વેંકટરામન, ક્રિશ્નાસ્વામી (જ. 7 જૂન 1901, ચેન્નાઈ, તામિલનાડુ; અ. 12 મે 1981) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અગ્રણી ભારતીય રસાયણવિદ. સિવિલ એન્જિનિયરના પુત્ર વેંકટરામને 1923માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં એમ.એ. પદવી મેળવી. તે પછી મદ્રાસ ગવર્નમેન્ટની સ્કૉલરશિપ મળતાં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે ગયા; જ્યાં તેમણે એમ.એસસી. (ટેક.), પીએચ.ડી. તથા ડી.એસસી.ની પદવીઓ પ્રાપ્ત કરી. સર રૉબર્ટ રૉબિન્સન તેમના સંશોધન-માર્ગદર્શક હતા. 1927માં ભારત પાછા ફર્યા બાદ તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, બૅંગાલુરુમાં રિસર્ચ-ફેલો તરીકે જોડાયા. તેમની શૈક્ષણિક કારકિર્દી તેમણે 1928માં લાહોરની ફોરમૅન ક્રિશ્ચિયન કૉલેજમાં લેક્ચરર તરીકે શરૂ કરી અને 1929માં સંશોધનકાર્ય પણ શરૂ કર્યું. 1933માં તેમણે ‘ફ્લેવોનનું સામાન્ય તાપમાને સંશ્ર્લેષણ’ વિકસાવ્યું. આ પ્રક્રિયા સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે અને તેને ‘બેકર-વેંકટરામન પ્રક્રિયા’ કહે છે. 1934માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં નવા શરૂ થયેલા UDCT(યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજી)માં ડાઇંગ તથા પ્રિન્ટિંગ વિભાગના રીડર તરીકે જોડાયા. 1938થી તેઓ UDCTના પ્રોફેસર તથા હેડ તરીકે 19 વર્ષ સુધી રહ્યા, જે દરમિયાન તેમણે ‘કેમિસ્ટ્રી ઑવ્ સિન્થેટિક ડાઇંગ’ના આઠ ખંડ પ્રકાશિત કર્યા, જેની એટલી બધી પ્રતિષ્ઠા થઈ કે રશિયન તથા ચીની ભાષામાં પણ તેના અનુવાદો પ્રકટ થયા છે. રંગકોના તેમના વિશાળ જ્ઞાનને લીધે તેઓને બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મનીની IG Farbenindustrie AGની મુલાકાતે આમંત્રવામાં આવેલાં.
1957માં તેઓ પુણે ખાતે આવેલી નૅશનલ કેમિકલ લૅબોરેટરીના પ્રથમ ભારતીય ડિરેક્ટર બન્યા અને 1966માં નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ પણ તેમની સંશોધનપ્રવૃત્તિઓ ચાલુ જ રહી.
રંગકો ઉપરાંત ફ્લેવોન તથા આઇસોફ્લેવોન સંયોજનો તેમના સંશોધનના મુખ્ય વિષયો હતા. આ શ્રેણીમાં સંશ્ર્લેષણ રીતો ઉપરનું તેમનું પ્રદાન ખૂબ પ્રશંસનીય રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ 85 જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પદવી મેળવી છે. સંશોધનના ફળ-સ્વરૂપે તેમણે 250 જેટલા સંશોધનલેખો પ્રકાશિત કર્યા છે.
તેઓ 1957-1966 દરમિયાન હિન્દુસ્તાન ઍન્ટિબાયૉટિક્સના ડિરેક્ટર ઉપરાંત ઇન્ડિયન ડ્રગ્ઝ ઍન્ડ ફાર્માસ્યુટિકલ લિ., હિન્દુસ્તાન ઑર્ગેનિક કેમિકલ્સ તથા નૅશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કૉર્પોરેશનમાં પણ પ્રવૃત્ત હતા.
ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી, ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝ, ડ્યૂશ એકૅડેમી (જર્મની), ઇન્ડિયન કેમિકલ સોસાયટી તથા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સના ફેલો હતા.
ઇન્ડિયન નૅશનલ કમિશન ફૉર કો-ઑપરેશન વિથ યુનેસ્કોના તેઓ મેમ્બર (સભ્ય) ઉપરાંત IUPACના 1950થી 1955 દરમિયાન સભ્ય, ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનમાં કેમિસ્ટ્રીના પ્રેસિડેન્ટ (1945) રહ્યા હતા.
ભારત સરકારે 1961માં તેમને ‘પદ્મભૂષણ’થી સન્માન્યા હતા.
જ. પો. ત્રિવેદી