વેલર, થૉમસ હકલ (Thomas Huckle Weller) (. 15 જૂન 1915, એન આર્બર, મિશિગન) : સન 1954ના જ્હૉન એન્ડર્સ તથા ફ્રેડરિક રૉબિન્સ સાથેના દેહધર્મવિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિક-વિજેતા. બાળલકવો કરતો ધૂલિવર્ણક વિષાણુ (polio virus) વિવિધ પ્રકારની પેશીમાં સંવર્ધિત કરવાની (ઉછેરવાની) પદ્ધતિ શોધી કાઢવા માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ મિશિગનની શાળાઓમાં તથા વિશ્વવિદ્યાલયમાં ભણીને સન 1936માં સ્નાતક બન્યા. તેમના પિતા તે સમયે તે વિશ્વવિદ્યાલયના રુગ્ણવિદ્યા (pathology) વિભાગમાં હતા. તેમને શરૂઆતથી નૈસર્ગિક વૃત્તાંત(natural history)માં રસ પડતો અને તેથી તેમણે તબીબી પ્રાણીશાસ્ત્રની દિશા પકડી. સ્નાતક થયા પછી તેમણે માછલીના પરોપજીવો પર અભ્યાસ કર્યો. તેમણે 1937માં અનુસ્નાતક ઉપાધિ મેળવી. સન 1936માં તેઓ હાર્વર્ડ મેડિકલ શાળામાં જોડાયા અને તુલનાત્મક અને વિષુવવૃત્તીય તબીબી વિદ્યામાં સંશોધન કરવા માંડ્યા. સન 1939માં જ્હૉન એન્ડર્સે તેમને વિદ્યાર્થી તરીકે સ્વીકાર્યા અને વિષાણુ અંગેના સંશોધન તરફ વાળ્યા. તે સમયે તેમણે પેશીસંવર્ધન (tissue culture) અને ચેપી રોગો અંગે અભ્યાસ કર્યો. 1940માં તેમણે એમ.ડી.ની ઉપાધિ મેળવી અને બૉસ્ટનની બાળકોની હૉસ્પિટલમાં જોડાયા. સન 1942માં બીજા વિશ્વયુદ્ધ વખતે લશ્કરમાં જોડાયા અને તેમાં 32 મહિના કામ કર્યું. ત્યાં તેઓ જીવાણુવિદ્યા, વિષાણુવિદ્યા તથા પરોપજીવવિદ્યા વિભાગના વડા તરીકે રહ્યા અને મૅજરની કક્ષાએ પહોંચ્યા. ત્યારબાદ તેઓ બૉસ્ટનની બાળકોની હૉસ્પિટલમાં આવ્યા અને સન 1947માં ડૉ. એન્ડર્સ સાથે બાળકો માટેના તબીબી કેન્દ્રના નવા ચેપી રોગો પરના સંશોધનકેન્દ્રમાં જોડાયા. સન 1949માં તેના મદદનીશ નિયામક બન્યા. ત્યારબાદ તેઓ તુલનાત્મક રુગ્ણવિદ્યા (comparative pathology) અને સમોષ્ણકટિબંધીય ચિકિત્સાવિદ્યાના વિભાગમાં જોડાયા. સન 1954ના જુલાઈમાં તેઓ સમોષ્ણકટિબંધીય જાહેર આરોગ્યના પ્રાધ્યાપક અને વડા બન્યા.

થૉમસ હકલ વેલર

તેમના સંશોધનકાર્યમાં તેમણે માનવમાં અધિવાસ (infestation) કરતા કૃમિઓ અને વિષાણુઓ અંગે ખાસ રસ કેળવ્યો હતો. તેમણે ટ્રી. સ્પાઇરાસિસ નામના કૃમિ વિશે વિશેષ સંશોધન કર્યું હતું. તેમણે માણસને થતા શિષ્ટોસોમિયાસિસ નામના પરોપજીવથી થતા રોગના નિદાનમાં પણ ઉપયોગી સંશોધન કર્યું હતું. તેમણે અછબડા તથા સ્ફોટોદક ચેતાપટ્ટક(herpes zoster)ના વિષાણુને પ્રથમ વખત અલગ પાડી બતાવ્યો અને પ્રયોગશાળામાં એ પણ દર્શાવ્યું કે એ એક જ વિષાણુ બંને રોગો કરે છે. તેમણે ગર્ભશિશુ તથા નવજાતશિશુમાં કોષ-બૃહદંતિલ દ્રવ્ય(cytomegalo inclusion)-વાળા રોગનો વિષાણુ ઓળખી બતાવ્યો અને દર્શાવ્યું કે તે ગર્ભશિશુમાં ચેપ કરે છે. જો ગર્ભ તે ચેપ વખતે બચી જાય અને જન્મ થાય તો તે નવજાતશિશુના મગજને નુકસાન થયેલું હોય છે. તેને માનસિક અલ્પવિકસન (mental retardation) અને મસ્તિષ્કી ઘાત (cerebral palsy) થાય છે. ત્યારબાદ તેમણે છાતીમાં દુખાવાનો વ્યાપક રોગ કરતા કોકસેકિ વિષાણુ તથા ટોક્સૉપ્લાઝમા ગોન્ડિ અંગે પણ સંશોધન કર્યું હતું. તેઓ કૅથલીન ફેહી સાથે 1945માં પરણ્યા હતા અને તેનાથી તેમને પીટર તથા રૉબર્ટ એન્ડ્રૂ નામે 2 પુત્રો તથા જેનીટ અને નેન્સી નામે પુત્રીઓ થઈ હતી.

શિલીન નં. શુક્લ