વેલિંગ્ટન ટ્રૉફી : હૉકીની પ્રતિષ્ઠિત ટ્રૉફી. આ ટ્રૉફી જીતવા માટે દરેક રાષ્ટ્ર વર્ષો સુધી મહાવરો કરે છે. અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારત માટે હૉકીની રમતનું વિશેષ મહત્વ છે; કારણ કે ભારત હૉકીમાં 1928થી 1956 સુધી ‘ઑલિમ્પિક ચૅમ્પિયન’ હતું અને 1975માં તો ભારત હૉકીમાં ‘વિશ્વ ચૅમ્પિયન’ પણ બન્યું હતું. આ રીતે જ ભારત ‘એશિયન ગેમ્સ ચૅમ્પિયન’ પણ રહ્યું છે. વેલિંગ્ટન ટ્રૉફી જીતનાર દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સન્માન પ્રાપ્ત થાય છે. વેલિંગ્ટન ટ્રૉફી જીતવા માટે એશિયાઈ દેશો કરતાં યુરોપિયન દેશો વધુ પ્રયાસ કરે છે. આજે તો આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પધર્િ જીતવા માટે સખત અને સતત મહાવરાની ખૂબ જ જરૂર પડે છે. એટલે વેલિંગ્ટન ટ્રૉફી મેળવવા માટે પણ વિશ્વમાં હૉકી રમતા દેશો ખૂબ જ મહેનત કરતા હોય છે. આજે તો હૉકીની રમત ભાઈઓ તેમજ બહેનો બંનેમાં ખૂબ જ લોકપ્રિય છે. મોટાભાગે હૉકીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ એસ્ટ્રો ટર્ફ પર રમાતી હોય છે, તેથી ભાગ લેનાર ટુકડીઓને એસ્ટ્રો ટર્ફના મેદાન પર રમવાનો મહાવરો હોય તે પણ જરૂરી છે.
પ્રભુદયાલ શર્મા