વેપારની શરતો (Terms of Trade) : દેશમાંથી નિકાસ થતી ચીજોના ભાવાંકનો, દેશમાં આયાત થતી ચીજોના ભાવાંક સાથેનો ગુણોત્તર. એને એક સાદા સૂત્રરૂપે મૂકીને આ રીતે સમજી શકાય :
આ સૂત્રમાં Px1 જે તે વર્ષની નિકાસોનો ભાવાંક અને Pm1 જે તે વર્ષની આયાતોનો ભાવાંક દર્શાવે છે. ભાવોના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં એ અભિપ્રેત છે કે આ એક સાપેક્ષ માપ છે. ભારતમાં 1978-79ના વર્ષમાં નિકાસો તથા આયાતોના જે ભાવો હતા તેને 100નો આંક આપવામાં આવ્યો છે. તેની સરખામણીમાં 2001-02ના વર્ષમાં નિકાસોનો ભાવાંક 618 અને આયાતોનો ભાવાંક 492.9 હતો. સાદી ભાષામાં કહીએ તો 197879ની તુલનામાં 2001-02ના વર્ષમાં સરેરાશની રીતે ગણતાં નિકાસોના ભાવો છ ગણાથી અધિક અને આયાતોના ભાવો લગભગ પાંચ ગણા થયા હતા. ઉપરના સૂત્ર અનુસાર વેપારની શરતોનો આંક આ પ્રમાણે નીકળે છે :
[ઉપરના સૂત્રમાં 0 સંજ્ઞાના પાયાના વર્ષનો નિર્દેશ કરે છે.] આમ પાયાના વર્ષનો ભાવાંક હમેશાં 100 જ હોય.
1978-79ની તુલનામાં 2001-02માં દેશની વેપારની શરતોનો આંક 125.4 હતો, એનો અર્થ એ થાય કે દેશની વેપારની શરતોમાં 25 ટકાનો સુધારો થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો દેશને 1978-79માં તેના વિદેશવેપારમાંથી જે લાભ મળતો હતો તેમાં 2001-02ના વર્ષમાં લગભગ 25 ટકાનો વધારો થયો હતો, જોકે 1978-79માં દેશને તેના વિદેશવેપારમાંથી કેટલો લાભ મળતો હતો તે માપી શકાતો નથી. આ લાભને બીજી રીતે સમજી શકાય. 1978-79ની તુલનામાં 2001-02ના વર્ષમાં દેશની આયાતોના ભાવ એકંદરે જેટલા વધેલા હતા, તેની સરખામણીમાં નિકાસોના ભાવો વિશેષ વધ્યા હોવાથી આયાતોના પૂર્વવત્ (1978-79ના) જથ્થા માટે દેશને લગભગ 25 ટકા ઓછી નિકાસો કરવી પડે અથવા પૂર્વવત્ (1978-79ના) જથ્થાની નિકાસોના બદલામાં દેશ 25 ટકા વધુ આયાતો કરી શકે.
દેશની વેપારની શરતોનો આંક 100થી વધે એને દેશ માટે અનુકૂળ ફેરફાર ગણવામાં આવે છે; કેમ કે, ઉપર દર્શાવ્યું છે તેમ, એ વેપારમાંથી મળી રહેલા લાભમાં વધારો સૂચવે છે અને એ આંક 100થી ઘટે તેને પ્રતિકૂળ ફેરફાર ગણવામાં આવે છે; કેમ કે, તે વેપારમાંથી મળતા લાભમાં ઘટાડો દર્શાવે છે. [એનો અર્થ એવો નથી કે વેપારમાંથી મળતો લાભ ઋણ થાય છે.] આ દૃષ્ટિએ જોઈએ તો 1969-70થી 2001-02ના લગભગ ત્રણ દસકા દરમિયાન સાત વર્ષો વેપારની શરતો દેશ માટે પ્રતિકૂળ હતી, બાકીનાં 25 વર્ષો દરમિયાન તે દેશ માટે અનુકૂળ હતી. વેપારની શરતોનો સહુથી નીચો આંક 1980-81ના વર્ષમાં 80.8 હતો, જ્યારે સહુથી વધુ આંક 1994-95ના વર્ષમાં 152.4 હતો. 1983-84 પછીનાં તમામ વર્ષોમાં વેપારની શરતો દેશ માટે અનુકૂળ રહેવા પામી છે.
ઉપર વેપારની શરતોના જે ખ્યાલની ચર્ચા કરવામાં આવી છે તેને અર્થશાસ્ત્રીય પરિભાષામાં વસ્તુવિનિમયદર (commodity terms of trade) કહેવામાં આવે છે. વેપારમાંથી મળતા લાભની જુદી રીતે વ્યાખ્યા કરીને તેમાં થતા ફેરફારોને માપવા માટે અર્થશાસ્ત્રીઓએ વેપારની શરતોના બીજા ખ્યાલો રજૂ કર્યાં છે, પરંતુ સૈદ્ધાંતિક ચર્ચા કે વ્યવહારમાં એ ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
બદરીપ્રસાદ ભટ્ટ