વેંકટરામન આચાર્ય, પડિગરુ (જ. 1915, ઉડુપી, દક્ષિણ કનરા, કન્નડ) : કન્નડ પત્રકાર, કવિ, વાર્તાકાર અને વિવેચક. તેઓ કન્નડ પત્રકારત્વમાં ‘પવેમ આચાર્ય’ના નામથી વધુ લોકપ્રિય હતા. તેમણે કટાર-લેખક તરીકે કન્નડમાં સર્જનાત્મક પત્રકારત્વના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.
તેઓ અનેકભાષાવિદ છે અને તુલુ, કન્નડ, હિંદી, બંગાળી, મરાઠી અને સંસ્કૃત ભાષા જાણે છે. યુવાન વયથી સાહિત્યમાં ઊંડો રસ હોવાથી તેમણે ‘જય કર્ણાટક’, ‘પ્રબુદ્ધ કર્ણાટક’, ‘રાષ્ટ્ર બંધુ’ અને અન્ય કન્નડ દૈનિકો; અઠવાડિકો અને માસિકોમાં વાર્તાઓ અને કાવ્યો પ્રગટ કર્યાં. સામયિકોમાં વ્યક્તિગત આલોચના અને રાજકારણ, જીવન અને સાહિત્ય વિશે તેમણે હજારો વિગતપૂર્ણ લખાણો આપ્યાં. 1950થી તેમણે અઠવાડિક ‘કર્મવીર’માં ‘લંગૂલાચાર્ય’ના ઉપનામથી કટારો લખવી શરૂ કરી.
તેમના મહત્વના ગ્રંથોમાં ‘રશિયાદા રાજ્ય ક્રાંતિ’ (‘ધ રશિયન રેવોલ્યુશન’); ‘સ્વતંત્ર ભારત’, ‘નવ નીરદ’ (‘ધ ન્યૂ ક્લાઉડ’, કાવ્યસંગ્રહ); ‘બય્યા મલ્લિગ’ (તુલુમાં કાવ્યસંગ્રહ); ‘પ્રહર’, ‘લોકદા દોન્કુ’ અને ‘વિપરીત’ (ત્રણેય દુન્યવી રીતો પરના વિવેચનગ્રંથો) તથા બાળકો માટેના બે ગ્રંથોનો સમાવેશ થાય છે.
‘નવ નીરદ’ માટે તેમને 1954માં બૉમ્બે કર્ણાટક ઍવૉર્ડ અને કન્નડ સાહિત્ય અને પત્રકારત્વમાં તેમના મૂલ્યવાન પ્રદાન બદલ 1981માં કન્નડ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા. 1977માં કર્ણાટક જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશન તરફથી પત્રકારત્વ માટે તેમને પી.આર. રામૈયા ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા