વૃશ્ચિક રાશિ/તારામંડળ (Scorpion) સંક્ષેપ (Sco)

February, 2005

વૃશ્ચિક રાશિ/તારામંડળ (Scorpion) સંક્ષેપ (Sco) : દક્ષિણ દિશામાં આવેલું ઘણું મોટું તારામંડળ. તેનું કદ આશરે 497 ચોરસ અંશ (square degrees) છે અને આકાશનો લગભગ 1.204 ટકા જેટલો વિસ્તાર રોકે છે. બહુ ઓછાં તારામંડળ તેમના નામ પ્રમાણે આકાર ધરાવતાં હોય છે, તેમાંનું આ એક છે. તેનો આકાર હૂબહૂ વીંછી જેવો છે. તેથી ઓળખવામાં ઘણું સહેલું છે. બાર રાશિઓમાં વૃશ્ચિકનો ક્રમાંક આઠમો છે અને બીજી રાશિઓમાં રહે તેના કરતાં સૂર્ય તેમાં ઓછામાં ઓછા સમય માટે રહે છે.

હવાઈ, ફિજી જેવા કેટલાક દેશોના લોકો તેમાં માછલી પકડવાના ગલ(આંકડી)ની કે મત્સ્ય-અંકોડા(The Fish Hook)ની કલ્પના કરે છે, તો કેટલાંક તેમાં અંગ્રેજી મૂળાક્ષર ‘J’ની કલ્પના પણ કરે છે. આ તારામંડળ બાર રાશિમાંનું એક છે. મેષ રાશિથી તેનો ક્રમ આઠમો આવે છે. તેની આસપાસ વેદી, દક્ષિણ કિરીટ, તુલા, વૃક, અંકિની, સર્પધર અને ધનુ એમ સાત તારામંડળો આવેલાં છે.

ભારતમાં વૃશ્ચિક માટે ‘આલિ’, ‘કૌર્પ્ય’ અને ‘કૌર્પિ’ એવા અન્ય નામો પણ છે. આ ‘કૌર્પ્ય’ શબ્દ ઈસુની છઠ્ઠી સદીમાં થઈ ગયેલા વરાહમિહિરે આપ્યો છે. સંભવત: ગ્રીકોના ‘સ્કૉર્પિયો’ ઉપરથી તેણે આ શબ્દ પ્રયોજ્યો હોય તેમ જણાય છે. જોકે આ નામો પ્રચલિત ન થયાં.

આકૃતિ 1 : વૃશ્ચિક રાશિ (તારામંડળ)

ભારતીય ખગોળ અનુસાર વૃશ્ચિક રાશિમાં વિશાખા (એક-ચતુર્થાંશ), અનુરાધા (પૂર્ણ) અને જ્યેષ્ઠા (પૂર્ણ) નામનાં નક્ષત્રોનો સમાવેશ થાય છે. વીંછીના ડંખ તરીકે ઉપસતા મૂળ (મૂલ) નક્ષત્રની ગણના તે પછીની ધનુ રાશિમાં કરવામાં આવી છે.

જોકે પ્રાચીન ભારતીય વ્યવસ્થા મુજબ વૃશ્ચિક રાશિમાં મૂળ નક્ષત્રનો સમાવેશ ભલે ન થતો હોય, પરંતુ બૅબિલોન-ગ્રીક-રોમન પરંપરા પર આધારિત પાછળથી અપનાવવામાં આવેલી વ્યવસ્થા મુજબ વૃશ્ચિક (સ્કૉર્પિયો) તારામંડળમાં ડંખ (મૂળ) સહિત સમગ્ર વીંછીનો સમાવેશ થાય છે. એટલે કે વૃશ્ચિકમાં અનુરાધા, જ્યેષ્ઠા અને મૂળ (મૂલ)  એમ ત્રણ નક્ષત્રોનો સમાવેશ થાય છે. વળી વિશાખા નક્ષત્રનો સમાવેશ વૃશ્ચિકમાં નહિ, પણ તેના મુખ આગળ આવેલી તુલા રાશિમાં થાય છે.

