વેન્ડલ (જાતિ) : પ્રાચીન કાળમાં યુરોપીય વિસ્તારમાં વસતી જર્મન ટોળીઓમાંની એક ટોળી. પ્રાચીન સમયના લેખકો બધી જ ટ્યૂટોનિક ટોળીઓના સમૂહને માટે ‘વેન્ડલ’ શબ્દપ્રયોગ કરતા હતા. રોમન ઇતિહાસકાર પ્લિનીએ વેન્ડલોનો બર્ગન્ડી અને ગોલ પ્રદેશમાં વસતી જાતિ તરીકે ઉલ્લેખ કર્યો છે. સમ્રાટ ઓરેલિયનના શાસન દરમિયાન વેન્ડલોએ પાનોનિયા ઉપર આક્રમણ કર્યું હતું અને પ્રોબસના શાસન દરમિયાન વેન્ડલો ડેસિયામાં લડ્યા હતા. સમ્રાટ કૉન્સ્ટન્ટાઇન-1ના શાસન દરમિયાન ગૉથ રાજા ગેબ્રિક સામે વેન્ડલો હાર્યા અને તેમનો રાજા વિસિમર મરાયો તે પછી તેઓ રોમન સામ્રાજ્યના પાનોનિયામાં વસ્યા હતા.
પાનોનિયાથી વેન્ડલો ઈ. સ. 406માં પશ્ચિમ તરફ ખસ્યા અને રહાઇન નદી ઓળંગી ગૉલ પ્રદેશ તરફ ગયા, પરંતુ ફ્રાન્કો સામે હાર્યા અને ગૉલમાં વસી શક્યા નહિ. તેમનો રાજા ગુન્ડેરિક તેમને સ્પેન લઈ ગયો, જ્યાં બે ભાગમાં તેઓ વસી ગયા અને બે નામે ઓળખાયા, એસ્ડિન્જિયન વેન્ડલ અને સિલિન્જિયન વેન્ડલ. અનુક્રમે તેઓ ગેલિશિયા અને એન્ડેલુસિયામાં વસ્યા. ઈ. સ. 428 આસપાસ વેન્ડેલોનું બીજું સ્થળાંતર થયું અને સમગ્ર વેન્ડલ જાતિ સ્પેન છોડીને આફ્રિકા જઈને ત્યાં વસી. તેમને સ્પેન લઈ આવનાર રાજા ગુન્ડેરિક મૃત્યુ પામેલો અને તેનો ઓરમાન ભાઈ ગેઇસેરિક (Gaiseric) વેન્ડલોનો રાજા બનેલો. તેણે પચાસ વર્ષ કૉન્સ્ટૅન્ટિનોપલ અને રોમમાં આતંક ફેલાવેલો. ઈ. સ. 428 મેમાં તેણે સમગ્ર વેન્ડલ પ્રજાને એન્ડાલુસિયા કાંઠે ભેગી કરી અને પુરુષોની વસ્તીગણતરી કરી, જે એંસી હજાર થયા. પછી આફ્રિકાથી બોનિફસિયસે મોકલેલાં વહાણોમાં વેન્ડલો આફ્રિકા પહોંચ્યા. રોમન આફ્રિકા ઉપર અધિકાર સ્થાપવા વેન્ડલો રોમનો સામે સંઘર્ષમાં ઊતર્યાં. અંતે ઈ. સ. 435માં રોમન સમ્રાટ વૅલેન્ટાઇનિયન-3 અને વેન્ડલ રાજા ગેઇસેરિક વચ્ચે સંધિ થઈ. રોમનો પાસે કાર્થેજનો નાનકડો પ્રાંત રહ્યો અને છ આફ્રિકન પ્રાંતો રોમનોએ વેન્ડલો માટે ખાલી કર્યા. પાછળથી વેન્ડલ રાજા ગેઇસેરિકે સંધિ ભંગ કરીને રોમનોનું કાર્થેજ પણ લઈ લીધું (ઈ. સ. 439, ઑક્ટોબર 19). ગેઇસેરિકે કાર્થેજને ચાંચિયાગીરીના મુખ્ય કેન્દ્ર તરીકે અને નૌકામથક તરીકે વિકસાવ્યું. તેને લઈને જ વેન્ડલો ત્યારપછી ત્રીસ વર્ષે ભૂમધ્યસાગર વિસ્તારમાં નૌકા-તાકાત બની રહ્યા. ઈ. સ. 455માં વેન્ડલોએ રોમ ઉપર આક્રમણ કરીને ચૌદ દિવસ લૂંટ્યું અને સમ્રાટ વૅલેન્ટાઇનિયનની વિધવા યુડોસિયા અને બે પુત્રીઓને પણ બંદી બનાવી લઈ ગયા.
વેન્ડલો અને રોમનો વચ્ચે દુશ્મનાવટનો એક મુદ્દો રોમનોનો કૅથલિક ખ્રિસ્તી સંપ્રદાય પણ હતો. આફ્રિકામાંનાં તેમનાં દેવળો ખાલી પડ્યાં હતાં, કારણ કે વેન્ડલોએ કૅથલિક બિશપોને તગેડી મૂક્યા હતા. આ બાબતે ગેઇસેરિક સાથે રોમન સમ્રાટને ઈ. સ. 476માં સમાધાન થયું હતું, પરંતુ પરિસ્થિતિ સુધરી નહિ; કારણ કે પાછળથી વેન્ડલોના રાજા તરીકે શાસન કરનાર હિલ્ડેરિક (ઈ. સ. 523-531) કૅથલિક બન્યો હતો અને આફ્રિકાનાં દેવળોે માટે બિશપોને બોલાવ્યા હતા. તેનું પરિણામ એ આવ્યું કે તેના ભત્રીજા ગેલિમરે તેને પકડીને જેલમાં નાખ્યો અને પાછળથી વધ કર્યો.
વેન્ડલ સામ્રાજ્યનો નાશ કરવાના હેતુથી ગેલિમર(ઈ. સ. 531-34)ના શાસન દરમિયાન રોમન સમ્રાટે બેલિસેરિયસના નેતૃત્વમાં શક્તિશાળી સૈન્ય મોકલ્યું (ઈ. સ. 533). રોમનો પ્રથમ સાર્ડિનિયા અને પછી કાર્થેજ તરફ ગયા, જ્યાં ગેલિમર હાર્યો. સાર્ડિનિયાથી ગેલિમરનો ભાઈ ઝાઝો (Tzazo) આવ્યો પણ સફળતા ન મળી. ગેલિમર નાસીને પેપુઆના પર્વતીય ગઢમાં ભરાયો, જે નુમીડિયાની સરહદે આવેલો હતો. અંતે વેન્ડલોનો સંપૂર્ણ પરાજય થયો. હજારોને બંદી બનાવી કૉન્સ્ટૅન્ટિનોપલ લઈ જવાયા. રોમનોએ પકડાયેલા વેન્ડલોના ઘોડેસવારોની પાંચ ટુકડીને પાર્થિયનો સામે લડવા મોકલેલી તેમાંથી 500 સવારો ભાગ્યા અને બળવો કર્યો. ઈ. સ. 536માં રોમન સેનાપતિ બેલિસેરિયસે બળવો દબાવી દીધો. ત્યારપછી ઇતિહાસમાંથી વેન્ડલો અશ્ય થઈ ગયા હતા.
મોહન વ. મેઘાણી