વેંકટ કૃષ્ણ શાસ્ત્રી, બી. વી. (જ. 13 ઑગસ્ટ 1954, દેવનહલ્લી, જિ. બૅંગલોર, કર્ણાટક) : સંસ્કૃત પંડિત. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી બી.એસસી.; સંસ્કૃત સાથે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ઇન્ટરનૅશનલ સંસ્કૃત રિસર્ચ એકૅડેમી, બૅંગલોરના નિયામક; અખિલ કર્ણાટક સંસ્કૃત પરિષદના સેક્રેટરી અને નિષ્ણાત સમિતિના સભ્ય રહ્યા. તેઓ સંસ્કૃત પાઠ્યપુસ્તકોના સમીક્ષક પણ રહ્યા.
તેમની માતૃભાષા ક્ધનડ હોવા છતાં તેમણે સંસ્કૃતમાં અત્યાર સુધીમાં 15 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘નિબંધ નવનીતમ્’ (સર્જનાત્મક નિબંધસંગ્રહ), ‘સમસ્યા-પુરાણ’ (1959) ‘આધુનિક ઉખાણા-સંગ્રહ’; ‘પ્રતિમાનાટકમ્’ (1995, ભાસનું); ‘કાદમ્બરી વૃત્તાંત સંગ્રહ’ (1994) ખાસ ઉલ્લેખનીય ગ્રંથો છે. તેમણે ભગવદ્ગીતાને સીડી રોમમાં ઉતારી છે.
સંસ્કૃત સાહિત્યમાં તેમના આ પ્રકારના શ્રેષ્ઠ પ્રદાન બદલ તેમને નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ તરફથી રાષ્ટ્રીય ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
બળદેવભાઈ કનીજિયા