વૅસેલિયસ, ઍન્ડ્રિયસ (જ. 1514, બ્રુસેલ્સ; અ. 1564, ઝાસિયસ ટાપુ) : અભિનવ વિચારદૃષ્ટિને આધીન પરંપરાગત જૈવવિજ્ઞાનને નવો ઓપ આપનાર ગ્રીક દેહધર્મવિજ્ઞાની. વૈદકો અને ઔષધવિજ્ઞાનીઓના કુટુંબમાં જન્મેલ વૅસેલિયસે માનવ-મુડદાની વાઢકાપ કરી માનવશરીરની રચનાનું અત્યંત બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને આ વિજ્ઞાનને વ્યવસ્થિત સ્વરૂપ આપવાની સિદ્ધિ હાંસલ કરી.
વૅસેલિયસે 1533માં પૅરિસ વિશ્વવિદ્યાલયના આયુર્વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવ્યો અને 1533-36 દરમિયાન પ્રખર શરીરરચના-વિજ્ઞાની જૅકૉબસ સિલ્વિયસ અને ગ્વંટેરિયસ ઍન્ડરનૅક્સના માર્ગદર્શન હેઠળ પ્રાણીવિચ્છેદનશાસ્ત્રમાં પ્રવીણ થયા. પૅરિસના કબરસ્તાનમાંથી સહેલાઈથી ઉપલબ્ધ માનવ-મુડદાં મેળવીને માનવનાં હાડકાંનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. દરમિયાન ફ્રાન્સમાં યુદ્ધ ફાટી નીકળતાં વૅસેલિયસ ગ્રીસ પાછા આવ્યા અને લાઉવેન વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો અને 1537માં આયુર્વિજ્ઞાન વિષયના સ્નાતક બન્યા.
ત્યારબાદ તેઓ પાદુઆ વિશ્વવિદ્યાલયમાં જોડાયા અને શરીરરચના-વિજ્ઞાનમાં અનુસ્નાતક થયા. ત્યાં તેઓ શલ્યશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે નિમાયા. ત્યારથી ફરીથી માનવ-મુડદાંની વાઢકાપમાં ખૂબ રસ લીધો અને જાતે કાળજીપૂર્વક વાઢકાપ કરી શરીરરચનાની વધુ ને વધુ ચોક્કસ માહિતી મેળવી. અગાઉ શરીરરચના વિશે પ્રસિદ્ધ થયેલા ગ્રીક વિજ્ઞાની ગૅલન અને અન્ય લેખકોના લખાણનું મૂલ્યાંકન પણ તેમણે કર્યું. તેમણે નિરીક્ષણના આધારે ગૅલનના પુસ્તકમાં માનવશરીરરચના વિશે આપેલી માહિતી કૂતરાં, વાંદરા અને ભુંડ જેવાં પ્રાણીઓની વાઢકાપ પર આધારિત છે એમ પ્રતિપાદિત કર્યું અને મહામહેનતે પોતે ‘માનવશરીર-રચનાશાસ્ત્ર’ પરના લખાણની હસ્તપ્રત તૈયાર કરી, 1542માં વેનિસ ગયા. ત્યાં પુસ્તક-પ્રકાશન માટે અત્યંત કાળજીપૂર્વક દોરેલ આકૃતિઓના બ્લૉક બનાવ્યા. 1543માં Fabrica સામાન્ય નામે જાણીતા ‘De humani corporis fabrica libri septem (The seven books of the structure of the human body)’ પાઠ્યપુસ્તકનું પ્રકાશન કર્યું. ચોકસાઈભર્યું વર્ણન, ક્રમબદ્ધ સંગઠન અને ચોખ્ખી છપાઈને લીધે આ પુસ્તક આયુર્વિજ્ઞાન ક્ષેત્રમાં આવકારપાત્ર બન્યું છે. વૅસેલિયસ મેઇઝ ગયા અને તે વખતના રોમન બાદશાહ ચાર્લ્સ-Vને આ પુસ્તક અર્પણ કર્યું. લખાણથી પ્રભાવિત થયેલા બાદશાહે વૅસેલિયસની પોતાના આયુર્વૈજ્ઞાનિક તરીકે નિમણૂક કરી.
1544માં તેઓ ઍન્નવાન હૅમ્મે સાથે પરણ્યા. 1556માં બાદશાહે વૅસેલિયસને જીવનભરનું વેતન બાંધી આપ્યું. 1559માં વૅસેલિયસ પોતાની પત્ની અને દીકરી સાથે સ્પેન ગયા. ત્યાં ચાર્લ્સ-Vના પુત્ર ફિલિપ બીજાએ પણ વૅસેલિયસની મૅડ્રિડ કૉર્ટના આયુર્વૈજ્ઞાનિક તરીકે નિમણૂક કરી.
વૅસેલિયસે માનવશરીરરચનાના કરેલ પ્રમાણભૂત વર્ણનને લીધે, શરીરરચનાવિજ્ઞાન આયુર્વિજ્ઞાનના અભ્યાસમાં એક અત્યંત મહત્વનું સોપાન બન્યું. વળી આયુર્વિજ્ઞાને એક વિદ્વત્તાપૂર્ણ વ્યવસાય તરીકે પણ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું.
મહાદેવ શિ. દુબળે