વેદી, ભીષ્મદેવ (જ. 1910, દિલ્હી; અ. 25 સપ્ટેમ્બર 1982, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિચક્ષણ ગાયક અને ‘સૂરદર્પણ’ વાદ્યના સર્જક. જન્મ દિલ્હીના સંપન્ન પરિવારમાં. પિતા શરૂઆતમાં દિલ્હી ખાતે અને ત્યારબાદ કોલ્હાપુર ખાતે ઇજનેર હતા. બાલ્યાવસ્થાથી શાસ્ત્રીય સંગીતમાં રુચિ પેદા થઈ. હાઈસ્કૂલની પરીક્ષા પસાર કર્યા પછી પરિવાર સાથે સંબંધ-વિચ્છેદ કરી નાની ઉંમરમાં મુરાદાબાદ ખાતે ઘણાં વર્ષો સુધી નિવાસ કર્યો. મુરાદાબાદમાં રામપુર દરબારની નિશ્રામાં અવારનવાર શાસ્ત્રીય સંગીતકારોના કાર્યક્રમો થતા, જેનો લાભ ભીષ્મદેવને મળતો રહ્યો, જેને કારણે સંગીતક્ષેત્રે તેમની પરિપક્વતા વધતી ગઈ.
શરૂઆતમાં તેમણે સિતાર વગાડવાની તાલીમ પંડિત નંદકિશોર પાસેથી પ્રાપ્ત કરી. મુરાદાબાદના નિવાસ દરમિયાન પંડિત લક્ષ્મીશંકર નાગરના આશ્રયમાં રહીને તેઓ શાસ્ત્રીય સંગીતની સાધના કરતા હતા. પંડિત બુલાકી તેમના સર્વપ્રથમ ગુરુ. કંઠ્ય સંગીતની સાથોસાથ તેમણે તબલાવાદનની શિક્ષા પણ પ્રાપ્ત કરી, જે માટે તેમણે રામપુરના લચ્છી ગુરુનું શિષ્યત્વ પ્રાપ્ત કર્યું હતું; પરંતુ ભીષ્મદેવને ઉન્નતિના શિખર પર પહોંચાડવાનો જશ મહિયરના પંડિત મહાદેવપ્રસાદને ફાળે જાય છે.
ઉત્તર ભારતના શાસ્ત્રીય સંગીતના મોટાભાગના ઘરાણાની ગાયકી તેમણે આત્મસાત્ કરી હતી અને દેશનાં જુદાં જુદાં નગરોમાં તેમણે તેનું પ્રદર્શન પણ કર્યું હતું. તેમણે તેમની પોતાની અભિનવ ગાયકીનો આવિષ્કાર કર્યો હતો, જે ભારતભરમાં પ્રતિષ્ઠિત ગણવામાં આવી હતી.
સિતાર, તબલા અને હાર્મોનિયમ જેવાં વાદ્યોના તેઓ કુશળ વાદક હતા. તેમણે એક અભિનવ હાર્મોનિયમનો આવિષ્કાર કર્યો હતો, જેમાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની 22 શ્રુતિઓ સામેલ કરવામાં આવી હતી. તેમણે ઘણાં વર્ષોના સંશોધન પછી ‘સૂરદર્પણ’ નામના વાદ્યનો આવિષ્કાર કર્યો હતો.
તેમણે શાસ્ત્રકાર આચાર્ય કૈલાસચંદ્રદેવ બૃહસ્પતિ(1918-79)ના સહયોગ સાથે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં પાયાનું સંશોધન કર્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે