન’નું પેટન્ટ મેળવ્યું. આ જ રચનાનો ઉપયોગ પાણીમાપક ઉપકરણ તૈયાર કરવામાં કર્યો. તે જ અરસામાં પાટા પરથી ખડી ગયેલ માલવાહક ગાડીને ફરી પાટા પર મૂકવા માટેની યુક્તિ વિકસાવાઈ. રેલકારમાં રસને હિસાબે 1869માં તે માટેની વાયુબ્રેક(air brake)નું પેટન્ટ મેળવ્યું. આવાં તો 100થી પણ વધુ પેટન્ટો મેળવી વિક્રમ સર્જ્યો. તેમણે વેસ્ટિંગહાઉસ ઍરબ્રેક નામની કંપની સ્થાપી. તેની ઍરબ્રેકની ડિઝાઇન એટલી બધી વખણાઈ કે 1893ના ‘રેલ રોડ સેફ્ટી એપ્લાયન્સ ઍક્ટ’ દ્વારા અમેરિકાની ટ્રેનોમાં આ બ્રેક ફરજિયાત બની ગઈ. આ ઉપરાંત આ બ્રેકનો ઉપયોગ યુરોપમાં પણ શરૂ થયો. તેમણે આ બ્રેકના બધા ભાગો પ્રમાણિત (standardised) કયર્િ અને એ રીતે અમેરિકામાં પ્રમાણીકરણ શરૂ કરવામાં અગ્રેસર બની ગયા.
બ્રેક પછી રેલના સિગ્નલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ‘ઇલેક્ટ્રિકલ ઍન્ડ કૉમ્પ્રેસ્ડ ઍર સિસ્ટમ’નાં સિગ્નલો ઊભાં કર્યાં. આ ક્ષેત્રની કુશળતાનો ઉપયોગ કુદરતી વાયુ પરિવહન માટેની પાઇપલાઇનોમાં કર્યો અને તે માટે 38 પેટન્ટો મેળવ્યાં.

જ્યૉર્જ વેસ્ટિંગહાઉસ
ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં ટ્રાન્સફૉર્મર વિકસાવ્યાં તેમજ સ્થાયી (અચલ) વીજદાબનાં એ. સી. જનરેટર તૈયાર કર્યાં. 1886માં વેસ્ટિંગહાઉસ ઇલેક્ટ્રિક કંપની સ્થાપી; જેનું ત્રણ વર્ષ બાદ નામ બદલી વેસ્ટિંગહાઉસ ઇલેક્ટ્રિક મૅન્યુફેક્ચરિંગ કંપની રાખ્યું. ભારે વિરોધ વચ્ચે તેમણે ઇલેક્ટ્રિક પાવરના ક્ષેત્રમાં ડી.સી.ની જગ્યાએ એ.સી.ને પ્રસ્થાપિત કર્યો. 1893માં વેસ્ટિંગહાઉસ કંપનીના એ. સી. જનરેટર દ્વારા શિકાગોમાં વલર્ડ્ઝ કોલંબિયા એક્સપોઝિશનને વીજળી પૂરી પાડી. આ ઉપરાંત મોટા પ્રખ્યાત નાયગરા નદીના ધોધ (Niagara river fall) પર એ. સી. જનરેટરો મૂકવાનો કૉન્ટ્રેક્ટ મેળવ્યો.
ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