આમ થવાનું કારણ એ છે કે ભારતમાં વૈદિક કાળથી જ સૂર્યના આકાશી માર્ગ એટલે કે ક્રાંતિવૃત્તને 27 કે 28 નક્ષત્રોમાં વહેંચવાની પરંપરા રહી હતી. પછી જ્યારે ભારતીય ખગોળશાસ્ત્રીઓએ, ઈસુની પ્રારંભિક સદીઓમાં, બૅબિલોન અને ગ્રીક પરંપરા અનુસાર રાશિ-વિભાજનને અપનાવવાનું શરૂ કર્યું ત્યારે 27 નક્ષત્રોનો 12 રાશિઓની સાથે મેળ બેસાડવાનું જરૂરી બની ગયું. આ પ્રમાણે પ્રત્યેક રાશિમાં, કૃત્રિમ રીતે, સવા-બે નક્ષત્રોનો સમાવેશ કરવો પડ્યો. આ બાબત સાબિત કરે છે કે રાશિ-વિભાજનનાં મૂળ વિદેશી છે.

જરા બીજી રીતે કહીએ તો, નક્ષત્રની કલ્પના સંપૂર્ણ ભારતીય છે, જ્યારે રાશિઓ આપણે ત્યાં પાછળથી આવી છે. આ બંને ગણતરીઓ સાંકળીએ તો 12 (બાર) રાશિ અને 27 (સત્યાવીસ) નક્ષત્રોના હિસાબે દરેક રાશિમાં સવા બે નક્ષત્રો આવે. આ નવી પ્રથા મુજબ, રાશિચક્ર મેષ રાશિથી અને અશ્ર્વિની નક્ષત્રથી આરંભાઈને મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં પૂરું થાય છે.

એટલે જ ભારતીય ખગોળ અનુસાર, ભલે વીંછીના ‘નખ’ તે વિશાખા નક્ષત્ર, ‘મોં’ અનુરાધા નક્ષત્ર, ‘હૃદય’ જ્યેષ્ઠા નક્ષત્ર અને ‘ડંખ’ મૂળ નક્ષત્ર કહેવાય; પરંતુ આધુનિક ખગોળશાસ્ત્ર મુજબ, આમાંનાં બધાં નક્ષત્રો વૃશ્ચિક રાશિમાં આવતાં નથી; કારણ કે રાશિચક્ર અને નક્ષત્રચક્ર – એમ બંને પદ્ધતિનો મેળ બેસાડવા જતાં, વૃશ્ચિકનું વિશાખા નક્ષત્ર તેની પહેલાની સાતમી રાશિ એટલે કે તુલા રાશિમાં આવે છે. વળી જૂના જમાનામાં તો વિશાખા નક્ષત્રને તેમજ સમગ્ર તુલા રાશિને વૃશ્ચિકના ચીપિયાવાળો વિભાગ ગણવામાં આવતો હતો. ઈ. પૂ.ના કાળના સંદર્ભસાહિત્યમાં વૃશ્ચિક રાશિનો વિસ્તાર આજે છે તે કરતાં પણ વધારે હતો. પ્રાચીન બૅબિલોનના ખગોળવિદોને ચીલે ચાલીને, પ્રાચીન ગ્રીકના લોકો પણ વિશાખા નક્ષત્રનો સમાવેશ વૃશ્ચિક રાશિમાં જ કરતા હતા. પરંતુ પાછળથી તેને તુલા રાશિમાં સ્થાન આપવામાં આવ્યું.

આ ઉપરાંત વૃશ્ચિક રાશિના સંદર્ભે એક બીજી પણ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

આકાશી ગોલકના ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત જે બે બિંદુઓએ એકમેકને કાપે છે તેમને વસંત સંપાત-બિંદુ અને શરદ સંપાત-બિંદુ કહેવાય છે. સૂર્ય જ્યારે આ બિંદુઓ પર આવે છે ત્યારે રાત અને દિવસ સરખાં થાય છે; પરંતુ આ બિંદુઓ સ્થિર નથી. અયન-ચલન (precession of equinoxes) જેવી પૃથ્વીની એક વિશિષ્ટ ગતિને કારણે તે પશ્ચિમ તરફ સરકતા રહે છે. એટલે તેમના સંદર્ભે રાશિઓની સ્થિતિ પણ નિરંતર બદલાતી રહે છે. બહુ પ્રાચીન કાળમાં આ બે પૈકીનું શરદ સંપાત-બિંદુ વૃશ્ચિકમાં જ હતું, પરંતુ પાછળથી ખસીને તે પશ્ચિમ તરફ ગયું. આને લીધે એક નવી રાશિનો જન્મ થયો. આ રાશિ તે તુલા. તુલા એટલે ત્રાજવું. દિવસ અને રાતને સમાન તોલતું ત્રાજવું. આમ દિવસ-રાત(શરદ સંપાત-બિંદુ)માં સમતોલપણાનું સૂચન કરતી તુલા રાશિનો જન્મ થયો. જોકે હવે આ શરદ સંપાત-બિંદુ ખસતું ખસતું, તુલાની પહેલાં આવેલી કન્યા રાશિમાં પહોંચ્યું છે.

આકૃતિ 2 : 13મી સદીનું ઇટાલીનું વૃશ્ચિક તારામંડળનું એક ચિત્ર, જેમાં પારિજાત તારો વૃશ્ચિકના મધ્યબિંદુની નજદીક દર્શાવ્યો છે.

આધુનિક ખગોળશાસ્ત્ર મુજબ, આ તુલાનો ‘આલ્ફા લાઇબ્રી’ એટલે કે તુલા રાશિ(તારામંડળ)માં આવેલો આલ્ફા તુલા (a Librae) નામનો યોગ તારો વિશાખા નક્ષત્રનું બિરુદ પામે છે. આ તારાનું મૂળ યા પ્રચલિત નામ ઝૂબેનેલજેનુબી (Zubenelgenubi) છે. આમ વિશાખા નક્ષત્રનું સ્થાન, વૃશ્ચિક તારામંડળમાં નહિ, પણ તુલા તારામંડળમાં આવે છે.

આ નવી વ્યવસ્થા મુજબ, વૃશ્ચિક મંડળનો જે ભાગ આકાશમાં તુલા રાશિ તરફ આવેલો છે અને પાંચ તારાની વક્રરેખા વડે બનેલો છે તે વીંછીનું મુખ છે, તે અનુરાધા નક્ષત્ર છે. આનાથી નીચેની તરફ એક લાલ રંગનો ચળકતો તારો દેખાય છે તે તથા તેની આજુબાજુના તારા મળીને જ્યેષ્ઠા નક્ષત્ર બનાવે છે. વીંછીના છેડાનો ભાગ, એટલે કે ડંખ તે મૂળ નક્ષત્ર છે.

આપણા ખગોળશાસ્ત્રીઓએ ભારતીય નક્ષત્રોને પશ્ચિમના તારા સાથે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તે મુજબ, જ્યેષ્ઠા નક્ષત્રનો મુખ્ય તારો પારિજાત એટલે વૃશ્ચિકમાં આવેલો ‘આલ્ફા સ્કૉર્પી’ (Alpha Scorpii અથવા a Sco) છે. તેનું બીજું પ્રચલિત નામ ‘ઍન્ટેરીઝ’ કે ‘એંટારેસ’ (Antares) છે. આમ કેટલાક વિદ્વાનોના મતે ઍન્ટેરીઝ તે આપણું જ્યેષ્ઠા નક્ષત્ર છે.

પરંતુ દરેક કિસ્સામાં ભારતીય નક્ષત્રનો પાશ્ર્ચાત્ય તારા સાથે મેળ બેસાડવાનું કામ સરળ નથી. આનું ઉદાહરણ વૃશ્ચિકનું મૂળ નક્ષત્ર છે. આ નક્ષત્રનો યોગ તારો (એટલે કે મુખ્ય તારો) કયો તે અંગે ભારતીય ખગોળશાસ્ત્રમાં બહુ સ્પષ્ટતા નથી. એટલે આધુનિક ખગોળશાસ્ત્ર મુજબ આકાશના આ ભાગમાં આવતા કયા તારાને ભારતના મૂળ નક્ષત્રનું બિરુદ આપવું તે નક્કી કરવામાં અનિશ્ચિતતા સર્જાય છે; તેમ છતાંય મોટાભાગના સંશોધકો, વૃશ્ચિકના ડંખ પર આવેલા ‘લૅમ્બડા સ્કૉર્પી’ (l Scorpii) તારાને મૂળ નક્ષત્ર હોવાનું માને છે. આ લૅમ્બડા વૃશ્ચિકનું પ્રચલિત નામ ‘શૉલા’ કે ‘શોલા’ (Shaula) છે. તેનો અર્થ થાય છે ‘અગ્નિજ્વાળા’.

તેવી જ રીતે, વૃશ્ચિકના અનુરાધા નક્ષત્ર માટે ‘બીટા સ્કૉર્પી’ અને ‘ડેલ્ટા સ્કૉર્પી’ – એમ બે તારામાંથી ‘ડેલ્ટા સ્કૉર્પી’ એટલે કે ડેલ્ટા વૃશ્ચિક (d Scorpii) પર પસંદગી ઉતારવામાં આવી છે.

આમ વૃશ્ચિકમંડળ તેમજ જ્યેષ્ઠા નક્ષત્રના મુખ્ય તારાનું નામ પારિજાત (Antares) છે. પારિજાતના ફૂલના પેટમાં અને તેની દાંડી પર પરવાળા જેવી જે લાલાશ હોય છે તેવી જ લાલાશ આ આકાશના પારિજાતમાં પણ છે. બીજી રીતે કહીએ તો, તેનો રંગ મંગળ ગ્રહ જેવો લાલ છે. ગ્રહોનો આકાશી માર્ગ પારિજાતની પાસેથી પસાર થાય છે. કોઈક વાર મંગળ પણ તેની પાસેથી પસાર થતો જોઈ શકાય છે; ત્યારે બંને વચ્ચે જાણે હરીફાઈ થતી હોય તેવું લાગે છે. એટલે આ તારાને ‘મંગલારિ’ (એટલે કે મંગળનો શત્રુ) પણ કહેવાય છે. પારિજાતનું પાશ્ર્ચાત્ય નામ ‘ઍન્ટેરીઝ’ પણ આ જ અર્થ સૂચવે છે. ગ્રીક ભાષામાં મંગળને ‘આરેસ’ કે ‘એરીસ’ (Ares) કહે છે, અને ‘અટ’(ઍન્ટી)નો અર્થ છે  ‘પ્રતિદ્વંદ્વી’ (Anti-Ares). એરીસ એ ગ્રીકોનો યુદ્ધદેવતા છે, જેને રોમન લોકો ‘માર્સ’ (Mars) કહે છે. આમ ઍન્ટેરીઝ નામમાં ‘માર્સ(મંગળ)નો પ્રતિદ્વંદ્વી’ એવો અર્થ અભિપ્રેત છે. ચણોઠી જેવા લાલ ભડક રંગને કારણે પારિજાતને વીંછીની આંખ પણ કહેવાય છે.

