વૃષભ (taurus) : રાશિચક્રમાં બીજા ક્રમે આવતી રાશિ. પૃથ્વીની સૂર્ય ફરતી કક્ષાગતિને કારણે, આકાશી ગોલક પર વર્ષ દરમિયાન સૂર્યનું સ્થાન તારાગણસંદર્ભે આશરે હરરોજ 1° જેટલું પૂર્વ તરફ સરકતું જણાય છે અને આકાશના જે વર્તુળાકાર માર્ગ પર સૂર્યની આ ગતિ જણાય તે ક્રાંતિવૃત્ત (eliptic) કહેવાય છે. આ ક્રાંતિવૃત્તના 30°નો એક, એવા બાર વિભાગો પડાય છે, જે રાશિ કહેવાય. આમ દરેક રાશિમાં સૂર્ય ~ એક માસના સમય માટે દેખાય છે. રાશિચક્રની શરૂઆત મેષ રાશિથી ગણાય છે અને આ રાશિચક્રમાં બીજા નંબરે આવતી રાશિ તે વૃષભ એટલે કે આખલો. (રાશિચક્રના તારાઓ દ્વારા સર્જાતી આકૃતિઓ અનુસાર ઘણાં નામો વિવિધ વાસ્તવિક કે કાલ્પનિક પ્રાણીઓને અનુલક્ષીને અપાયાં છે.) આ જ કારણે તે zodiacal signs તરીકે ઓળખાવાય છે. ‘zodiac’ શબ્દ ‘zoo’ જે પ્રાણી સાથે સંકળાયેલ છે, તેના પરથી આવેલ છે. રાશિચક્રની શરૂઆત મેષ રાશિથી ગણાય છે અને જો તેનું આરંભ બિંદુ ક્રાંતિવૃત્ત ઉપર વસંતસંપાત બિંદુથી લેવામાં આવે તો તે સાયન રાશિચક્ર થાય છે, પરંતુ આજથી આશરે બે હજાર વર્ષ પહેલાં જ્યારે રાશિચક્ર નક્કી થયું ત્યારે વસંતસંપાત બિંદુ જે સ્થાને હતું તે સ્થાનથી આરંભ ગણીએ તો તે નિરયન રાશિચક્ર ગણાય છે. પૃથ્વીની ધરીની પુરસ્સરણ (precession) ગતિને કારણે વસંતસંપાત બિંદુ તારાગણ-સંદર્ભમાં ક્રાંતિવૃત્ત ઉપર દર વર્ષે આશરે 50 આર્ક-સેકન્ડ જેટલું પશ્ચિમ તરફ સરકે છે. આ કારણે સાયન-પદ્ધતિનું રાશિચક્ર તેનો તારાગણ સાથેનો સંબંધ જાળવી રાખતું નથી. અત્રે વૃષભ રાશિના તારાઓના વિવરણમાં નિરયન રાશિચક્ર અનુસારની વૃષભ રાશિનું નિરૂપણ પ્રસ્તુત છે. નિરયન રાશિચક્ર તારાગણ સંદર્ભે સ્થિર રહે છે.

વૃષભ રાશિના વિસ્તારમાં કૃત્તિકા અને રોહિણી નક્ષત્રો આવે. કૃત્તિકાનું ઝૂમખું જાન્યુઆરી માસની શરૂઆતમાં રાત્રિના દસ વાગ્યાના સુમારે લગભગ શિરોબિંદુ સ્થાને જણાય છે.

વૈદિક સમયમાં કૃત્તિકા પ્રથમ નક્ષત્ર ગણાતું. ‘શતપથ બ્રાહ્મણ’ (2.1.2) અને ‘તૈતરીય બ્રાહ્મણ’ (1.5.2)માં ઉલ્લેખ છે કે

कृतिकः प्रथमं ।। विशाखे उत्तमं ।।

तानि देव नक्षत्राणि ।।

દેવ નક્ષત્રો એટલે ક્રાંતિવૃત્તની ઉત્તરે આવેલાં નક્ષત્રો; વસંતસંપાત બિંદુ વૈદિક સમયે કૃત્તિકામાં હતું તેમ સ્વીકારીએ તો તે સમય આજથી ~3500 વર્ષ પહેલાંનો હોવો જોઈએ. કૃત્તિકાનું ઝૂમખું ખગોળવિજ્ઞાનમાં જેને વિવૃત તારાગુચ્છ (open clustor) કહે છે તે પ્રકારનું વિસ્તૃત તારકજૂથ છે અને આ તારાઓનું સર્જન આશરે બે કરોડ વર્ષ પૂર્વે થયેલું હોવાનું મનાય છે. આ ઝૂમખાના તારાઓ કોઈ પ્રકારના આછા શ્વેતરંગી વાદળ પાછળ સહેજ ઢંકાયેલા જણાય છે. આ આવરણ આંતરતારાકીય ક્ષેત્રના આછા વાયુવાદળનું હોવું જોઈએ અને કૃત્તિકાના તારાઓના પ્રકાશના વાયુવાદળનાં રજકણો દ્વારા થતા વિખેરણને કારણે તે સફેદ રંગે પ્રકાશિત જણાતું લાગે છે.

રોહિણી નક્ષત્ર કૃત્તિકાના ઝૂમખાની સહેજ પૂર્વ દિશામાં જણાશે અને તેના V આકારથી ઓળખી શકાશે. આ V આકારમાં જ આખલાના મસ્તકની કલ્પના છે, જે કારણે રાશિને ‘વૃષભ’ નામ મળ્યું છે. આ ‘V’ના એક છેડે રાતા રંગનો એક તેજસ્વી તારો જણાશે તેનું નામ પણ રોહિણી (Aldebaran) છે. આખલાની આ આંખ ગણાય છે. રોહિણીનો તારો 3700° K જેવું નીચું તાપમાન ધરાવતો રાતા રંગનો રાક્ષસી વર્ગનો તારો છે, પરંતુ તે સૂર્ય કરતાં ~ સો ગણો તેજસ્વી છે ! આ તારો ક્રાંતિવૃત્તથી ફક્ત 3° જેવા અંતરે હોવાથી પ્રસંગોપાત્ત, તેનું ચંદ્ર દ્વારા પિધાન થાય છે, જે ઘણી દર્શનીય ઘટના છે. (ચંદ્રની કક્ષા ક્રાંતિવૃત્ત સાથે 5°ના ખૂણે છે, તેથી ક્રાંતિવૃત્તથી 5°ના વિસ્તારમાં આવતા તારાઓનું પ્રસંગોપાત્ત, ચંદ્ર દ્વારા પિધાન શક્ય છે.)

વૃષભ રાશિના વિસ્તારમાં આવતા કેટલાક વિશિષ્ટ ખગોળીય પિંડોનો પણ પરિચય જરૂરી છે. રોહિણીના તારા નજીકના જે V આકારની વાત કરી તે વિસ્તારમાં, બાયનૉક્યૂલરથી જોઈ શકાય તેવાં બે વિસ્તૃત તારક-ઝૂમખાં Hydes clusters જોવા જેવાં છે. વૃષભ રાશિના વિસ્તારમાં 1054ના જુલાઈ માસમાં એક પ્રચંડ સુપરનૉવા ઘટના સર્જાઈ હતી, અને આ સુપરનૉવાના અવશેષરૂપ સર્જાયેલ વાયુવાદળ હાલના તબક્કે નિહારિકા (nebula) રૂપે જોઈ શકાય છે. (નાના દૂરબીનથી પણ જોઈ શકાય તેવું છે.) તેની અંદર જણાતા પ્રકાશિત તાંતણાઓને કારણે તેને ‘કરચલો’ એટલે કે Crab nebula નામ અપાયું છે. આ સુપરનૉવા વિસ્ફોટને પરિણામે કેન્દ્રભાગમાં ફક્ત ~ 10 કિમી. વ્યાસનો એક ન્યૂટ્રૉન તારક સર્જાયો છે, જે હાલને તબક્કે પોતાની ધરી ફરતાં સેકન્ડે ત્રીસ જેટલાં ભ્રમણ કરી રહ્યો છે. આ ભ્રમણને કારણે, અવકાશમાં દીવાદાંડીની જેમ ઘૂમતા તેના રેડિયો-તરંગોના ઉત્સર્જનને પૃથ્વી પર સેકંડે ત્રીસ જેટલા સ્પંદો સ્વરૂપે ઝિલાય છે. આ પ્રકારના ઝડપી સ્પંદ-સ્વરૂપના રેડિયો-તરંગો જેમાંથી પ્રાપ્ત થાય તેવા અવકાશી પિંડો 1967માં શોધાયા અને તેમને પલ્સાર (pulsar) તરીકે ઓળખાવાય છે. Crab pulsar એક ઘણો જાણીતો pulsar છે અને તેમાંથી રેડિયો-સ્પંદો ઉપરાંત ગૅમા કિરણો, ક્ષ-કિરણો અને પ્રકાશી સ્પંદો પણ પ્રાપ્ત થાય છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