વૅલેટા (Valleta) : ભૂમધ્ય સમુદ્રમાં આવેલા માલ્ટાના ટાપુનું પાટનગર તેમજ મુખ્ય દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 350 54’ ઉ. અ. અને 140 31’ પૂ. રે.. તે માલ્ટાના ઈશાન કાંઠે બંદરોની વચ્ચે સાંકડી ભૂશિર પર આવેલું છે. તે માલ્ટાનું વહીવટી, સાંસ્કૃતિક અને વાણિજ્યમથક છે. આ ઉપરાંત તે રૉયલ માલ્ટા લાઇબ્રેરીનું મૂળ સ્થાન ગણાય છે. રૉયલ યુનિવર્સિટી ઑવ્ માલ્ટા એ અહીંની એકમાત્ર યુનિવર્સિટી છે. તે સિદા (Msida) ખાતે આવેલી છે. આ યુનિવર્સિટી શહેરની બહારના ભાગમાં છે. સેન્ટ જ્હૉનનું કથીડ્રલ અને ગ્રાન્ડ માસ્ટર્સનો મહેલ (જે હવે ગવર્નર જનરલનું નિવાસસ્થાન છે.) આ શહેરનાં જોવાલાયક સ્થળો છે.
1571માં વૅલેટા માલ્ટા ટાપુનું પાટનગર બન્યું. તે આશરે પાંચ વર્ષ અગાઉ (1566) સ્થપાયેલું. માલ્ટાના સાહસિક-વીરોના ગ્રાન્ડ માસ્ટર જિન પૅરિયોટ દ લા વૅલેટના નામ પરથી આ શહેરનું નામ પડેલું છે. 19મી સદીની શરૂઆતથી 1979 સુધીના સમય સુધી બ્રિટિશ લોકોએ અહીં એક નૌકામથક રાખેલું. વૅલેટાની વસ્તી 7,073 (1999) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા