વેલ્લઇ પારવઇ (1967) : એ. શ્રીનિવાસ રાઘવન્(જ. 1905)નો જાણીતો ઊર્મિકાવ્યોનો સંગ્રહ. આ સંગ્રહ કુલ 107 કાવ્યોનો છે. તેમાં હિંદુ દેવો, કીર્તિમંદિરો, બુદ્ધ, કંબન, ભારતી, રાજનીતિશાસ્ત્ર, સ્ત્રીઓની મુક્તિ અને કાવ્ય જેવા વિષયોને વૈવિધ્યપૂર્ણ રીતે વ્યક્ત કરાયા છે. તેમણે જીવનના જુદા જુદા સમયગાળામાં આ કાવ્યો રચ્યાં હતાં અને જુદાં જુદાં તમિળ સામયિકોમાં વખતોવખત પ્રસિદ્ધ થયાં હતાં.
એ. શ્રીનિવાસ રાઘવન્ અંગ્રેજીના વિદ્વાન હોઈ શેક્સપિયર અને શેલીના ચાહક હતા. એ જ રીતે તેઓ કવિ સુબ્રમણ્ય ભારતી અને કંબનના પણ ચાહક હતા. તમિળ કાવ્યોમાં તો તેઓ ભારતીની શૈલીને જ અનુસયર્િ છે. તેમણે તમિળ કવિ કંબન અને ભારતીની કૃતિઓને અંગ્રેજીમાં અને ટાગોરની કૃતિઓને તમિળમાં અનૂદિત કરી છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘વેલ્લઇ પારવઇ’ તેની તાજગી, જોમ, દૂરંદેશીપણાની લગાતાર શક્તિ અને ઊંડાણને કારણે તત્કાલીન તમિળ સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે. તે માટે તેને 1968ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા