વેરિયર, એલ્વિન (Verrier Elwin) (જ. 29 ઑગસ્ટ 1902, ડોવર, ઇંગ્લૅન્ડ; અ. 22 ફેબ્રુઆરી 1964, નવી દિલ્હી) : ભારતની સ્વતંત્રતાની લડતના સક્રિય કાર્યકર, નૃવંશશાસ્ત્રી અને ભારતના આદિવાસીઓની જીવનપ્રણાલીના અઠંગ અભ્યાસી. તેમનો જન્મ ઇંગ્લૅન્ડના એક ધાર્મિક પરિવારમાં થયો હતો. પિતા પાદરી હતા. તેમણે ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય અને ધર્મવિજ્ઞાન આ બંને વિષયોમાં પ્રથમ શ્રેણી સાથે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. શેક્સપિયરના સાહિત્યના અભ્યાસ માટે તેમને ચાર્લ્સ ઑલ્થહૅમ શિષ્યવૃત્તિ મળી હતી અને તેમાં ઉચ્ચ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે તેમને મૅથ્યૂ આનૉર્લ્ડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. થોડોક સમય ઇંગ્લૅન્ડની એક શાળામાં આચાર્યપદે કામ કર્યા પછી તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા હતા, જ્યાં તેમને ભારતમાં નૃવંશક્ષેત્રના અભ્યાસ અને સંશોધન માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યાં હતાં. તેમની માતાનો જન્મ ભારતમાં થયેલો હોવાથી ભારત પ્રત્યે તેમને જન્મજાત આત્મીયતા હતી. આ રીતે 1927માં તેઓ ભારત આવ્યા અને પુણે ખાતેના ખ્રિસ્તી સેવાસંઘમાં જોડાયા, જ્યાંના સેવાકાર્યમાં તેમને કોઈ ખાસ રસ ન પડવાથી ત્યાંથી તેઓ મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદમાં પ્રસ્થાપિત સાબરમતી આશ્રમમાં આવ્યા. ગાંધીજીની સલાહથી તેમણે તેમનું સંપૂર્ણ જીવન આદિવાસીઓની સેવા તથા અધ્યયનમાં વ્યતીત કર્યું. દરમિયાન તેઓ ઠક્કરબાપાના સંપર્કમાં આવ્યા, જેમની પ્રેરણાથી આદિવાસીઓ ઉપરાંત હરિજનોની સેવા કરવા માટે તેમની વસ્તીઓમાં સક્રિય રહ્યા. સમયાંતરે સરદાર વલ્લભભાઈ પટેલના સંપર્કમાં આવ્યા જેના પરિણામે ભારતના સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાયા. સરદાર પટેલના નેતૃત્વ હેઠળના બારડોલી આંદોલન પર તેમણે ‘ધ ડિસ્ટર્બ્ડ ગુજરાત વિલેજ’ શીર્ષકથી એક પુસ્તક પણ લખી દીધું. ત્યાર બાદ પેશાવરના પઠાણ આંદોલનના આધારે તેમણે ‘ધ ડૉન ઑવ્ ઇન્ડિયન ફ્રીડમ’ નામનું પુસ્તક લખ્યું.
ત્યારબાદ તેઓ સ્વદેશ પાછા ગયા. ત્યાંથી પાછા ભારત આવવા માટે બ્રિટિશ સરકારે તેમના પર ભારતના સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ ન લેવાની શરત મૂકી; છતાં તેઓ ભારત પાછા આવ્યા અને સંશોધન-કાર્યમાં જોડાઈ ગયા. 1940માં તેઓ બસ્તર રાજ્યના માનાર્હ એથ્નૉગ્રાફર નિમાયા. પાંચ વર્ષ પછી ઓરિસા સરકારે નૃવંશશાસ્ત્રી તરીકે તેમની નિમણૂક કરી.
