વેગડ, અમૃતલાલ ગોવામલ

February, 2024

વેગડ, અમૃતલાલ ગોવામલ (. 3 ઑક્ટોબર 1928, જબલપુર, મધ્યપ્રદેશ; અ.6 જુલાઈ 2018, જબલપુર) : હિંદી તથા ગુજરાતી લેખક. તેઓ માધાપર કચ્છના વતની હતાં. તેમણે કલાભવન, શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (1952) મેળવેલો. 1948થી 1953 દરમિયાન તેઓએ નંદલાલ બોઝ પાસેથી તાલીમ મેળવેલી. તેઓ નંદલાલબોઝ પાસેથી પ્રકૃતિ અને સુંદરતાનું આદર કરવાનું શીખેલા. તેઓ પાણીના રંગો અને ઓઈલ કલર દ્વારા ચિત્રો દોરતા પણ શીખેલાં. 1955માં તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. 1953થી જબલપુરમાં શાસકીય કલાનિકેતનમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કામગીરી કરી.

શાંતિનિકેતનના અભ્યાસ દરમિયાન થોડાં નિબંધો લખ્યાં જે ‘ઇન્ટ્રોડ્યુશિંગ અહિંસા ટુ ધ બેટલફિલ્ડ’નામે સંગ્રહ પ્રકાશિત થયો.  જે પછીથી ‘ગાંધી ગંગા’ પુસ્તકનો ભાગ બન્યો હતો.

તેમની પાસેથી ગુજરાતીમાં લોકવાર્તાઓ પણ મળી. જે ‘થોડું સોનું, થોડું રૂપુ’નામના સંગ્રહમાં સંગૃહિત થઈ છે. ‘અમૃતસ્ય નર્મદા’ અને ‘તીરે તીરે નર્મદા’ એ તેમના પુસ્તકોનો તેમણે જ અંગ્રેજી, મરાઠી અને બંગાળીમાં અનુવાદ કર્યા છે.

તેઓએ નર્મદાની પ્રથમ પરિક્રમા 49 વર્ષની ઉંમરે કરી હતી. છેલ્લી યાત્રા કરી ત્યારં તેમની ઉંમર 71 વર્ષની હતી. આ પરિક્રમા કરવામાં તેમને તેમના પત્નીનો સહકાર મળ્યો હતો. તેમણે પર્યાવરણક્ષેત્રે પણ કાર્ય કરેલું. નર્મદા અને અન્ય નદીઓમાં થતાં પ્રદૂષણ માટે અભિયાન ચલાવ્યું હતું.

તેમણે હિંદી તેમજ ગુજરાતીમાં ગ્રંથો આપ્યા છે. તેમના હિંદી ગ્રંથોમાં ‘બાપુ સૂરજ કે દોસ્ત’ (1969); ‘બાપુ કો દસ અંજલિયૉં’ (1969); ‘ભારત મેરા દેશ’ (1972)  આ તમામ જાણીતા નિબંધસંગ્રહો છે. ‘સૌંદર્ય કી નદી નર્મદા’ (1972) તેમનું પ્રવાસ-વર્ણન અંગેનું પુસ્તક છે.

ગુજરાતીમાં તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘નર્મદાનો પ્રવાસ’ (1990) અને ‘પરિક્રમા નર્મદામૈયાની’(1994)નો સમાવેશ થાય છે.

તેમની સાહિત્યસાધના બદલ તેમને 1972માં શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રાલય ઍવૉર્ડ; 1992માં મધ્ય પ્રદેશ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ઍવૉર્ડ; 1994માં મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ ઍવૉર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. તદુપરાંત તેમને ‘સૌંદર્યની નદી નર્મદા’ નામક તેમના ભ્રમણવૃત્ત બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા