વેમારાજુ, ભાનુમૂર્તિ (ભાસ્કરાચાર્ય)

February, 2005

વેમારાજુ, ભાનુમૂર્તિ (ભાસ્કરાચાર્ય) (. 25 ડિસેમ્બર 1923, વડ્ડીપેરરુ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેઓ આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. થયા પછી માસિક ‘સન્ડે સિન્ડિકેટ ઍન્ડ પાર્લમેન્ટરી એરા’ના મુખ્ય સંપાદક રહ્યા. ત્યારબાદ ભારત સરકારના જાહેર સંપર્ક નિયામક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ 1993 સુધી ઑલ ઇન્ડિયા બ્રાહ્મણ મહાસભા, નવી દિલ્હીના પ્રમુખપદે રહ્યા.

તેમણે 60થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વિજ્ઞાનદર્શની’; ‘સાયન્સ-કથા’; ‘શબ્દપ્રપંચમ્’; ‘રાયલુ કથા’ (તમામ લોકપ્રિય વિજ્ઞાનના ગ્રંથો); ‘તોલી માનવુલુ’ (માનવશાસ્ત્ર, અનુવાદ); ‘જુડી ઍન્ડ લક્ષ્મી’, ‘નિમજ્જ્નમ્’ (બંને નવલકથાઓ, અનુવાદ); ‘ગુરુનાનક’, ‘ગુરુ ગોવિંદસિંગ’, ‘ગુરુ તેગબહાદુર’ (તમામ જીવનચરિત્રો) અને ‘ગુરુ ગ્રંથસાહેબ’ (તેલુગુમાં અનુવાદ) તેમની ઉલ્લેખનીય કૃતિઓ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને જવાહરલાલ નેહરુ નૅશનલ સૉલિડૅરિટી ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો અને 1975માં વર્લ્ડ તેલુગુ કૉન્ફરન્સ દ્વારા અને 1977માં વર્લ્ડ શીખ કૉન્ફરન્સ દ્વારા તેમને સન્માનિત કરાયા. વળી સરોપા અને કિરપાણ વડે અનેક શીખ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

બળદેવભાઈ કનીજિયા