વૃદ્ધિવલય : વૃક્ષોના કાષ્ઠમાં થતી દ્વિતીય વૃદ્ધિ દરમિયાન ઋતુનિષ્ઠ (seasonal) સામયિકતાને લીધે ઉત્પન્ન થતો વલય. સમશીતોષ્ણ પ્રદેશોમાં સ્પષ્ટ તફાવતોવાળી ઋતુઓ જોવા મળે છે. શિયાળામાં ઠારી નાખતી ઠંડી હોય છે, પરંતુ વસંતઋતુમાં આબોહવા હૂંફાળી અને અનુકૂળ હોય છે. પાનખર ઋતુમાં વૃક્ષ પર્ણપતન કરે છે. આ ઋતુઓના અનુસંધાનમાં વૃક્ષો તેમની દ્વિતીય વૃદ્ધિ દરમિયાન સામયિકતા દર્શાવે છે. વસંતઋતુમાં વૃદ્ધિ શરૂ થાય છે અને તેનો દર ખૂબ ઊંચો હોય છે. ઉનાળા દરમિયાન વૃદ્ધિ ચાલુ રહે છે. પાનખર ઋતુમાં વૃદ્ધિ ધીમી પડી જાય છે અને શિયાળાની શરૂઆતમાં વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી જાય છે. તેથી દર વર્ષે ઉત્પન્ન થતું દ્વિતીય કાષ્ઠ અલગ તરી આવે છે અને એક પૂર્ણ વલય બનાવે છે. વર્ષો પછી દ્વિતીય વૃદ્ધિને લીધે દ્વિતીય કાષ્ઠનાં વલયો ઉત્પન્ન થાય છે, જેમને વાર્ષિક વૃદ્ધિવલયો કહે છે. સમશીતોષ્ણ પ્રદેશમાં થતાં વૃક્ષોના પ્રકાંડમાંનાં વૃદ્ધિવલયો તેમની ઉંમર દર્શાવે છે. આ સ્થિતિ દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે. દેવદાર(Cedrus deodara)નાં વૃક્ષો ખૂબ લાંબું આયુષ્ય ભોગવે છે. તેનાં કેટલાંક વૃક્ષોની ઉંમર હજાર વર્ષ કે તેથી વધારેની હોય છે.
ઉષ્ણકટિબંધમાં ઋતુનિષ્ઠ સામયિકતા સ્પષ્ટપણે જોવા મળતી નથી. શિયાળાના ચાર માસમાં એટલી સખત ઠંડી પડતી નથી અને ઉનાળો આઠ માસ માટેનો હોય છે. ઉષ્ણકટિબંધીય વૃક્ષોમાં વૃદ્ધિવલયની સંખ્યા વૃક્ષની ઉંમરને અનુરૂપ હોતી નથી. તેમને વૃદ્ધિરેખાઓ (growth marks) કહી શકાય. ઋતુનિષ્ઠ સામયિકતાના અભાવ ઉપરાંત, ઉષ્ણકટિબંધીય વૃક્ષોમાં વૃદ્ધિવલય નહિ જોવા મળવાનું કારણ તેમનું જનીનબંધારણ પણ હોઈ શકે. સાગ (Tectona grandis), શીમળો (Salmalia malabarica), બકાન લીમડો (Melia azadirach) અને કણજી (Holoptelia integrifolia) જેવાં કેટલાંક ઉષ્ણકટિબંધીય વૃક્ષોમાં વૃદ્ધિવલય જોવા મળે છે. ગુલમહોર (Delonix regia), જાંબુ (Eugenia jamaolbna) જેવાં વૃક્ષોમાં વૃદ્ધિરેખાઓ હોય છે. Garuga pinnataમાં વૃદ્ધિરેખાઓ જોવા મળતી નથી.
સમશીતોષ્ણ જાતિઓમાં વસંતઋતુમાં ઉદ્ભવતાં કાષ્ઠની જલવાહિનીઓની દીવાલ પાતળી હોય છે અને તેમનું કોટર વધારે પહોળું હોય છે. આવા કાષ્ઠને વસંતકાષ્ઠ (spring wood) કહે છે. પાનખર ઋતુમાં ઉદ્ભવતી જલવાહિનીઓની દીવાલ જાડી અને કોટર સાંકડું હોય છે. તેને શરદકાષ્ઠ (autumn wood) કહે છે. આવા પ્રકારના કાષ્ઠને વલયછિદ્રી (ring porous) કહે છે.
ઉષ્ણકટિબંધીય જાતિઓના કાષ્ઠમાં જલવાહિનીઓના વ્યાસ લગભગ સરખા હોય છે. તેઓ પહોળો વ્યાસ ધરાવે છે અને વૃદ્ધિવલયમાં તેમનું વિતરણ એકસરખું હોય છે. આવા પ્રકારના કાષ્ઠને વિસરિત છિદ્રી (diffuse porous) કાષ્ઠ કહે છે. સાગ, બકાન લીમડો, પાઇનસ વગેરેમાં વલયછિદ્રી કાષ્ઠ જોવા મળે છે. વલયછિદ્રી કાષ્ઠમાં વસંતકાષ્ઠની જલવાહિનીઓ દ્વારા શરદકાષ્ઠની જલવાહિનીઓ કરતાં વધારે ઝડપથી પાણીનું વહન થાય છે. વિસરિત છિદ્રી કાષ્ઠ દ્વારા વલયછિદ્રી કાષ્ઠ કરતાં વધારે ઝડપથી પાણીનું વહન થાય છે. શરદકાષ્ઠ દ્વારા થતા પાણીના ધીમા વહન માટે દેહધાર્મિકત: ઓછી જરૂરિયાત રહે છે.
બળદેવભાઈ પટેલ