વેબર, કાર્લ મારિયા ફૉન (જ. 18 નવેમ્બર 1786, યુટીન, જર્મની; અ. 5 જૂન 1826, લંડન, બ્રિટન) : જર્મન રોમૅન્ટિક સંગીતકાર અને જર્મન રોમૅન્ટિક ઑપેરાનો સ્વરનિયોજક.
સંગીત અને નાટ્યક્ષેત્રે કારકિર્દી ધરાવતા સભ્યોવાળા પરિવારમાં વેબર જન્મેલો. માતા જિનોવેફા ગાયિકા હતી. કાકાની છોકરી આલોઇસિયા પણ સોપ્રાનો (તારસપ્તકોમાં) ગાયિકા પ્રિમા ડોના (ઑપેરા સ્ટાર) હતી, જે થોડા સમય માટે મહાન યુરોપિયન સંગીતકાર મોત્ઝાર્ટના પ્રેમમાં હતી. વેબર જન્મથી જ સાવ માંદલો રહેતો હતો. જન્મથી જ એનો એક કૂલો પણ ક્ષતિગ્રસ્ત હતો, જેને કારણે આખી જિંદગી તે ખોડંગાતો ચાલતો હતો. બાળપણથી જ સંગીતની શક્તિઓ તેણે બતાવેલી તેથી પિતાએ તેને જુદા જુદા સંગીતશિક્ષકો પાસે સંગીતના શિક્ષણની વ્યવસ્થા કરી આપેલી. એમાં એક શિક્ષક મહાન સંગીતકાર જૉસેફ હાયડનનો ભાઈ માઇકલ હાયડન પણ હતો. એની દેખરેખ હેઠળ જ વેબરે પ્રથમ ઑપેરા ‘સેક્સ ફુગેટેન’ લખેલો.
એ પછીનો ઑપેરા છે ‘ડાસ વાલ્ડ્માડ્ખેન’ 1800માં જે પ્રથમ વાર ભજવાયેલો. આ ઑપેરા નિષ્ફળ ગણાય છે. ત્યારબાદ ઑગ્સબર્ગના પ્રીમિયર શોમાં એનો ત્રીજો ઑપેરા ‘પીટર શ્મોલ ઉન્ડ સીની નૅખ્બાર્ન’ પણ નિષ્ફળ ગણાયો. એ પછી એણે સંગીતકાર એબી વૉગ્લર હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1804માં બ્રૅસ્લો (હવે વ્રૉકલો) ઑપેરાના દિગ્દર્શક તરીકે વેબરની નિમણૂક થઈ. અકસ્માતે તેજાબ પી જતાં તેના ગળાનો અવાજ કાયમ માટે ખોખરો થઈ ગયો. બ્રેસ્લો ઑપેરાના દિગ્દર્શકપદેથી તેણે રાજીનામું આપ્યું. વૂર્ટન્મ્બર્ગના ડ્યૂક યુજિને પોતાના અંગત ઑર્કેસ્ટ્રાના દિગ્દર્શકપદે વેબરની નિમણૂક કરી. વેબરે હવે બે સિમ્ફનીઓ લખી. પરંતુ સંગીતનું આ સ્વરૂપ તેને ઝાઝું આકર્ષી શક્યું નહિ. તેનું પ્રિય સ્વરૂપ ઑપેરા હતું. એની અંગત જીવનશૈલી ખૂબ ખર્ચાળ બની, એ દેવાના ડુંગરો હેઠળ દબાઈ ગયો અને દેવાળું ફૂંકવા બદલ તેને જેલની હવા ખાવી પડી. 1810માં ફ્રૅન્કફર્ટમાં તેનો પ્રથમ સફળ ઑપેરા ‘સિલ્વાના’ ભજવાયેલો.
ત્યારબાદ મેન્હીમ જઈ વેબરે પિયાનિસ્ટ અને ગિટારિસ્ટ તરીકેની સફળ કારકિર્દી આરંભી. રોમૅન્ટિક સંગીત વિશે સિદ્ધાંતો પ્રકાશિત કર્યા. જર્મન ઑપેરા-કમ્પોઝર મેયર્બિયર સાથે તેની મુલાકાત પણ થઈ. મેન્હીમનિવાસ દરમિયાન તેણે લખેલી કૃતિઓમાં ‘ગ્રાન્ડ કન્સર્ટો નં. 1 ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ (ઓપસ 11) તથા એકાંકી ઑપેરા ‘અબુ હસન’નો સમાવેશ થાય છે. ઑપેરા ‘અબુ હસન’નો પ્રીમિયર શો મ્યૂનિકમાં 1811માં થયેલો. ત્યારબાદ તે મ્યૂનિક ગયો, જ્યાં તેની મુલાકાત ક્લૅરિનેટવાદક હેઇન્રિખ બાર્માન સાથે થઈ. એની સાથે વેબરની દોસ્તી થઈ. એને માટે વેબરે ક્લૅરિનેટ માટેની છ કૃતિઓ લખી આપી. તેમાંથી બે કન્સર્ટો ફૉર ક્લૅરિનેટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા ખૂબ લોકપ્રિય થયા. ક્લૅરિનેટ ઉપરાંત હૉર્ન (રણશિંગું) પણ વેબરનું પ્રીતિપાત્ર વાજિંત્ર થઈ પડ્યું; હૉર્ન માટે પણ ઘણી કૃતિઓ લખી. એક પિયાનોવાદક તરીકેની તેની ખ્યાતિ એટલી બધી થઈ કે સર્વ દેશકાળના શ્રેષ્ઠ પિયાનોવાદકોમાં તેની ગણના થઈ. 1818 પછી તેણે સંગીતવિવેચનો પણ લખવા માંડ્યાં. તીખા ચાબખા મારતા તેનાં જલદ વિવેચનો દ્વારા તેના રોમૅન્ટિક આદર્શો શબ્દ રૂપે પ્રગટ થયા.
1813માં વેબર પ્રાહા ઑપેરાનો કંડક્ટર નિમાયો. પણ તેણે અમલમાં મૂકેલા સુધારાને વાદકોએ ફગાવી દેતાં તેણે 1816માં અહીંથી રાજીનામું મૂકવું પડ્યું. 1817માં ડ્રેસ્ડન ખાતેના જર્મન ઑપેરાના ડિરેક્ટરપદે તેની નિમણૂક થઈ. એ જ વર્ષે ઑપેરાગાયિકા કેરોલાઇન બ્રાન્ડ્ટ સાથે તેણે લગ્ન કર્યું. અહીં ભજવાતા ઑપેરાની પસંદગી, ગાયકોની ભરતી અને પસંદગી, વસ્ત્રભૂષા, પિછવાઈપડદા, પ્રકાશ-આયોજન તથા દરેક ગાયક તેનો પાઠ (રોલ) સમજે છે અને ગાવાના શબ્દોનો અર્થ સમજે છે કે નહિ તેની તેણે ખૂબ કાળજી લીધી. ડ્રેસ્ડનમાં જ તેણે ‘ઇન્વિટેશન ટુ ધ ડાન્સ’, ‘કૉન્સર્ટસ્ટ્ર’ તથા ઑપેરા ‘ડેર ફ્રી શુટ્ઝ’ લખ્યા.
1821માં આ ઑપેરાનો પ્રીમિયર શો બર્લિનમાં થયો અને એ જર્મન પ્રજાનો પ્રિય થઈ ગયો. જર્મન પ્રજાએ વેબરને પણ એક રાષ્ટ્રનાયક તરીકે ઓળખ્યો.
એ પછી એણે ઑપેરા ‘યુરિયાન્થે’ લખ્યો. આ ઑપેરામાં વેબરનાં અનુગામી સંગીતકાર વાગ્નરના સંગીતના ભણકારા સાંભળી શકાય છે. જોકે વિવેચકોને આ ઑપેરાનો લિબ્રેતો – પટકથા અને સંવાદો સુશ્ર્લિષ્ટ જણાયાં નથી. પણ તેમાં વેબરનું સંગીત લોકપ્રિય બન્યું છે.
ત્યારબાદ લંડનના કૉવેન્ટ ગાર્ડન ઑપેરાએ વેબરને ઑપેરા લખવાનું કામ આપ્યું. આ માટે લિબ્રેટિસ્ટ (પટકથા અને સંવાદો લખનાર) રોબિન્સન પ્લાન્શે પાસેથી વેબરે પત્રવ્યવહાર મારફતે ઇંગ્લિશ ભાષા શીખવાનું શરૂ કર્યું. ઇંગ્લિશ ઑપેરા લખવો હોય તો તે ભાષાનું પૂરું જ્ઞાન જરૂરી છે એવી તેની માન્યતા આની પાછળ હતી. 1826માં આ ઑપેરા ઑબેરોનનો પ્રીમિયર શો લંડનમાં થયો – એ માટે તે વખતે તે લંડન ગયેલો. આ ઑપેરા વેબરના સંગીતમાં સર્વશ્રેષ્ઠ ગણાયો છે. વેબરનું ત્યાં લંડનમાં સન્માન કરવામાં આવ્યું; પરંતુ તેની તબિયત ઝડપથી કથળતી જતી હતી. માંડ માંડ મહાપરાણે તે ઊભો રહી શકતો હતો અને ચાલવાની ક્ષમતા હવે રહી નહોતી અને ઘરે જર્મની પાછા ફરવાની તૈયારી શરૂ કરી, પણ તે પહેલાં જ તેનું મૃત્યુ થયું.
અમિતાભ મડિયા