વેગા, લૉપ દ (જ. 25 નવેમ્બર 1562, મૅડ્રિડ, સ્પેન; અ. 27 ઑગસ્ટ 1635, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ નાટ્યકાર. એમણે કોઈ પણ લેખક કરતાં સૌથી વિશેષ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. એકલા લૉપને અઢારસો જેટલાં નાટકો લખવાનું અને ‘ઑટોસ સેક્રામેન્ટેઇલ્સ’ નામે ચારસો ટૂંકાં ધાર્મિક નાટકો લખવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું. નાટ્યલેખનનો આ આંકડો અતિશયોક્તિભર્યો છે, પરંતુ સાહિત્યવિદ્વાનો એક વાત પર તો સહમત છે જ કે એમણે ચારસોથીયે વિશેષ નાટ્યકૃતિઓ આપી છે.
એ નાટ્યકૃતિઓને બે મુખ્ય પ્રકારમાં વહેંચી શકાય : એક પ્રકારમાં આવે છે ‘ક્લૉક ઍન્ડ સ્વૉર્ડ’ નાટકો. એ પ્રકારના નાટ્યસાહિત્યનું વસ્તુ સ્ત્રીપુરુષના સ્નેહસંબંધ પર આધારિત છે. અન્ય પ્રકાર ઐતિહાસિક નાટકોનો છે, એમાં ‘ધ બેસ્ટ મેયર ધ કિંગ’ (1616) તથા ‘ફ્યુએન્ટોવેજુના’(1619)નો સમાવેશ થાય છે. 1609માં એમણે ‘ન્યૂ આર્ટ ઑવ્ રાઇટિંગ’માં નાટ્યકલા વિશેનાં પોતાનાં નિયમો તથા મંતવ્યો રજૂ કર્યાં છે. નાટ્યકલા માટે સ્થળ, સમય તથા વસ્તુ એ ત્રણેયના ઐક્ય માટેનો જે પ્રાચીન સિદ્ધાંત હતો તેની એમણે અવગણના કરી. એમાં નાટ્યવસ્તુને અમુક નિર્ધારિત સમય અને સ્થળમાં સીમિત રહેવું પડતું હતું અને એ એમને માન્ય નહોતું.
એ સમયના સ્પેનમાં સામાજિક પ્રતિષ્ઠા તથા નીતિનિયમોના અમુક ખ્યાલો પ્રવર્તતા હતા. માનવસહજ આવેગો અને સંવેદનો સાથે એ ખ્યાલો સંઘર્ષમાં પરિણમતા હતા અને નાટકો માટે આવી પરિસ્થિતિનું આલેખન એ સર્વશ્રેષ્ઠ વિષય છે એવી એમની દૃઢ માન્યતા હતી.
સામાન્યત: એમના પાત્રસર્જનમાં આગવા વ્યક્તિત્વની ઊણપ વર્તાય છે; પરંતુ એમની શૈલી કાવ્યાત્મક છે અને એમાં પ્રસંગો તથા પરિસ્થિતિનું નિર્માણ રોમાંચક છે. તત્કાલીન નાટ્યકારો પર એમનું પ્રભુત્વ તથા અસર પ્રખરપણે દેખાતાં હતાં. સ્પેનના રાજકીય નાટકના સર્જક તરીકે એમને નવાજવામાં આવ્યા છે.
લૉપ ફેલીસ દ વેગા કાર્પિયોનું જીવન સાહસિક તથા સંઘર્ષમય હતું. એમના કેટલાક પ્રેમસંબંધોનો અંત દુ:ખદ બન્યો હતો. ખાસ કરીને મારિયા દ નેવોરેસ સાથેના એમના પરિણયનો કરુણ અંત આવ્યો હતો. 1614માં એમણે પાદરીનું સ્થાન ગ્રહણ કર્યું. ત્યારબાદ એ બંનેનું મિલન થયું હતું.
જયા જયમલ ઠાકોર