વેલ્શ ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન કુળની, કેલ્ટિકની ઉપશાખાઓ પૈકીની, બ્રાઇથૉનિક સમૂહની ભાષાઓમાંની, ઇંગ્લૅન્ડના વેલ્સમાં બોલાતી અને લખાતી વેલ્શ પ્રજાની રાષ્ટ્રીય ભાષા. વેલ્સમાં રહેતા લોકોમાંથી 20 ટકા વેલ્શ અને અંગ્રેજી  એમ બંને ભાષાઓ બોલે છે. છેક 1536થી વેલ્શ ભાષા રાજ્યની સત્તાવાર ભાષા નથી; જોકે રાજ્યના સત્તાવાર દસ્તાવેજો વેલ્શ ભાષામાં લખાય છે. શિક્ષણનું માધ્યમ વેલ્શ ભાષા છે. વેલ્શ કે અંગ્રેજીમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની સવલત છે. પાઠ્યપુસ્તકો વેલ્શ ભાષામાં તૈયાર કરવામાં આવે છે. આકાશવાણી અને દૂરદર્શનમાં તો 23 કલાક માટે વેલ્શનો બહોળો ઉપયોગ થાય છે. 1975થી કોર્ટ-કચેરીના કામકાજમાં પણ આ ભાષા વપરાય છે. ઉચ્ચાર અને સ્વરૂપની બાબતમાં તે લૅટિન અને ઇટાલિક ભાષાઓની વધુ નજીક છે. જોકે ઇન્ડો-યુરોપિયન, હિટાઇટ અને તોકેરિયન ભાષાઓનાં લક્ષણો પણ તેમાં જોવા મળે છે. ઇન્ડો-યુરોપિયન વ્યાકરણના અભ્યાસ માટે તેની ખાસ અગત્ય છે. બ્રાઇથૉનિકની એક ભાષાને ‘ઑલ્ડ બ્રિટિશ’ કહેવાય છે. બ્રિટનના જૂના લૅટિન શિલાલેખોમાં તે વાંચવા મળે છે. સૌથી જૂનાં વેલ્શ લખાણો આઠમી સદીનાં છે. તેમાં pump = પાંચ, brawd = ભાઈ,

rhin = ગુપ્ત, run = સાચું, fir, ieuanc = યુવાન, o newydd = નવું, nuqe, chwedl = વાર્તા scl, cant = 100 વગેરે વેલ્શ ભાષાના શબ્દો છે. વેલ્શ ભાષાના કેટલાક શબ્દો સાથે આઇરિશ ભાષાના શબ્દોનું સામ્ય છે.

વેલ્શ ભાષા ઇંગ્લૅન્ડની પશ્ચિમે ફિલન્ટથી ન્યૂપૉર્ટ સુધીની પટીમાં છ લાખથી વધુ લોકો બોલે છે અને લખે છે. તેની મુખ્ય ચાર બોલીઓ છે : વેનોડોશિયન, પોલિશિયન, ડિમેશિયન અને ગ્વેન્શિયન. 1800 પછી વેલ્સ નાગરિકો ઉત્તર અમેરિકામાં સ્થાયી થયા. શિકાગોમાં 1,500થી 2,000 લોકો વેલ્શ ભાષાનો ઉપયોગ આજે પણ કરે છે. 1865માં આર્જેન્ટિનાના પૅટાગોનિયામાં વેલ્શ લોકોની વસાહત છે. તેમના વંશવારસો આજે પણ વેલ્શ અને સ્પૅનિશ ભાષાનો ઉપયોગ કરે છે.

વેલ્શ ભાષાનું આગવું લક્ષણ તે તે બોલનારા પ્રત્યેક સ્વર અને વ્યંજનનો સ્પષ્ટ ઉચ્ચાર કરે છે. આમાંથી વેલ્શ ભાષાનું માધુર્ય પ્રગટે છે અને કવિતા માટે તે ખૂબ અનુકૂળ રહે છે.

વેલ્શ ભાષામાં નામને નર કે નારીજાતિ હોય છે. તે કાં તો એકવચન કે બહુવચનમાં હોય છે. એકવચનનું બહુવચન જુદી જુદી રીતે થાય છે. પરંતુ સામાન્ય રીતે વેલ્શમાં tad(a father)નું બહુવચન tadau (fathers) થાય છે. અંગ્રેજીમાં વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મ (predicate) એવા ક્રમમાં ગોઠવવામાં આવે છે; પરંતુ વેલ્શ ભાષામાં સૌથી પહેલાં ક્રિયાપદ, કર્તા અને પછી કર્મ એવો ક્રમ હોય છે. અંગ્રેજીમાં John is in the field જ્યારે વેલ્શમાં Mae John yn y cae (Is John in the field) એમ બોલાય અને લખાય છે.

વેલ્શ ભાષા ઈ. સ. 500થી બોલાતી ભાષા હોવાનો તજ્જ્ઞોનો મત છે. તેના મૂળ વ્યાકરણ અને શબ્દકોશમાં ઘણા ફેરફારો થયા છે. અંગ્રેજી ભાષામાંથી આ ભાષામાં કેટલાક શબ્દો સીધા જ લેવામાં આવ્યા છે. 1536થી 1800 દરમિયાન અંગ્રેજોએ વેલ્શ ભાષાને સર્વાંશે દૂર કરવાની પ્રવૃત્તિ આદરી હતી. કેટલીક શાળાઓમાં વેલ્શ ભાષા બોલવા માટે વિદ્યાર્થીને સજા કરવામાં આવતી હતી. જોકે 1800 પછી શાળાઓમાં વેલ્શને ઉત્તેજન આપવાનું શરૂ થયું હતું.

1900 પછી વેલ્સ પ્રજા તથા બ્રિટિશ સરકારે વેલ્શ ભાષાના જતન માટે ઉત્સાહજનક યોજનાઓ દાખલ કરી. 1967માં ‘ધ વેલ્શ લૅન્ગ્વેજ ઍક્ટ’ અમલમાં આવ્યો અને ‘વેલ્શ લૅન્ગ્વેજ કાઉન્સિલ’ની સ્થાપના થઈ. 1960થી ‘ધ વેલ્શ લૅન્ગ્વેજ સોસાયટી’ સક્રિય થઈ છે. જૂની, મધ્યકાલીન અને આધુનિક – એ રીતે ત્રણ તબક્કામાં વેલ્શ વિકસી છે.

વેલ્શ ભાષા અંગ્રેજીથી ખૂબ જુદી પડે છે. અંગ્રેજીના ‘K’, ‘Q’, ‘V’ અને ‘’નો ઉપયોગ વેલ્શ ભાષામાં થતો નથી. જોકે તેનાં કેટલાંક ઉચ્ચારણો અંગ્રેજી જેવાં છે; દા. ત., ‘f’નો ઉચ્ચાર ‘v’ જેવો થાય છે. વેલ્શ’dd’નો અંગ્રેજીમાં ‘th’ (the, bathe) કરવામાં આવે છે. ‘ff’ અંગ્રેજીમાં ‘staff’ અને ‘ph’ અંગ્રેજીમાં ‘phase’ની જેમ થાય છે. વેલ્શના ‘ll’(ડબલ એલ)નો ઉચ્ચાર અંગ્રેજીમાં કરવો અતિ મુશ્કેલ છે. વેલ્શમાં ‘y’ સ્વર છે અને તેનો ઉચ્ચાર જુદા જુદા શબ્દમાં તેના જે તે સ્થાનને લક્ષ્યમાં લઈ જુદો જુદો થાય છે. દા. ત., કોઈ વાર ‘y’નો ઉચ્ચાર funnyના ‘y’ જેવો પણ અને funnyના ‘u’ જેવો પણ થાય છે.