વૃશ્ચિક તારામંડળનો તે સહુથી પ્રકાશિત તારો તો છે જ, પણ આકાશના પ્રથમ વર્ગના, એટલે કે આકાશના તેજસ્વી 21 તારામાં પણ પારિજાતનો સમાવેશ થાય છે. પારિજાત વિરાટોમાં પણ વિરાટ એવો અતિવિરાટ તારો છે. આપણો સૂરજ તેની આગળ વામણો લાગે. સૂરજ કરતાં તે 11,000 ગણો પ્રકાશિત છે અને આશરે 604 પ્રકાશવર્ષ દૂર છે. આ લાલ મહાદાનવ (red supergiant) તારાનો વ્યાસ 966,000,000 કિમી.થી પણ વધારે છે. જો તેને આપણા સૂર્યને સ્થાને મૂકીએ તો સૌરમંડળના પહેલા ચાર ગ્રહો સહિત લઘુગ્રહ-પટાના ઘણા મોટા ભાગ ઉપર તે છવાઈ જાય ! આ પારિજાત એક યુગ્મતારો છે. તેનો જોડીદાર લીલા રંગનો સાતમા વર્ગનો ઝાંખો તારો છે. આ તારો 3 ઇંચના વર્તક દૂરબીનમાંથી જોઈ શકાય છે. આ તારો રેડિયો-તરંગો ઉત્સર્જિત કરે છે. સન 1819માં જોહાન્ન બર્ગ (Johann Burg : 1766-1834) નામના ઑસ્ટ્રિયાના ખગોળશાસ્ત્રીએ તેની શોધ વિયેનામાંથી કરી હતી.

વૃશ્ચિકનો અંતિમ ભાગ વળેલો દેખાય છે, તે વીંછીનો ડંખ છે. આ મૂળ નક્ષત્રમાં બીજા વર્ગના ત્રણેક તારા આવેલા છે. આખા વૃશ્ચિક મંડળની વાત કરીએ તો તેમાં પ્રથમ વર્ગનો એક, બીજા વર્ગના પાંચ અને ત્રીજા વર્ગના આઠ તારા છે. આમ ચળકતા તારાઓની રીતે વિચારીએ તો વૃશ્ચિક મંડળ અતિ સમૃદ્ધ ગણાય.

વળી આ તારામંડળ આકાશગંગાના પટમાં આવેલું હોઈ, તેમાં બીજા પણ અનેક જોવાલાયક આકાશી જ્યોતિઓ છે, જે નરી આંખે તેમજ બાઇનૉક્યૂલર કે ટેલિસ્કોપ જેવાં સાધનોથી જોઈ શકાય છે.

આ તારામંડળમાં ઘણાં બધા યુગ્મતારાઓ (doubles), રૂપવિકારી તારાઓ (variables), તારાગુચ્છો (clusters) અને નિહારિકાઓ આવેલી છે. આવા નોંધપાત્ર તારકગુચ્છોમાં M. 4, M. 6, M. 7 અને M. 80 એમ કુલ ચાર મેસિયર જ્યોતિપિંડોનો સમાવેશ થાય છે. (M એટલે Messier Catalogue  ‘મેસિયર તારકપત્ર’ મુજબ. આપણે તે માટે ‘મે’ કે ‘એમ’ કહી શકીએ). આ પૈકી એમ. 6 (મે. 6) અને એમ. 7 (મે. 7) જેવા કેટલાક તારકગુચ્છો નરી આંખે પણ દેખાય છે.

એમ. 4 પારિજાતની નજદીક આવેલો તારકગુચ્છ ગોલાકાર કે સઘન તારકગુચ્છ (globular cluster) પ્રકારનો છે; પરંતુ ચાર કે છ ઇંચ(100થી 150 મિલીમિટર)ના ટેલિસ્કોપમાંથી જોતાં તેમાં અલગ અલગ તારા જોઈ શકાય છે.

એમ. 7 મોકળો અથવા તો ખુલ્લો તારકગુચ્છ (open cluster) છે અને વૃષભ તારામંડળમાંના કૃત્તિકા નક્ષત્ર જેવો મનોરમ્ય છે.

