વેન્ડેન, માઇક (જ. 17 નવેમ્બર 1949, લિવરપૂલ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના તરણ-ખેલાડી. 1968ના ઑલિમ્પિકના રમતોત્સવમાં 100 મી. તથા 200 મી. ફ્રીસ્ટાઇલ – એ બંને સ્પર્ધામાં છ-દશાંશના તફાવતથી તેઓ વિજેતા બન્યા. તેઓ ‘સ્વિમિંગ મશીન’ તરીકે ઓળખાતા. વળી ઑસ્ટ્રેલિયન રિલે ટીમમાં રજત અને કાંસ્યચંદ્રક પણ તેમણે જીત્યા હતા. ટૂંકા અંતરના તરણમાં તેમણે 52.2નો વિશ્વઆંક નોંધાવ્યો હતો. તેમની 200 મી.ની સ્પર્ધા ઉત્કૃષ્ટ હતી, કારણ કે તેમાં બહુ જ ઝડપી સ્ટ્રૉક હતા.
કૉમનવેલ્થ રમતોમાં તેઓ ઉપરાઉપરી 13 ચંદ્રકો જીત્યા હતા; તેમાંથી 9 તો સુવર્ણચંદ્રક પ્રત્યેક રમતોત્સવમાં 100 મી. માટેના હતા. તેમણે 1966, 1970 અને 1974ના રમતોત્સવ તથા 1970માં 200 મી. અને 5 રિલે વિનમાં ભાગ લીધો હતો. 1973માં પ્રથમ વિશ્વ-ચૅમ્પિયનશિપમાં તેઓ 100 મી. કાંસ્યચંદ્રક જીત્યા. તેમને ‘ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ ઍમ્પાયર’નો ખિતાબ મળ્યો હતો.
મહેશ ચોકસી