વેલા (Vela) ઉપગ્રહ : અમેરિકાના સંરક્ષણ-તંત્ર દ્વારા અંતરીક્ષમાં મૂકવામાં આવેલા ‘વેલા’ નામના ઉપગ્રહોની શ્રેણીમાંનો કોઈ પણ ઉપગ્રહ. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેની તીવ્ર શસ્ત્ર-સ્પર્ધા અને શીત યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન બંને દેશો એકબીજાની લશ્કરી પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત રીતે માહિતી મેળવતા હતા. સોવિયેત રશિયા ઉચ્ચ વાતાવરણ કે અંતરીક્ષમાં ગુપ્ત રીતે પરમાણુ-પરીક્ષણો કરે છે કે નહિ તે અંગે ભાળ મેળવવા માટે અમેરિકાના સંરક્ષણ-વિભાગ અને અણુશક્તિ-વિભાગ દ્વારા 1960ના દસકામાં વેલા (Vela) નામના કુલ 12 ઉપગ્રહો 1,10,000 કિમી.ની ઊંચાઈ પર પૃથ્વીની વર્તુળાકાર કક્ષામાં મૂકવામાં આવ્યા હતા. પરમાણુ-વિસ્ફોટને કારણે ઉત્પન્ન થતું ગૅમા-વિકિરણ ગ્રહણ કરવા માટે ‘વેલા’ ઉપગ્રહોમાં જરૂરી ઉપકરણો રાખવામાં આવ્યાં હતાં.
‘વેલા’ ઉપગ્રહોનાં ગૅમા-વિકિરણ અંગેનાં ઉપકરણોની કામગીરી સંતોષજનક રહી હતી; પરંતુ તેની મદદથી ઉચ્ચ વાતાવરણ કે અંતરીક્ષમાં કોઈ પરમાણુ-પરીક્ષણો થતાં હોય તેવી કોઈ માહિતી મળી નહોતી. અલબત્ત, તેનાથી વિપરીત અત્યંત દૂરના બ્રહ્માંડમાં ‘ગૅમા-કિરણ વિસ્ફોટ’ નામની એક અત્યંત શક્તિશાળી અને આશ્ર્ચર્યજનક ઘટના વિશે સૌપ્રથમ જાણકારી મળી હતી. ‘વેલા’ ઉપગ્રહોના લગભગ દસ વર્ષોના કાર્યકાળ દરમિયાન સંખ્યાબંધ ગૅમા-કિરણ વિસ્ફોટો નોંધાયા હતા.
પરંતપ પાઠક