એમ. 6 પણ આવો બીજો મોકળો તારકગુચ્છ છે. તેને ‘Butterfly Cluster’ પણ કહેવાય છે. મોટા દૂરબીનમાંથી જોતાં તેનો આકાર પતંગિયા જેવા દેખાતો હોઈ તેને આવું નામ આપ્યું છે. આ બંને ખુલ્લા તારકગુચ્છ મૂળ નક્ષત્ર એટલે કે લૅમ્બડા વૃશ્ચિક કે શૉલા(l Scorpii અથવા Shaula)ની પૂર્વમાં આવેલા છે. આ બધા તારકગુચ્છ સ્વચ્છ આકાશમાં બાઇનૉક્યુલર વડે જોઈ શકાય છે.

જ્યેષ્ઠા અને અનુરાધા નક્ષત્રોની વચ્ચે આવેલું એમ. 80 એ એક સઘન તારકગુચ્છ છે. તેમાંના તારાઓને છૂટા પડેલા જોવા માટે દસ ઇંચિયું (250 મિલીમિટર) દૂરબીન જોઈએ. આ તારકગુચ્છના મધ્યમાં સન 1860માં એક તેજસ્વી નૉવા (નવ તારક) દેખાયો હતો.

આ ચાર મેસિયર પિંડો ઉપરાંત, વૃશ્ચિકમાં ‘ન્યૂ જનરલ કૅટલૉગ’(NGC)ના NGC 6231, NGC 6281, NGC 6192 અને NGC 6124 વગેરે તારકગુચ્છ જેવા જ્યોતિપુંજો પણ આવેલા છે.

આ તારામંડળના અનુરાધા નક્ષત્રની ઉત્તરે (ઉપર), તુલા તારામંડળની પૂર્વે અને સર્પધર તારામંડળની દક્ષિણે (નીચે) ‘વૃશ્ચિક ઍક્સ-1’ (Scorpius X-1) નામનો અત્યંત તીવ્ર ક્ષ-કિરણો ઉત્સર્જિત કરતો યુગ્મતારો આવેલો છે. (જુઓ અધિકરણ : વૃશ્ચિક ઍૅક્સ-1.)

વૃશ્ચિકમાં વર્ષ દરમિયાન મેની ત્રીજી તારીખની આસપાસ અને જૂનની પાંચમી તારીખની આસપાસ ઉલ્કા-વર્ષા જોવા મળે છે. જોકે વર્ષમાં બે વાર જોવા મળતી આ ઉલ્કા-વર્ષા બહુ ધ્યાનાકર્ષક નથી.

દક્ષિણ તરફ મોં કરીને ઊભા રહીએ તો, વૃશ્ચિકની જમણી બાજુએ તુલા રાશિ કે તુલા મંડળ છે અને તેની નીચે વૃક મંડળ આવેલું છે. વૃશ્ચિકની ડાબી બાજુએ ધનુ રાશિ અને તેની નીચે દક્ષિણ કિરીટ છે. આ દક્ષિણ કિરીટ (કૉરોના ઑસ્ટ્રેલિસ) આપણે ત્યાંથી અને ખાસ તો દક્ષિણ ભારતમાંથી બહુ સારી રીતે દેખાય છે. આ નાનકડું તારામંડળ વીંછીના ડંખ(પૂંછડી)ની પૂર્વ તરફ આવેલું છે. વૃશ્ચિક તારામંડળ સમગ્ર ભારતમાંથી દેખાય છે. કાશ્મીરના ઉત્તર ભાગના પ્રદેશમાંથી જોતાં તેનો નીચેનો ડંખવાળો ભાગ ક્ષિતિજની લગોલગ દેખાય છે, જ્યારે દક્ષિણ ભારતમાંથી તે ક્ષિતિજથી ઠીક ઠીક ઊંચે દેખાય છે. જૂનના પહેલા અઠવાડિયામાં તેનો પારિજાત તારો મધ્યરાત્રિની આસપાસ યામ્યોત્તર થાય છે. જુલાઈ મહિનામાં રાત્રે નવ વાગ્યાની આસપાસ તે સારી રીતે જોઈ શકાય છે. ગુજરાતમાંથી વૃશ્ચિક તારામંડળ જુલાઈથી સપ્ટેમ્બર મહિનાઓમાં રાત્રે નવ-દસ વાગ્યાની આસપાસ દક્ષિણ આકાશમાં સારી રીતે દેખી શકાય છે. જો આકાશ સ્વચ્છ હોય કે પછી શહેરથી દૂર જઈને જોતાં વૃશ્ચિક તારામંડળમાંથી આકાશગંગા પસાર થતી દેખી શકાશે.

