વૅક્સમૅન, સેલ્મન અબ્રાહમ (Waksman Saleman Abraham)
February, 2005
વૅક્સમૅન, સેલ્મન અબ્રાહમ (Waksman Saleman Abraham) (જ. 22 જુલાઈ 1888, પ્રિલુકા, રશિયા; અ. 16 ઑગસ્ટ 1973, વુડ્ઝ હોલ, ફલમાઉથ, મૅસેચૂસેટ્સ, યુનાઇટેડ સ્ટેટ્સ) : રશિયામાં જન્મેલ અમેરિકન સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. સન 1952ના દેહધર્મવિદ્યા અને ચિકિત્સાવિદ્યાના નોબેલ પુરસ્કાર વિજેતા.
તેઓ જેકૉબ વૅક્સમૅન અને ફ્રેડિયા લન્ડનના પુત્ર હતા અને તેમણે ખાનગી શિક્ષકો દ્વારા પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શાળાશિક્ષણનો બાકીનો ભાગ ખાનગી શિક્ષકો તથા શાળા દ્વારા મેળવ્યો હતો. સન 1910માં ઓડિસામાં તેમણે શાળાંત પરીક્ષા પસાર કરી હતી અને અમેરિકા ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે રુત્જર્સ કૉલેજમાં સરકારી શિષ્યવૃત્તિ મેળવીને અભ્યાસ શરૂ કર્યો અને 1915માં તેઓ કૃષિવિદ્યામાં સ્નાતક થયા. ત્યાંથી તેઓ ન્યૂજર્સીના કૃષિપ્રયોગ-મથક(agricultural experiment station)માં જોડાયા અને 1916માં એમ.એસસી.ની ઉપાધિ મેળવી. તે વર્ષે તેઓ અમેરિકાના નૈસર્ગિકીકૃત (naturalized citizen) નાગરિક બન્યા. તેઓ કૅલિફૉર્નિયા વિશ્વવિદ્યાલયમાં સંશોધન-ફેલો તરીકે જોડાયા અને સન 1918માં પીએચ.ડી. થયા. તેઓ પાછા રુત્જર્સ આવ્યા અને કૃષિપ્રયોગ-મથકમાં જોડાયા અને ભૂમિગત સૂક્ષ્મવિદ્યાના વિશ્વવિદ્યાલયી વ્યાખ્યાતા બન્યા. ત્યાં સન 1925માં સહપ્રાધ્યાપક અને સન 1930માં પ્રાધ્યાપક થયા. સન 1940માં સૂક્ષ્મજીવવિદ્યા-વિભાગ શરૂ થયો ત્યારે તેઓ તેના વડા બન્યા અને 1949માં સૂક્ષ્મજીવવિદ્યા સંસ્થાનના નિયામક બન્યા. સન 1958માં તેઓ નિવૃત્ત થયા. આ ઉપરાંત તેમણે 1931માં વૂડ્ઝ હૉલ સમુદ્રાલેખવિદ્યાની સંસ્થા (oceanographic institute)માં સામુદ્રિક જીવાણુવિદ્યા- (marine bacteriology)નો અલગ વિભાગ (division) શરૂ કર્યો અને સન 1942 સુધી ત્યાં સામુદ્રિક જીવાણુવિદ તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તે સંસ્થાના તેઓ આજીવન ન્યાસી (trustee) બન્યા હતા. આ ઉપરાંત તેઓ ઔદ્યોગિક પ્રયોગશાળાઓ, સરકાર તથા અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓમાં પણ ટૂંકા સમય માટે સલાહકાર તરીકે રહ્યા હતા.

સેલ્મન અબ્રાહમ વૅક્સમૅન
બૅક્ટેરિયાને હાનિકારક એવા જમીન ઉપરના સૂક્ષ્મજીવાણુનો તેમણે અભ્યાસ કર્યો. તેમાંથી તેમને 1939માં ઉપયોગી ઍન્ટિબાયૉટિક્સ(પ્રતિજીવ)ની જાણ થઈ. આખરે 1943માં તેમણે ક્ષય રોગ સામેની અસરકારક દવા સ્ટ્રેપ્ટોમાયસિન શોધી કાઢી.
વીસમી સદીની શરૂઆતમાં અને મધ્યકાળ સુધી ક્ષય રોગ ખૂબ ગંભીર રોગ ગણાતો હતો. તે જમાનામાં ક્ષયને કારણે લાખો માણસો મૃત્યુ પામતા હતા અને તેથી ટી.બી.(ક્ષય) ગ્રેટ વ્હાઇટ પ્લેગ તરીકે ઓળખાતો હતો.
તેમનાં કાર્યક્ષેત્રોને જો સમયક્રમમાં ગોઠવવામાં આવે તો તે ભૂમિગત સૂક્ષ્મજીવવિદ્યા, જીવાણુ દ્વારા થતું સલ્ફર-જારણ, ભૂમિફળદ્રૂપતા અને સૂક્ષ્મજીવો, પ્રાણી અને વનસ્પતિના અવશેષોનું વિઘટન, સામુદ્રિક જીવાણુવિદ્યા, પ્રતિજૈવ (antibiotic) દ્રવ્યોનું ઉત્પાદન અને તેમના ગુણધર્મો, ઍક્ટિનોમાઇટ્સનું નામકરણ, દેહધાર્મિક ક્રિયાઓ અને જૈવરસાયણવિદ્યા – એવો ક્રમ મળે.
આ પ્રતિજીવ વિસ્તૃત ‘ફલકીય પ્રતિજીવ’ છે, તે ગ્રામઋણ (gram negative) જીવાણુઓ અને ક્ષયના જીવાણુઓ માઇક્રોબૅક્ટેરિયમ ટ્યૂબરક્યૂલોસિસ પર અસરકારક છે. ઉપર જોયું તેમ આ સંશોધન 1943માં થયું અને પરિણામે 1952માં તેમને નોબેલ પ્રાઇઝ અર્પણ થયું.
સ્ટ્રેપ્ટોમાયસિન ન્યૂમોનિયા, મૅનિન્જાઇટિસ અને ટાઇફૉઇડના જીવાણુ પર પણ આ ઍન્ટિબાયૉટિક્સ અસરકારક છે તે તેમણે શોધી આપ્યું.
તેમણે 400થી વધુ શોધપત્રો અને 18 જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. તેમના ‘સ્ટ્રેપ્ટોમાયસિન’ (1949) અને ‘ઍક્ટિનોમાયસિટીસ’ (3 ભાગ, 1959–62) નામનાં પુસ્તકો જાણીતાં છે. ક્ષય સામેના પ્રતિજીવની શોધ એ તેમની મોટી સિદ્ધિ છે.
તેમણે ઍક્ટિનોમાયસિન(1940), ક્લેવેસિન અને સ્ટ્રૅપ્ટોથ્રિસિન (1942), સ્ટૅપ્ટોમાયસિન (1943), ગ્રિસીન (1946), નિયોમાયસિન (1948) તથા અન્ય પ્રતિજૈવદ્રવ્યો શોધ્યાં હતાં. તેમાંથી સ્ટ્રૅપ્ટોમાયસિન અને નિયોસિન માણસો, પ્રાણીઓ અને વનસ્પતિના ચેપી રોગોમાં વ્યાપક સ્વરૂપે વપરાય છે. તેના પર વ્યાપારહક (patent) લેવામાં આવેલો હતો. સ્ટ્રૅપ્ટોમાયસિન પરના વ્યાપારહકને પ્રથમ 10 વ્યાપારહકો કે જેમણે વિશ્વનું નવઘડતર કર્યું છે, એમની યાદીમાં પણ સ્થાન મળ્યું છે. તેમને અનેક વિશ્વવિદ્યાલયોએ ચિકિત્સાવિદ્યા, વિજ્ઞાન, કૃષિવિદ્યા, કાયદાશાસ્ત્ર (law) વગેરે વિષયોમાં ડૉક્ટરેટની માનાર્હ પદવીઓ આપેલી. તેઓ વિશ્વની અનેક વૈજ્ઞાનિક મંડળીઓમાં માનાર્હ સભ્ય હતા અને અમેરિકી સૂક્ષ્મવિદ્યા મંડળના પ્રમુખ પણ બન્યા હતા.
તેઓ ડેબોરાહ મિટ્નિક સાથે પરણ્યા હતા અને તેમને બાયરન નામે પુત્ર થયો હતો, જે હાલ યેલ વિશ્વવિદ્યાલયની ચિકિત્સાશાળામાં સૂક્ષ્મજીવવિદ્યાના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરે છે.
આમ વૅક્સમૅનનાં સંશોધનોએ માનવકલ્યાણમાં મોટો ફાળો આપ્યો છે.
શિલીન નં. શુક્લ
નીલા ઉપાધ્યાય