વેંકટરામન, આર. (જ. 4 ડિસેમ્બર 1910, રાજમાદામ, જિ. તાંજોર, તમિલનાડુ) : જાણીતા રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા રામસ્વામી આયર અને માતા જાનકી અમ્મા. પ્રારંભિક શિક્ષણ વિનયન વિદ્યાશાખાનું મેળવ્યું અને અનુસ્નાતક થયા બાદ કાયદાના સ્નાતક બન્યા. વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી ચેન્નાઈની વડી અદાલતમાં અને ત્યારબાદ સર્વોચ્ચ અદાલતમાં કામગીરી બજાવી હતી. 1942માં ‘હિંદ છોડો’ની લડતમાં સક્રિય કામગીરી બદલ બે વર્ષની જેલ વેઠેલી. 1946માં મલાયા અને સિંગાપુર પર જાપાને કબજો જમાવ્યો ત્યારે અદાલતમાં તેમણે ભારતીય નાગરિકોનો બચાવ કરેલો. રાજકારણમાં પ્રવેશ પૂર્વે મજદૂર વર્ગના નેતા તરીકેની કારકિર્દી તેઓ ધરાવતા હતા. 1958માં ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનિઝેશનની જિનીવા ખાતેની બેઠકમાં તેમણે ભાગ લીધો હતો.
આઝાદીના પ્રારંભે કામચલાઉ સંસદના સભ્ય તરીકે તેમણે 1950 સુધી કામગીરી બજાવી હતી. 1950માં ન્યૂઝીલૅન્ડ ખાતે મળેલી કૉમનવેલ્થ પાર્લમેન્ટરી કૉન્ફરન્સના ભારતીય પ્રતિનિધિમંડળના તેઓ સભ્ય હતા. 1952થી 1957 અને ત્યારપછી વખતોવખત તેમણે સાંસદ તરીકે કામગીરી બજાવેલી. 1957 અને 1961માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1957થી 1967 દરમિયાન તમિલનાડુના વિધાનસભ્ય, ગૃહના નેતા અને ઉદ્યોગ તથા શ્રમમંત્રી રહ્યા હતા. 1967થી 1971 દરમિયાન તેઓ દેશના આયોજન પંચના સભ્ય રહ્યા અને શ્રમિક સંગઠનો સાથેના તેમના અનુભવનો લાભ તેમણે આપ્યો. પ્રારંભે કૉંગ્રેસ પક્ષના અને 1969ના કૉંગ્રેસના વિભાજન બાદ કૉંગ્રેસ (ઇ) પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સાંસદ તરીકે દક્ષિણ વિસ્તારનું તેમણે મોટેભાગે પ્રતિનિધિત્વ કર્યું હતું. કેન્દ્ર સરકારમાં 1980થી 1982 સુધી નાણામંત્રી અને 1982થી 1984 સુધી સંરક્ષણમંત્રી તરીકે કામગીરી બજાવી હતી. આ સાથે 1968થી 1979 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘની વહીવટી ટ્રિબ્યૂનલના તેઓ પ્રમુખ રહ્યા હતા. બૉર્ડ ઑવ્ વર્કિંગ જર્નાલિસ્ટ્સના તેઓ સભ્ય હતા. 1984થી 1987 સુધી ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખનું તેમજ 25 જુલાઈ 1987થી 24 જુલાઈ 1992 સુધી ભારતના રાષ્ટ્રપ્રમુખનું સર્વોચ્ચ પદ તેમણે શોભાવ્યું હતું.
જવાહરલાલ નહેરુ મેમૉરિયલ ફંડ અને ગાંધીગ્રામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમણે સેવાઓ આપેલી. લેબર લૉ જર્નલ અને ‘ધ સ્વરાજ્ય’ સામયિકના મૅનેજિંગ એડિટર તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર છે. સ્વચ્છ અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની તેમની છાપે ભારતમાં તેમને સન્માનનીય રાજપુરુષ બનાવ્યા છે. એકવીસમી સદીના આરંભનાં વર્ષોમાં અયોધ્યા રામમંદિર અને બાબરી મસ્જિદ અંગેની મડાગાંઠ ઉકેલવામાં તેઓ સક્રિય હતા. વળી મહાત્મા ગાંધી પુરસ્કાર સમિતિના સભ્ય તરીકે પણ તેઓ સેવાઓ આપી રહ્યા છે.
કૉંગ્રેસ પક્ષના પૂર્વપ્રમુખ કામરાજ નાદરની રશિયાની મુલાકાત અંગેની તેમણે રચેલ ‘‘કામરાજ’ઝ વિઝિટ ટુ રશિયા’’ની પ્રવાસકથાને સોવિયેત લૅન્ડ નહેરુ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
રક્ષા મ. વ્યાસ