જેમ જેમ દક્ષિણે જતા જઈએ તેમ તેમ વૃશ્ચિક તારામંડળ ક્ષિતિજથી ઊંચે આવતું જાય છે. ન્યૂઝીલૅન્ડમાંથી જોતાં તે નિરીક્ષકના માથે એટલે કે આકાશની મધ્યમાં (ખમધ્યે) દેખાય છે.

ગ્રીક ગાથામાં એવી વાર્તા છે કે, જૂનોની આજ્ઞાથી વીંછી જમીનમાંથી બહાર નીકળ્યો અને તેણે એક ભયંકર વાઘને માર્યો. એટલે તેણે વીંછીને આકાશમાં અમર કર્યો છે.

બીજી ગ્રીક કથા આવી છે : ઓરાયન નામનો એક શિકારી વનમાં જેના તેના શિકાર કરીને સૌને રંજાડવા લાગ્યો અને પોતાને વિશ્વનો સહુથી કુશળ શિકારી સમજવા લાગ્યો. પોતે કોઈ પણ પ્રાણીને મારી નાખી શકવા સમર્થ છે તેવું તેને ઘમંડ હતું. તેના આ ત્રાસથી બચવા અને તેનું આવું ઘમંડ દૂર કરવા, દેવતાઓએ, અને ખાસ તો દેવી જૂનોએ, તેની પાસે એક ભયંકર ઝેરી વીંછી મોકલવાનું નક્કી કર્યું. ધરતીના પેટાળમાંથી આ વીંછી પ્રગટ થયો. તેણે ઓરાયનને મારવા તેના જેવું જ રાક્ષસી કદ ધારણ કર્યું અને તેના પગે ડંખ માર્યો. તેના ઝેરથી ઓરાયન મૃત્યુ પામ્યો. વીંછીના આ સત્કૃત્ય બદલ જૂનોએ તેને આકાશમાં સ્થાપ્યો. બીજી કથા એવી છે કે દેવી ડાયેનાએ ઓરાયનને વીંછીથી છેક જ વિપરીત, 180 અંશ જેટલા અંતરે, આકાશમાં સ્થાપિત કરી દીધો, જેથી ઓરાયન સુરક્ષિત રહે. તેમનું સ્થાપન એવી રીતે કર્યું કે જેથી તે બંને એકમેકથી દૂર જ રહે.

આમ જોવા જાઓ તો, આ કેવળ એક કથા કે આખ્યાન જ છે; પરંતુ તેમાંની એકમેકથી દૂર રહેવાની અંતરવાળી બાબત આકાશદર્શનના જાણકારો માટે ઉપયોગી છે. કારણકે પૂર્વ ક્ષિતિજ પર જ્યારે વૃશ્ચિકનો ઉદય થાય છે, ત્યારે ઓરાયન (મૃગ) પશ્ચિમ ક્ષિતિજે અસ્ત થતો હોય છે. જાણે વીંછીના ડંખથી ઓરાયન દૂર ભાગતો હોય ! બંને એકસાથે આકાશમાં ક્યારેય દેખાતા નથી. ઉપર્યુક્ત આખ્યાન આ ભૌતિક ઘટનાને વ્યક્ત કરે છે. ખુદ વૃશ્ચિક પણ તેની પાસેના ધનુ(ધનુર્ધર)ના બાણથી ભયભીત છે. તારાના જૂના પાશ્ર્ચાત્ય નક્શાઓમાં ધનુને વૃશ્ચિક તરફ નિશાન તાકતો દર્શાવવામાં આવ્યો છે.

