વેંકટેશ્વર રાવ, અતલુરી (જ. 28 સપ્ટેમ્બર 1927, વનપમુલા, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે 1950માં મદ્રાસ (ચેન્નઈ) યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની પદવી મેળવી હતી. તેઓ આંધ્રપ્રદેશ વિદ્યુત બૉર્ડના મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ હૈદરાબાદ ઑલ્વિન લિ.ના અધ્યક્ષ અને સલાહકાર પણ રહેલા.
તેમણે તેલુગુ તેમજ અંગ્રેજીમાં કુલ 30 ગ્રંથો આપ્યા છે. ‘નદી સન્દ્રમ્લૂ નાવ’ (1988); ‘આલુ મગલુ’ (1989), ‘માનસિક સમસ્યાલુ પારિસ્કરલુ (1988) અને ‘નિત્યજીવિતમલો સાઇકૉલોજી’ (1989) તેમના નિબંધસંગ્રહો છે. અંગ્રેજી ગ્રંથોમાં ‘સ્ટ્રેસ સન્સ ડિસ્ટ્રેસ’ (1981); ‘ઇન સર્ચ ઑવ્ ઇલ્યુઝિવ સેલ્ફ’ (1991) અને ‘ઇન સર્ચ ઑવ્ સૉલ’ (1992) નિબંધસંગ્રહો ઉલ્લેખનીય છે. તેમણે ‘મૅનેજમેન્ટ’ પરનાં પુસ્તકો પણ આપ્યાં છે.
તેમને 1968માં આંધ્રપ્રદેશ સરકાર ઍવૉર્ડ અને 1969માં રિપબ્લિક ડે નૅશનલ ઇન્વેન્શન ઍવૉર્ડ આપવામાં આવેલા.
બળદેવભાઈ કનીજિયા