વેઈસ, રેઈનર (Weiss, Rainer)
February, 2024
વેઈસ, રેઈનર (Weiss, Rainer) (જ. 29 સપ્ટેમ્બર 1932, બર્લિન, જર્મની) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. એ પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ કિપ થોર્ન અને બૅરી બેરીશ વચ્ચે વિભાજિત થયો હતો.
રેઈનર વેઈસના પિતા ડૉક્ટર હતા અને યહૂદી મૂળના હતા. માતા અભિનેત્રી અને ખ્રિસ્તી હતાં. નાઝી અત્યાચારોથી બચવા માટે તેમનું કુટુંબ જર્મનીથી ભાગી છૂટી અમેરિકામાં (યુ.એસ.એ.) સ્થાયી થયું. ન્યૂયૉર્કમાં શાળાકીય અભ્યાસ પૂરો કર્યા બાદ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં અભ્યાસ કરી 1955માં સ્નાતકની પદવી અને અહીંથી જ 1962માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી ટફ્ટસ (Tufts) યુનિવર્સિટીમાં બે વર્ષ તથા પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં બે વર્ષ પસાર કર્યા બાદ તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી (MIT)માં પાછા ફર્યા અને અહીં અધ્યાપન તથા સંશોધનમાં જોડાયા. તેમણે પોતાનો સમગ્ર કારકિર્દીકાળ MITમાંજ વ્યતીત કર્યો. તથા હાલમાં પણ તેઓ નિવૃત્ત પ્રાધ્યાપક તરીકે અહીં જ કાર્યરત છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વ્યાપક સાપેક્ષવાદના સિદ્ધાંતના પરિણામે ગુરુત્વાકર્ષણ-તરંગોના અસ્તિત્વની જાણકારી મળી. જ્યારે પણ અત્યંત દળદાર પદાર્થો પ્રવેગાત્મક ગતિ કરે છે, ત્યારે આ તરંગો 4-પારિમાણિક અવકાશ-સમય(દિકકાલ)માં ઉદભવે છે. આ તરંગો અત્યંત મંદ હોય છે, જેમને પારખવા માટે LIGO સંસૂચક (LIGO detector) વિકસાવવામાં આવ્યું. (Laser Interferometer Gravitational – wave Observatory) આ સંસૂચક દ્વારા ગુરુત્વાકર્ષણ તરંગોને લીધે ઉદભવતા, લંબાઈમાં થતા ફેરફારોને લેસર તકનીકી વડે માપવામાં આવે છે. આ સંસૂચકને વિકસાવવામાં રેઈનર વેઈસે મહત્વનું પ્રદાન કર્યું છે. 2015માં પ્રથમ વખત ગુરુત્વાકર્ષણ-તરંગોનું નિરીક્ષણ થયું હતું.
રેઈનર વેઈસને 2007માં બ્રહ્માંડવિજ્ઞાનનાં સંશોધનો માટે આઇન્સ્ટાઇન ઇનામ મળ્યું. તે ઉપરાંત તેમને ગ્રુબર ઇનામ, શૉ ઇનામ તથા ખગોળશાસ્ત્રમાં કાવ્લી ઇનામ પ્રાપ્ત થયાં છે. 2018માં તેમને અમેરિકન ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો. તેઓ બીજાં અનેક પારિતોષિકો/ ઇનામોથી સન્માનિત થયા છે.
પૂરવી ઝવેરી