વૃશ્ચિક ઍક્સ-1 (Scorpius X-1 અથવા Sco X-1 અથવા V 818)
February, 2005
વૃશ્ચિક ઍક્સ-1 (Scorpius X-1 અથવા Sco X-1 અથવા V 818) : અંતરિક્ષમાંથી ઍક્સરે (ક્ષ-કિરણો) ઉત્સર્જિત કરતો મળી આવેલો પહેલો સ્રોત. આમ તો ખગોળશાસ્ત્રીઓને ખબર હતી કે સૂર્ય ક્ષ-કિરણોનું ઉત્સર્જન કરે છે; પણ આકાશના, સૌરમંડળની બહારના, આપણા તારાવિશ્વ એટલે કે આકાશગંગા કે મંદાકિની વિશ્વ(ગૅલેક્સી)માં આવેલા અન્ય પિંડ પણ ક્ષ-કિરણોનું આવું શક્તિશાળી ઉત્સર્જન કરે છે તેની જાણ આ સ્રોત દ્વારા પહેલી જ વાર થઈ. સૂર્યમાંથી ફંગોળાતા કણો ચંદ્ર સાથે અથડાઈને ઍક્સ-કિરણો પેદા કરતાં હોય તેમને શોધવા માટેના પ્રયત્નો થતા હતા. આ માટે રૉકેટમાં આ વિકિરણને પારખી શકે તેવા સંસૂચકો (detectors) મૂકવામાં આવતા હતા. આવા પ્રયોગો અમેરિકામાં વ્હાઇટ સૅન્ડ, ન્યૂ મેક્સિકો ખાતેથી સાઉન્ડિંગ રૉકેટો ઉડાડીને કરવામાં આવતા હતા. આવા પ્રયોગો દરમિયાન જૂન 1962માં આ સ્રોતની શોધ સાવ આકસ્મિક જ થઈ હતી.
અત્યંત શક્તિશાળી ઍક્સરે વિકિરણ કરતો આ સ્રોત વૃશ્ચિક તારામંડળ(Scorpius)માં આવેલો હોઈ તેનું નામ ‘વૃશ્ચિક ઍક્સ-1’ (Scorpius X-1) આપવામાં આવ્યું. આ સ્રોત વૃશ્ચિકના અનુરાધા નક્ષત્ર અને સર્પધર તારામંડળની વચ્ચે આવેલો છે. આ સ્રોતની શોધે ક્ષ-કિરણ ખગોળશાસ્ત્ર (X-ray astronomy) તરીકે ઓળખાતી ખગોળશાસ્ત્રની એક નવી જ શાખાનો પાયો નાંખવામાં મહત્વની ભૂમિકા ભજવી.
આ સ્રોત શક્તિશાળી ક્ષ-કિરણ ઉપરાંત રેડિયો-તરંગો અને પ્રકાશીય વિકિરણનું પણ ઉત્સર્જન કરતો હોવાનું માલૂમ પડ્યું છે. 1967માં આ સ્રોતની પ્રકાશીય ચકાસણી કરતાં જણાયું કે તેનો ક્રાંતિવર્ગ 13 છે અને તે રૂપવિકાર દાખવતો તારો છે. તે વૃશ્ચિક તારામંડળમાં આવેલો ‘V 818 Sco’ નામનો અત્યંત ઝાંખો તારો છે. આ સ્રોત રૂપવિકાર દાખવતો હોવાથી બે તારા ધરાવતો હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે અલ્પ-દ્રવ્યમાન (low mass) ધરાવતો આ એક ‘ઍક્સ-રે-યુગ્મક તારો’ છે, જેની કક્ષીય અવધિ (orbital period) 19.2 કલાક છે, તેનો જોડીદાર તારો ન્યૂટ્રૉન છે. ક્ષ-કિરણોના ઉત્સર્જનનું કારણ ન્યૂટ્રૉન તારો અને તેની આસપાસ રચાતી પાતળી અભિવૃદ્ધિ ચકતી કે અભિવૃદ્ધિ ચક્રિકા (accretion disc) હોવાનું માનવામાં આવે છે. ન્યૂટ્રૉન તારો તેના જોડીદાર તારામાંથી દ્રવ્ય ખેંચતો રહે છે, જેને કારણે ન્યૂટ્રૉન તારાની આસપાસ આ ચક્રિકા રચાય છે. ચક્રિકા રચી આપતા આ યુગ્મક તારામાંના આ બીજા તારા અંગે ખગોળશાસ્ત્રીઓને ઝાઝી જાણકારી નથી; પરંતુ આ અજ્ઞાત તારો પારજાંબલી આધિક્ય (ultraviolet excess) ધરાવવા સાથે પ્રકાશીય કંપિત જ્વાલા (optical flaring) દર્શાવતો માલૂમ પડ્યો છે. (જુઓ અધિકરણ : વૃશ્ચિક રાશિ.)
સુશ્રુત પટેલ