આદિવાસીઓની જીવનપ્રણાલીનો અભ્યાસ કરવા માટે તેઓ મહાકોશલના બેતુલ અને પાટણગઢ ખાતે જઈને રહ્યા જ્યાં તેઓ વિશ્વવિખ્યાત નૃવંશશાસ્ત્રી જે. સી. હેડનના સંપર્કમાં આવ્યા જેમના માર્ગદર્શન હેઠળ તેમણે જુદા જુદા આદિવાસી સમુદાયોનો અભ્યાસ કર્યો. તેમના આ અભ્યાસ દરમિયાન તેમણે પરધાન બૈગા, અગરિયા, મારિયા, મુરિયા, કુટિયા, કોંડ, બૌંડ જેવા આદિવાસી સમુદાયો આવરી લીધા હતા. પાટણગઢમાં તેઓ રક્તપિત્તિયાઓ માટે એક સારવારકેન્દ્ર પણ ચલાવતા હતા. 1952માં અસમના તત્કાલીન રાજ્યપાલના આમંત્રણથી તેઓ ત્યાં ગયા, જ્યાં તેમણે મણિપુર અને અસમના નેફા પ્રદેશની અનુસૂચિત જનજાતિઓનો અભ્યાસ કરી કેટલાંક પુસ્તકો લખ્યાં હતાં. તેમણે અનુસૂચિત જાતિ અને આદિમ જાતિ કમિશનમાં સચિવ તરીકે પણ સેવાઓ આપી હતી અને તે અંગેનો અહેવાલ તેમણે 1960માં સરકારને સુપરત કર્યો હતો. આદિવાસીઓની બાબતોના સલાહકાર તરીકે પણ તેમણે ભારત સરકારને સેવાઓ આપી હતી. ભારતમાં અનુસૂચિત જનજાતિઓની સમસ્યાના ઉકેલ રૂપે તેમણે ‘નૅશનલ પાર્ક’ની સ્થાપના કરી હતી જેના દ્વારા આ જાતિઓની કેટલીક વિશિષ્ટતાઓ પર પ્રકાશ પાડી શકાય. તેમણે પંડિત જવાહરલાલ નહેરુની સરકારની આદિવાસીઓ અંગેની નીતિઓના ઘડતર તથા અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે મૈકલ ડુંગરાળ વિસ્તારમાં ભૂમિજન સેવામંડળની સ્થાપના કરી હતી અને મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં વસવાટ કરીને ત્યાંના આદિવાસીઓની સેવા કરી હતી. આદિવાસીઓની જીવનપ્રણાલીનો અભ્યાસ કરતી વેળાએ તેમણે નૃવંશશાસ્ત્રના, સમાજસેવાના તથા ધર્મ અને સાહિત્યના વિવિધ દૃષ્ટિકોણનો અભિગમ અપનાવ્યો હતો. અંગ્રેજી ભાષા પર તેમના પ્રભુત્વને કારણે તથા તેમની લખવાની રુચિપૂર્ણ શૈલીને કારણે તેમનાં લખાણો અને ગ્રંથો ખૂબ જ પ્રશંસનીય ઠર્યાં હતાં. આદિવાસીઓના જીવન પર તેમણે કેટલીક નવલકથાઓ પણ લખી છે. ‘ધ બૈગા’ શીર્ષક હેઠળના તેમના ગ્રંથ માટે ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ડૉક્ટરેટની પદવી એનાયત કરી હતી.
ઉછરંગરાય ઢેબરના અધ્યક્ષપણા હેઠળ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનો અભ્યાસ કરવા માટે ભારત સરકારે 1960માં નીમેલા પંચના સભ્યપદે એલ્વિન વેરિયરની વરણી કરવામાં આવી હતી. આ પંચનો અહેવાલ તૈયાર કરવામાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. આ અહેવાલના સારાંશ રૂપે તેમણે એક પુસ્તક પણ લખ્યું હતું. ઉપરાંત, આદિવાસી વિકાસ ઘટકોના કાર્યનું મૂલ્યાંકન કરવા માટે ભારત સરકારે એલ્વિન વેરિયરના પ્રમુખપણા હેઠળ એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ તે અંગે મૌલિક સૂચનો અને ભલામણો કર્યાં હતાં. આદિવાસી વિસ્તારમાં કામ કરનાર લોકો માટે તે ખૂબ જ ઉપયોગી નીવડ્યા હતા.
1953માં એલ્વિન વેરિયરે ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું. 1961માં તેમણે દિલ્હી ખાતે સરદાર પટેલ સ્મૃતિવ્યાખ્યાનો આપ્યાં હતાં.
એલ્વિન વેરિયરે કરેલા સંશોધન માટે તેમને અનેક ચંદ્રકો અને પારિતોષિકો એનાયત થયાં હતાં. દા. ત., 1942માં રૉયલ ઍન્થ્રૉપોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વેલકમ ચંદ્રક, બંગાળ એશિયાટિક સોસાયટી દ્વારા 1945માં રૉય સુવર્ણચંદ્રક, બૉમ્બે એશિયાટિક સોસાયટી દ્વારા 1947માં ચંદ્રક, 1948માં રેવર્સ ચંદ્રક, 1951માં એનનડેલ ચંદ્રક, 1960માં કૅમ્પબેલ સુવર્ણચંદ્રક તથા 1961માં ‘દાદાભાઈ નવરોજી પારિતોષિક’, 1961માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ ખિતાબથી નવાજ્યા હતા.
તેમણે કરેલી વિપુલ ગ્રંથરચનામાં સમાવિષ્ટ થાય છે : ‘ફૂલ મૅટ ઑવ્ ધ હિલ્સ’ (1936), ‘ધ બૈગા’ (1939), ‘મારિયા મર્ડર ઍન્ડ સૂઇસાઇડ’ (1943), ‘મિથ ઑવ્ મિડલ ઇન્ડિયા’ (1947), ‘બૉન્ડો હાયલૅન્ડર’ (1950), ‘ધ ટ્રાઇબલ આર્ટ ઑવ્ મિડલ ઇન્ડિયા’ (1951), ‘ધ લૉસ ઑવ્ ધ નવર્ઝ’ (1952), ‘ટ્રાઇબલ મિથ ઑવ્ ઓરિસા’ (1954), ‘ધ રિલિજ્યન ઑવ્ ઍન ઇન્ડિયન ટ્રાઇબ’ (1955), ‘અ ફિલૉસૉફી ફૉર નેફા’ (1959) તથા ‘લાઇવ્ઝ ફ્રૉમ ધ જંગલ’ (1963).
હર્ષિદા દવે