સાહિત્ય : વેલ્શ ભાષામાં રચાયેલું સાહિત્ય ધ્યાનપાત્ર છે. પ્રાચીન કવિઓમાં એનેરિન અને ટેલીસિન છઠ્ઠી સદીના હોવાનું મનાય છે. તેઓ વેલ્સની છેક ઉત્તરે આવેલા પ્રદેશમાં રહેતા હશે. એનેરિનનું 103 કડીઓમાં ઈ. સ. 604માં રચેલું મનાતું ‘ગોડોડિન’ કરુણ વિલાપ રજૂ કરતું કાવ્ય છે. તેમાં યૉર્કશાયર પરગણામાં જલદ દારૂના નશામાં ઉન્માદથી ઘોડેસવારી કરી જતી એક લશ્કરી ટુકડીના તમામ સૈનિકોની એન્ગલ્સ લોકોના હાથે થયેલ કતલનું વર્ણન છે. ‘ધ બુક ઑવ્ ટેલીસિન’માં યૂરિયન અને તેના પુત્ર ઑવેનના વીરત્વને બિરદાવતાં બાર લઘુકાવ્યો છે. એ કાવ્યો યુદ્ધ અંગેની વિગતો જાણવા અને લશ્કરને હિંમત પૂરી પાડવા માટેનાં યાદગાર કાવ્યો તરીકે ઇંગ્લૅન્ડમાં જાણીતાં છે. આ કાવ્યો રાજા અને વીરપુરુષોની કીર્તિગાથાઓ અને ભૂતકાળની ઘટનાઓની યાદમાં અભિવ્યક્ત કરાયેલ કરુણપ્રશસ્તિઓ છે.

વેલ્શ ભાષાનું સૌથી પ્રથમ ગદ્યલખાણ 10મી સદીમાં લખાયેલું ‘ધ લૉઝ ઑવ્ હાઈવેલ દા’ છે. ‘ધ ફોર બ્રાન્ચીઝ ઑવ્ ધ મેબિનોગિયૉન’ ચાર વાર્તાઓને પરસ્પર વણતી દંતકથા છે. એના લેખકનું નામ અજ્ઞાત છે. ઉપરાંત કેટલીક સ્વતંત્ર વેલ્શ વાર્તાઓ અને ત્રણ પ્રેમશૌર્યની સાહસકથાઓ લગભગ રાજા આર્થરની દંતકથાને મળતી આવે છે. વેલ્શ ભાષાના જાણકાર વિદ્વાન ગ્વિન જૉન્સ અને થૉમસ જૉન્સે આનો અનુવાદ અંગ્રેજી ભાષામાં 1948માં કર્યો છે.

દરબારી કવિઓએ પણ કવિતા આપી છે. ઘણુંખરું તો કોઈ ને કોઈ રાજકુમાર આ કવિતા રચતો. રાજકુમાર ઓવેન કિફીલિયોગે રચેલ ‘હિલાર્સ’ (‘ધ લૉન્ગ ગ્રે ડ્રિન્કિંગ હૉર્ન’)માં યુદ્ધના વિજયને માણતા સૈનિકોના ઉન્માદનું વર્ણન છે.

13મી સદીમાં ઇંગ્લૅન્ડના રાજા એડ્વર્ડ પહેલાએ વેલ્સ પર ચડાઈ કરી તે પછી કેલ્ટિક ભાટ-ગાયક કવિઓની પરંપરા લગભગ મૃતપ્રાય થઈ ગઈ. પરંતુ ડેફિડ્ડ અપ ગ્વાઇલિમ નામના કવિએ વેલ્શ કવિતામાં પ્રાણ ફૂંક્યા. મધ્યકાલીન યુરોપના કવિઓમાં તેમનું નામ ગણનાપાત્ર છે. પ્રકૃતિ, સૌન્દર્ય અને પ્રેમના વિષયને અનુલક્ષીને તીવ્ર લાગણી અને વિનોદવૃત્તિના મિજાજને આલેખતી તેમની કવિતામાં સાઇવિદ નામના મુક્ત પણ ચપળ  છંદની રચનાઓ છે. 15મી સદીમાં સાઇવિદ છંદમાં લેપિસ ગ્લિન કૉથી અને ગુતોર ગ્લાઈને ઉત્તમ રચનાઓ આપી છે.

