વેઇટ–લિફ્ટિંગ : વધુમાં વધુ વજન ઊંચકવાની રમતકળા. તેને ‘લોખંડી રમત’ તરીકે ઓળખવામાં આવે છે. વેઇટ-લિફ્ટિંગ સ્પર્ધામાં સ્પર્ધકે વજનસહિતના બારને ‘ટૂ હૅન્ડ્ઝ સ્નૅચ’ તથા ‘ક્લીન ઍન્ડ જર્ક’ પદ્ધતિથી ઊંચકવાનો હોય છે. દરેક ઊંચક પ્રકારમાં સ્પર્ધકને ત્રણ તક આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ વેઇટ-લિફ્ટિંગ ફેડરેશનની સ્થાપના ફ્રાન્સમાં પૅરિસ મુકામે થઈ હતી અને સૌપ્રથમ ‘વિશ્વ વેઇટ-લિફ્ટિંગ ચૅમ્પિયનશિપ’ 1922માં યોજાઈ હતી. 1937ની સાલથી વિશ્વ-ચૅમ્પિયનશિપ દર વર્ષે યોજાય છે. 1936ની સાલ સુધી ફ્રાન્સ, ઑસ્ટ્રિયા અને જર્મની આ સ્પર્ધામાં આગળ પડતા દેશો હતા; પરંતુ 1936માં વિશ્વ-ચૅમ્પિયનશિપ ઇજિપ્તને ફાળે ગઈ અને 1938માં અમેરિકાએ વિશ્વ-ચૅમ્પિયન બની 1953 સુધી વિશ્વ-વિજેતા પદ જાળવી રાખ્યું. 1953માં રશિયા વિશ્વ-ચૅમ્પિયન બન્યું. આજે તો રશિયા ઉપરાંત પોલૅન્ડ અને બલ્ગેરિયાના વેઇટ-લિફ્ટરોએ પણ આ રમતમાં સારો દેખાવ કર્યો છે. 1896ના ઑલિમ્પિક્સમાં આ રમત ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ 1908માં કાઢી નાખવામાં આવી હતી અને ફરી 1920માં શામેલ કરવામાં આવી ત્યારથી આજદિન સુધી આ રમત ‘ઑલિમ્પિક્સ’માં નિયમિત રીતે રમાય છે. વિશ્વકક્ષાએ આ રમતનું સંપૂર્ણ નિયમન આંતરરાષ્ટ્રીય વેઇટ-લિફ્ટિંગ ફેડરેશન કરે છે, જેનું મુખ્ય મથક બ્રિટનમાં આવેલું છે. વેઇટ-લિફ્ટિંગની સ્પર્ધામાં ખેલાડીઓનું વર્ગીકરણ તેમના વજનને અનુલક્ષીને કરવામાં આવે છે. લાકડાના 4 મીટરના ચોરસ ‘પ્લૅટફૉર્મ’ પર ઊભા રહીને સ્પર્ધકે વજન ઊંચકવાનું હોય છે.
ઊંચકનાર પોતાની શક્તિને અનુલક્ષીને, પોતે ઊંચકવા માગતા વજનની જાણ અગાઉથી કરે છે; તેમ છતાં સ્પર્ધા દરમિયાન તે તેમાં ફેરફાર કરી શકે છે. ઊંચકનારને ઊંચકના દરેક પ્રકારમાં ત્રણ તક આપવામાં આવે છે. જો તે પોતાની તકમાં વજન ઊંચકવામાં સફળ થાય તો તે પછીની તકમાં તે વધારે વજન ઊંચકવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ જો તે નિષ્ફળ જાય તો પોતાની બીજી તકમાં તે જ વજન પર પુનરાવર્તન કરે છે. આજે તો ભારતમાં પણ વેઇટ-લિફ્ટિંગની રમત ખૂબ જ પ્રચલિત બની છે. 1961થી આ રમત માટે ભારત સરકાર તરફથી ‘અર્જુન ઍવૉર્ડ’ પણ શ્રેષ્ઠ વેઇટ-લિફ્ટરોને એનાયત કરવામાં આવે છે. સૌપહેલાં 1961માં ‘અર્જુન ઍવૉર્ડ’ એ. એન. ઘોષને મળ્યો હતો. એવી જ રીતે ‘બેરન ડી. કુબરટિન ફેરપ્લે આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ’ 1986માં બલબીરસિંહ ભાટિયાને મળ્યો હતો. મહિલાઓમાં પણ આ રમત હાલમાં પ્રચલિત બની છે અને ભારતની મહિલા-લિફ્ટરો જેવી કે કુંજુરાની દેવી અને કર્ણમ્ મલ્લેશ્વરીએ તો વિશ્વસ્તરે ભારતનું નામ આ રમતમાં રોશન કર્યું છે. વળી કર્ણમ્ મલ્લેશ્વરીએ તો 2000 સિડની ઑલિમ્પિક્સમાં કાંસ્યચંદ્રક મેળવીને ભારતીય ઑલિમ્પિક તવારીખમાં ઇતિહાસ પણ સર્જ્યો હતો.
પ્રભુદયાલ શર્મા