વેડેલ સમુદ્ર : ઍન્ટાર્ક્ટિકા ભૂખંડમાં આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 70°થી 80° દ. અ. અને 10°થી 60° પ. રે. વચ્ચેનો 28 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો જળવિસ્તાર ઍટલાન્ટિક મહાસાગર સાથે સંકળાયેલો છે. તેની પશ્ચિમે ઍન્ટાર્ક્ટિકા દ્વીપકલ્પ, પૂર્વમાં પૂર્વ ઍન્ટાર્ક્ટિકાનો સમુદ્રકિનારો, દૂર દક્ષિણ તરફ ફિલ્શનેર(Filchner) અને રોનની બરફ-આચ્છાદિત ખંડીય છાજલીઓ આવેલી છે. ઍટલાન્ટિક મહાસાગરનાં ઊંડાણોમાંનું એક ઊંડાણ આ સમુદ્રના પ્રવેશદ્વારે સાઉથ સૅન્ડવિચ નજીક આવેલું છે. મોટેભાગે આ આખોય સમુદ્ર બરફ-આચ્છાદિત રહે છે.
અહીંની એક ઍન્ટાર્ક્ટિક ખંડીય છાજલીની લંબાઈ 480 કિમી. અને પહોળાઈ 240 કિમી. જેટલી છે, જ્યારે ખંડીય ઢોળાવની ઊંડાઈ 500 મીટર સુધીની છે. લ્યુટપૉલ્ડ(Luitpold)ને કિનારે આવેલી ખંડીય છાજલી પ્રમાણમાં સાંકડી છે. ઍન્ટાર્ક્ટિકાના અન્ય વિસ્તારો કરતાં અહીંની જીવસૃદૃષ્ટિ પણ ભિન્ન છે. અહીં પૅંગ્વિન, વેડેલ સીલ, પેટ્રેલ (સમુદ્રકાક = ધોળાં પીંછાંવાળું સમુદ્રપક્ષી) જોવા મળે છે. દુનિયાના સમુદ્ર-મહાસાગરોને તળિયે રહેલા ઠંડા પાણીના જથ્થા પૈકી અહીંના તળિયાનું પાણી વધુ ઠંડું છે. અહીંની સમુદ્રસપાટીના પ્રવાહો ઘડિયાળના કાંટાની દિશામાં વહે છે.
વિલિયમ નામના એક અભિયંતાએ 1820ના ફેબ્રુઆરીની 23મી તારીખે બ્રિટિશ જહાજ દ્વારા સર્વપ્રથમ વાર આ સમુદ્રમાં પ્રવેશવા પ્રયાસ કરેલો, પરંતુ ગ્રેહામ લૅન્ડના વાયવ્ય કિનારે બરફ વધુ હોવાથી તેઓ આગળ વધવામાં અસફળ રહેલા. તે જ વર્ષે રશિયાના વૉસ્ટોક જહાજ દ્વારા પણ પ્રયાસ થયેલો. 1823ના ફેબ્રુઆરીની 20મી તારીખે બ્રિટિશ સંશોધક અને સાહસિક જેમ્સ વેડેલે ‘જેન’ જહાજ દ્વારા દક્ષિણ ઑર્કની ટાપુઓને માર્ગે 74° 15´ દ. અ. અને 34° 17´ પ. રે. સ્થળે પહોંચવામાં સફળતા મેળવેલી. આ કારણે આ સમુદ્રનું નામ ‘વેડેલ સમુદ્ર’ પડ્યું છે.
1903-04ના વર્ષમાં સ્કૉટિશ રાષ્ટ્રીય ઍન્ટાર્ક્ટિક સંશોધન-સંસ્થા દ્વારા વિલિયમ એસ. બ્રુસે સ્કોટિયા જહાજ દ્વારા આ સમુદ્રમાં સંશોધન કર્યું. 1910-12ના અરસામાં જર્મન સાઉથ પોલ એક્સ્પિડિશન સંસ્થા દ્વારા વિલ્હેમ ફિલ્શનેર તેમજ 1914-17ના સમયગાળામાં બ્રિટિશ ઇમ્પીરિયલ ટ્રાન્સ-ઍન્ટાર્ક્ટિક એક્સ્પિડિશન સંસ્થા દ્વારા અર્નેસ્ટ શૅકલટને સંશોધનો કર્યાં. 1957-58ના આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક સંશોધન-વર્ષમાં પણ આ સમુદ્ર વિશે ગહન સંશોધન કરવામાં આવેલું.
નીતિન કોઠારી