11મીથી 16મી સદીની વચ્ચેના સમયમાં વેલ્શ ગદ્યનો હ્રાસ થયો. વળી 16મી સદી પછી પણ ઘણુંબધું લખાણ ધાર્મિક અને બોધાત્મક રહ્યું. આમાં સૌથી વધુ ધ્યાનપાત્ર વેલ્શ ભાષામાં, વિલિયમ સેલ્સબરીએ કરેલો ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’(1567)નો અનુવાદ છે. બિશપ વિલિયમ મૉર્ગને સંપૂર્ણ બાઇબલનો અનુવાદ 1588માં કર્યો. વેલ્શ ભાષામાં બાઇબલનો એ પ્રમાણભૂત અનુવાદ છે. 16મીથી 18મી સદીનો સમય વેલ્શ કવિતા માટે પડતીનો યુગ ગણાય છે. આ વખતે વેલ્શ કવિઓ પોતાની અભિવ્યક્તિ માટે વેલ્શને બદલે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. જોકે આ સમય દરમિયાન કેટલાય અનામી કવિઓનાં થોકબંધ ‘બૅલડો’  કથાકાવ્યો અને લોકગીતો મળે છે.

વેલ્સમાં રૅનેસાંસ – પ્રબુદ્ધકાળ થોડો મોડો 18મી સદીમાં આવ્યો. ગોરોન્વી ઓવૅને શિષ્ટ છંદ સાઇવિદમાં સુઘડ કાવ્યો રચ્યાં. વિલિયમ વિલિયમ્સ ઑવ્ પેન્ટિસિલિન અને રહસ્યવાદી કવયિત્રી ઍન ગ્રિફિથ્સ ધાર્મિક કાવ્યો માટે ઉલ્લેખનીય છે. 19મી સદીની શરૂઆતમાં બિનસાંપ્રદાયિક વેલ્શ કવિઓ પર આ બંનેની સારી એવી અસર થઈ છે. આ કવિઓમાં જૉન બ્લૅકવેલ, લ્યુઅન ગ્લેન જિરિયોનિડ્ડ અને જૉન સીરિયોગ હ્યુગીસ ગણનાપાત્ર છે. જૉન બ્લૅકવેલને વેલ્શ ઊર્મિકવિતાના જનક ગણવામાં આવે છે. ગ્લૅન પ્રકૃતિના કવિ અને હ્યુગીસ 19મી સદીના સૌથી મોટા ગજાનાં પ્રકૃતિકવિ છે. અંગ્રેજ કવિ જિરાર્ડ મેનલી હૉપકિન્સે વેલ્શ ભાષામાં કાવ્યો રચેલાં છે.

સાહિત્ય માટેના પ્રબુદ્ધકાળમાં કવિતા માટે સ્પધર્ઓિ યોજાતી. આ પ્રવૃત્તિ ‘ઇસ્ટ્ડેડ ફૉડ’ નામે ઓળખાય છે. દર વર્ષે કવિતાસ્પર્ધામાં શ્રેષ્ઠ કવિનું કીમતી શ્યામ ડગલો પહેરાવીને સન્માન કરવામાં આવે છે. 1983માં યુનિવર્સિટી ઑવ્ વેલ્સમાં વેલ્શ ભાષા સાહિત્યના અભ્યાસ માટે અલાયદો વિભાગ કાર્યરત છે.

19મી સદીના સેમ્યુઅલ રૉબર્ટ્સ રાજ્યશાસ્ત્રના પ્રખર અભ્યાસી હતા. વેલ્શ ભાષાના અગત્યના નવલકથાકાર તરીકે ડેનિયલ ઑવેનનું નામ સવિશેષ જાણીતું છે. વીસમી સદીમાં વેલ્શ સાહિત્યમાં રાષ્ટ્રીય લાગણીનાં પૂર ઊમટ્યાં છે. જૂની પરંપરાને પ્રગટાવતાં વેલ્શ કાવ્યો માટે ટૉમસ ગ્વિન જૉન્સ અને રૉબર્ટ વિલિયમ્સ પેરીનાં નામો મોખરે છે. વિલિયમ જૉન ગ્રફીડે મુક્ત છંદોમાં ઉત્તમ કાવ્યો રચ્યાં છે. સર જૉન મૉરિસ-જૉન્સ વિદ્વાન કવિ તરીકે જાણીતાં છે. તેમનું ‘સામ આઈ ફેમૉન’ (‘અ સામ ટુ મેનન’) વેલ્શ કવિતાનું શકવર્તી કાવ્ય ગણાય છે. તેમાં વપરાયેલ છંદ અને ભાષા સચોટ અને બલવત્તર છે. વીસમી સદીના ઊર્મિકવિઓમાં તેમનું નામ બેનમૂન છે. તેમણે અન્ય ભાષાઓમાંથી કાવ્યોના સરસ અનુવાદ વેલ્શમાં કર્યા છે. સર ટૉમસ હર્બર્ટ પેરી વિલિયમ્સે પણ વેલ્શ ભાષાને સમૃદ્ધ કરી છે. અન્ય કવિઓ માટે તેમણે એક આદર્શ પૂરો પાડ્યો છે. સૉનેટનું સ્વરૂપ તેમને સિદ્ધહસ્ત હતું. વીસમી સદીની વેલ્શ કવિતામાં તેમની અભિવ્યક્તિ વિશિષ્ટ પ્રકારની છે. નિબંધકાર તરીકે પણ તેમનું નામ મોખરાની હરોળમાં છે. બૉબી જૉન્સ પ્રાચીન અને અર્વાચિન છંદોના ઉપયોગ માટે સુવિખ્યાત છે. આંખ અને કાન  બંને ઇન્દ્રિયોને આનંદાશ્ર્ચર્ય આપતા નવા નવા શબ્દોના તેઓ ઘડવૈયા છે.

વીસમી સદીનું વેલ્શ સાહિત્યનું ગદ્ય જોમવાળું છે. નવલિકા લખનારાઓમાં કેટ રૉબર્ટ્સનું નામ પ્રથમ હરોળમાં છે. ડી. જે. વિલિયમ્સ અને ઇ. ટેગ્લા ડેવિસ નિબંધકારો છે. ટી. રૉલેન્ડ હ્યુગીસ, ઇસ્લવિન ફ્લૉક એલિસ અને સૉન્ડર્સ લુઈસ નવલકથાકારો છે. સૉન્ડર્સે નાટકો પણ લખ્યાં છે. જે ગ્વિલીમ જૉન્સ નાટ્યકાર તરીકે નોંધપાત્ર છે.

વેલ્શ સાહિત્યકારો વેલ્શ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ લખે છે; દા. ત., એમલીન વિલિયમ્સ નટ અને નાટ્યકાર છે. ‘નાઇટ મસ્ટ ફૉલ’ (1935) અને ‘ધ કૉનર્સ’ (1938) નાટ્યકૃતિઓ છે. ડીલન ટૉમસ ઊર્મિકવિ અને નવલિકાકાર છે. વેલ્શ ભાષામાં રચાતું સાંપ્રત સાહિત્ય બેશક પ્રગતિશીલ અને સક્ષમ છે. વેલ્શ ભાષાના કવિઓ સમાજનાં નાનાંમોટાં ઘરોમાંથી આવે છે. કવિને વેલ્શમાં bardd કહેતા જેમાંથી અંગ્રેજી ભાષામાં bard = કવિ શબ્દ ઊતરી આવ્યો છે. ઇંગ્લૅન્ડનાં રાજારાણી કે રાજકુમાર વેલ્શ ભાષાના સર્જકોનું સન્માન કરી તેમને ઉચિત પદ આપે છે. વેલ્શ ભાષામાં નાટ્યકાર કે નવલકથાકાર કરતાં કવિઓનું પ્રમાણ ઝાઝું છે. વેલ્સના નામાંકિત કવિઓમાં હેન્રી ડેવિસ, એડ્વર્ડ ટૉમસ, એલન લુઈસ, ડિલન ટૉમસ અને આર. એસ. ટૉમસનાં નામ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતાં છે.

વિ. પ્ર. ત્રિવેદી