આપણે ત્યાંના ઉપલબ્ધ સંદર્ભોમાં વૃશ્ચિક માટે આવી કોઈ જાણીતી કથા મળતી નથી. જોકે દક્ષિણ તરફના ભારતના અમુક પ્રદેશોમાં નાગપૂજાની જેમ વીંછીની પૂજાની પ્રથા છે. ત્યાં વૃશ્ચિકનાં મંદિરો પણ છે. સંભવ છે કે તેને લગતી કોઈ કથા ત્યાંના સાહિત્યમાંથી મળે.

વૃશ્ચિકને મંગળ ગ્રહનું ઉત્પત્તિસ્થાન માનવામાં આવે છે અને મંગળ ગ્રહને કંકાસ અને લડાઈનો કારક માનવામાં આવતો હોઈ તેનાં જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રોને પ્રાચીન કાળથી જ અશુભ માનવામાં આવે છે; પરંતુ કીમિયાગરો એટલે કે પ્રાચીન કાળમાં હલકી ધાતુમાંથી સોનું બનાવનારા રસસિદ્ધો વૃશ્ચિકને બહુ મહત્વ આપતા હતા, કારણ કે સૂર્ય જ્યારે આ રાશિમાં હોય ત્યારે લોખંડમાંથી સોનાનું રૂપાંતર કરવાનો તે ઉત્તમ યોગ હોવાનું તેઓ માનતા હતા. સૂર્ય આ રાશિમાંથી દર વર્ષે નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન પસાર થાય છે.

વળી વૃશ્ચિકમાં જેને આજે આપણે ‘નોવા’ કે ‘સ્ફોટક તારા’ (Nova) કહીએ છીએ તેવા જ્યોતિપુંજો તેમાં ઘણાં જૂના કાળથી જ દેખાતા હતા. પ્રાચીન પ્રજાઓએ કરેલી આવી નોંધો મળે છે. જેમ કે ચીનના ખગોળવિદોએ તેમજ ઈ. પૂ. બીજી સદીમાં થઈ ગયેલા ગ્રીક ખગોળવિદ હિપાર્કસે અનુરાધા નક્ષત્રની આસપાસ ઈ. પૂ. 134માં આવો એક નવો તારો જોયાનું નોંધ્યું છે. તે એટલો બધો તેજોમય હતો કે દિવસે પણ દેખાતો હતો ! આકાશના અમુક ભાગમાં જ્યાં કશું જ ન હોય, જ્યાં કોઈ જ્યોતિપુંજ દૃષ્ટિગોચર થતો ન હોય, ત્યાં એકાએક પ્રગટતા અને પછી લુપ્ત થઈ જતા આવા તારાને જોઈને જ હિપાર્કસને આકાશના તારાઓની સારણી કરવાનો વિચાર આવ્યો હતો. આવા બધા થઈને 1080 તારાઓની એક સૂચિ તેણે બનાવી, જેથી તેમાં થતા ફેરફાર જાણી શકાય. આ તારાપત્રકમાં હિપાર્કસે તારાઓને 48 જૂથમાં કે તારામંડળમાં વહેંચ્યા હતા. તારાઓને આવી રીતે જૂથમાં વહેંચી દેવાની (તારામંડળની) વ્યવસ્થા આજે પણ મોજૂદ છે.

તે પછી વૃશ્ચિકમાં ઈ. સ. 393, 827, 1203, 1578 અને 1860માં પણ આવી ઘટનાઓ નોંધાઈ છે. આકાશમાં કશું પરિવર્તન ન થઈ શકે તેવી પ્રાચીન લોકોની માન્યતાને ધક્કો પહોંચાડતી વૃશ્ચિક રાશિમાંની નૉવાની આ ઘટનાઓએ પણ આ સુંદર તારામંડળને બદનામ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોય તેમ જણાય છે.

સુશ્રુત પટેલ