વેલ્સ, એચ. જી. (જ. 21 સપ્ટેમ્બર 1866, બ્રોમલી, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 13 ઑગસ્ટ 1946, લંડન) : અંગ્રેજ નવલકથાકાર, પત્રકાર, સમાજશાસ્ત્રી અને ઇતિહાસકાર. સર્વસામાન્ય મધ્યમ વર્ગની પશ્ર્ચાદ્ભૂમિકામાં એમની ઘણી નવલકથાઓનું સર્જન થયું છે. એક નવલકથાકાર, ઇતિહાસવિદ તથા વૈજ્ઞાનિક કથાસાહિત્યના પ્રણેતા તરીકે તેઓ સુપ્રસિદ્ધ છે. ઈ. સ. 1900માં એમની નવલકથા ‘ટોનો બન્ગે’ પ્રગટ થઈ. એમાં એમની પ્રકૃતિદત્ત બહુમુખી પ્રતિભાનાં દર્શન થાય છે. એક નવી દવાના સંશોધન બાદ એને કેવા પ્રકારનું અપ્રામાણિક પ્રોત્સાહન મળતું રહે છે, તથા કેવી રીતે એનો પ્રચાર કરવામાં આવે છે એનું એમાં આલેખન છે. એમની સામાજિક અવલોકન માટેની દૃષ્ટિ વ્યંગાત્મક રીતે એ સર્વ વસ્તુઓને અહીં રજૂ કરે છે. જે સમયે હવાઈ જહાજમાં અને સમુદ્રની સપાટી નીચે તરતી નૌકાઓમાં પ્રવાસ એક કાલ્પનિક બાબત હતી, તે સમયમાં એમણે એવાં પ્રવાસવર્ણનોનો આસ્વાદ કરાવ્યો છે.
‘કીપ્સ’ (1905) સર્વસામાન્ય મધ્યમ વર્ગની પશ્ર્ચાદ્ભૂમિકાનો આધાર લઈ લખાયેલી એમની નવલકથા છે. 1909માં ‘હિસ્ટરી ઑવ્ મિ. પોલી’ પ્રસિદ્ધ થઈ.
એમની કાલ્પનિક વૈજ્ઞાનિક કથાઓમાંથી એમના વિજ્ઞાનલક્ષી પ્રશિક્ષણનો અંદાજ મળે છે. ‘ટાઇમ મશીન’ (1895) નવલકથામાં ભાવિના ગર્ભમાં પોતાની જાતને રૂપાંતરિત કરતા મનુષ્યનાં સાહસોનું વર્ણન છે. 1898માં પ્રગટ થયેલી ‘ધ વૉર ઑવ્ ધી વલ્ડર્ઝ’માં મંગળના ગ્રહ પરથી થતા આક્રમણની કથા આલેખવામાં આવી છે. 1933માં પ્રસિદ્ધ થયેલી ‘ધ શેપ ઑવ્ થિંગ્સ ટુ કમ’માં કાલ્પનિક તરંગસૃદૃષ્ટિનું નિદર્શન છે.
‘ધ ન્યૂ મેકાઈવેલી’(1911)માં એમણે સામાજિક સુધારાને સમર્થન આપ્યું છે. તેમનો ‘ધ વર્ક, વેલ્થ ઍન્ડ હૅપિનેસ ઑવ્ મેનકાઇન્ડ’ નામનો અભ્યાસગ્રંથ 1932માં પ્રગટ થયો. સમાજનાં અનેકવિધ પાસાંઓનું દર્શન કરાવી એમણે એમાં સુધારા માટે આહ્વાન કર્યું છે. ‘ધ આઉટલાઇન ઑવ્ હિસ્ટરી’(1920)માં એમણે માનવજાતિના વિકાસનું દર્શન કરાવ્યું છે. એ ગ્રંથમાં જીવવિજ્ઞાનના એમના જ્ઞાનનો તથા રાજકારણમાંના એમના ઉદારમતવાદી વલણનો ચિતાર મળે છે.
એમના પુત્ર જ્યૉફ્રે અને સર જુલિયન હકસલીના સાથમાં એમણે ‘સાયન્સ ઑવ્ લાઇફ’(1929-1930)ના ચાર ગ્રંથો પ્રગટ કર્યા એમાં એમણે જીવવિજ્ઞાનના સિદ્ધાંતોની ચર્ચા કરી છે.
‘એક્સપેરિમેન્ટ ઇન ઑટોબાયૉગ્રાફી’ (1934) તેમની આત્મકથા છે.
જયા જયમલ ઠાકોર