વેદી, દિલીપચન્દ્ર (. 24 માર્ચ 1901, આનંદપુર, પંજાબ; . ?) : શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક તથા વિદ્વાન. તેઓ શ્રીગુરુ નાનકદેવના વંશજ હતા. પિતા સંતરામ વ્યાપાર કરતા હતા અને ધનાઢ્ય લોકોમાં તેમની ગણના થતી હતી.

દિલીપચન્દ્રે સંગીતનું પ્રાથમિક શિક્ષણ અમૃતસરમાં અને ત્યારબાદ તલબરાડી ઘરાનાના ઉસ્તાદ ઉત્તમસિંહજી પાસે લીધું હતું. આઠ વર્ષની ઉંમર સુધી તો તેમણે ધ્રુપદ, ખયાલ, ઠૂમરી, ભજન, ગઝલ વગેરે સંગીતશૈલીઓનું અધ્યયન પૂરું કર્યું હતું. ઉત્તમસિંહ પોતે સંગીતશાસ્ત્રના જ્ઞાતા હતા અને તેમણે ધ્રુપદ અને ખયાલ-ગાયનમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. 1918માં ખ્યાતનામ ખયાલ-ગાયક પં. ભાસ્કરબુવા બખલેનું શિષ્યત્વ તેમણે સ્વીકાર્યું અને 1922 સુધી તેમણે તેમની પાસેથી તાલીમ મેળવી. પછી તેમણે વડોદરામાં ઉસ્તાદ ફૈયાઝખાં પાસેથી તાલીમ મેળવી તથા વડોદરામાં મરાઠીમાં લખાયેલ સંગીતગ્રંથોનો અભ્યાસ કર્યો. મરાઠી ઉપરાંત પંજાબી, હિંદી, ઉર્દૂ, ગુજરાતી, અંગ્રેજી તથા સંસ્કૃત – એમ વિવિધ ભાષાઓમાં લખાયેલ સંગીતના ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો. તેઓ સંગીતકારો સાથે વાર્તાલાપ તેમજ શાસ્ત્રાર્થ પણ કરતા. આ બધાંને કારણે તેઓ એક વિદ્વાન શાસ્ત્રજ્ઞ કહેવાયા. ઉસ્તાદ અલ્લાદિયાખાં તથા હૈદરખાં પાસેથી પણ તેમણે તાલીમ મેળવી હતી.

તેમણે શરૂઆતમાં થોડાક સમય સુધી પતિયાલાના દરબારી ગાયક તરીકેનો હોદ્દો શોભાવ્યો હતો. પાછળથી તેઓ ભારતીય કલાકેન્દ્ર, નવી દિલ્હીની સંગીત-કૉલેજના ગાયનાચાર્ય થયા હતા.

એક વિદ્વાન સંગીતકાર તરીકે તેમણે અનેક ચન્દ્રકો તથા ઉપાધિઓ મેળવી હતી. 1927માં કરાંચીમાં સિંધ-સંગીત કૉન્ફરન્સ કમિટીએ તેમને ‘માહતાબે મૂસીકી’ તથા 1931માં ગુરુકુલ કાંગડી સંગીત સંમેલનમાં તેમને ‘સંગીત-શૃંગાર’ની ઉપાધિ આપી હતી. મૈસૂર રાજ્ય તરફથી તેમણે રચેલ રાગ ‘વેદી કી લલિત’ને પ્રથમ પુરસ્કાર મળ્યો હતો. 1934માં છઠ્ઠી અખિલ ભારતીય સંગીત પરિષદમાં તેમને પરિષદના સર્વશ્રેષ્ઠ ખયાલગાયક તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

બૅંગાલુરુ, ધારવાડ વગેરે સ્થળોએ પણ તેમનું સન્માન થયું હતું. 1938માં કોલકાતા કૉન્ફરન્સમાં તેમને ‘કિંગ વાજિદઅલી શાહ ગોલ્ડ મેડલ’ આપવામાં આવ્યો હતો. 1964માં ઑલ ઇન્ડિયા મ્યૂઝિક ટીચર્સ કૉન્ફરન્સમાં તેમને ‘સંગીતમહામહોપાધ્યાય’ની ઉપાધિ તથા માનપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. તેમના સંગીત-વિષયક લેખો તથા ભાષણોથી પણ તેમને ખૂબ પ્રતિષ્ઠા મળી હતી.

તેમના શિષ્યોમાં પં. હસનલાલ, પં. ભગવાનદાસ સેની, સંગીતાલંકાર, વિનોદકુમાર, એમ. આર. ગૌતમ, મદનલાલ બાલી, માણિક વર્મા, એસ. કે. બેનર્જી, લલિતા રામાનુજમ્, અનિતા રાયચૌધરી, પ્રો. પ્રાણનાથ, પ્રો. બાલી તથા શ્રી મોહનસિંહ પ્રમુખ છે.

નીના ઠાકોર