વૃદ્ધિરોગ (scrotal swelling) : વૃષણ(ટેસ્ટિકલ્સ-અંડકોષ)ને અથવા તેના પર આવેલ ચામડીઓના આવરણ-વૃષણકોષને કદમાં મોટો કરનાર રોગ.

પ્રકાર અને સંખ્યા : તેના બે પ્રકાર છે : (1) દોષોથી થનાર  દોષજ વૃદ્ધિ અને (2) દુષ્યજ વૃદ્ધિથી થનાર. દોષજ વૃદ્ધિ ત્રણ પ્રકારની હોય છે : વાતજ વૃદ્ધિ, પિત્તજ વૃદ્ધિ અને કફજ વૃદ્ધિ. દુષ્યજ વૃદ્ધિ ચાર પ્રકારની હોય છે : મૂત્રજ વૃદ્ધિ, રક્તજ વૃદ્ધિ, મેદજ વૃદ્ધિ અને આંત્રજ વૃદ્ધિ. આમાંથી આંત્રજ વૃદ્ધિ એટલે સારણગાંઠ (Hernia).

લક્ષણ વિજ્ઞાન – (1) વાતજ વૃદ્ધિમાં વૃષણનું કદ મોટું થાય છે, એમાં દુ:ખાવો થાય છે અને તેને દબાવતાં અંદર વાયુનો ગડગડાટ સંભળાય છે. આધુનિક ભાષામાં આવો રોગ ‘સ્ટ્રેન્ગ્યુલેટેડ એન્ટરોસીલ (strangulated enterocele) તરીકે ઓળખાય છે. કફજ વૃદ્ધિમાં વૃષણ કઠણ, દુ:ખાવા વિનાનો, ઠંડો અને ખંજવાળ – એટલાં લક્ષણો જોવા મળે છે. આધુનિક ભાષામાં ‘ફાઇલેરિયાસિસ ઑવ્ સ્ક્રોટમ’ (filariasis of the scrotum) નામે કે અંડકોષ વૃદ્ધિ નામે ઓળખાય છે.

(2) પૈત્તિક વૃદ્ધિમાં વૃષણવૃદ્ધિ મધ્યમ પ્રકારની હોવાથી તે જલદી પાકે છે. પાકેલા ઉમરડાના ફળ જેવો રંગ, સાથે તાવ, બળતરા અને ગરમી બતાવે છે. આધુનિક ભાષામાં તે ‘એક્યુટ ઑર્કાઇટિસ’ (acute orchitis) તરીકે ઓળખાય છે.

(3) આંત્રજ વૃદ્ધિ(સારણગાંઠ કે હર્નિયા)માં મોટા કે નાના આંતરડાનો થોડો ભાગ, આંત્રબંધની કે બીજી રચના ‘વંક્ષણ સુરંગ’ (inguinal canal) દ્વારા વૃષણકોષમાં નીચે ઊતરે છે. શરૂઆતમાં સાથળના મૂળમાં ઉભાર દેખાય, પછી વૃષણકોષમાં આવે, ઊભા રહેતાં, ખાંસી ખાતાં કે હસતાં તે મોટી થતી દેખાય, સૂવાથી ફરી અંદર જતી રહે, અથવા પ્રથમા આંગળી વડે ધકેલતાં તે પેટમાં જતી રહે છે. આંગળી લઈ લેતાં પાછી આવે છે. ઊતરતાં અવાજ થાય છે. કદીક આંતરડું અંડકોષની કોથળીમાં ઊતરતાં અંદર તેની આંટી પડી જાય છે, જેને સારણનો ફાંસો કહે છે. તેમ થતાં ભારે પીડા થાય છે ને તત્કાલ સર્જરી ન થતાં દર્દી મરી જાય છે.

(4) મૂત્રજ વૃદ્ધિ એટલે વૃષણકોષનાં પડો વચ્ચે પાણી અથવા મૂત્ર ભરાય ત્યારે આ રોગ થાય છે. તેને ‘વધરાવળ’ પણ કહે છે. ચાલવાથી નાળિયેરમાં પાણી ખખડે તેમ, વૃષણમાં પાણી કે પ્રવાહી ખખડે છે. આધુનિક પરિભાષામાં આને હાઇડ્રૉસીલ (hydrocoel) કહે છે.

(5) મેદજ વૃદ્ધિમાં વૃષણકોષનાં પડો વચ્ચે ચરબી (fat) જમા થાય છે; તેથી વૃષણ મૃદુ, સુંવાળો, ખંજવાળવાળો, થોડી વેદનાવાળો અને તાડફળ જેટલો બની શકે છે.

સાધ્યાસાધ્ય : આંત્રજ વૃદ્ધિ (હર્નિયા) શસ્ત્રકર્મ સિવાય મટાડવી મુશ્કેલ હોવાથી તે અસાધ્ય ગણાઈ છે. બાકીના પ્રકારો ઔષધસાધ્ય ગણાયા છે. આંત્રજ વૃદ્ધિ જો વૃષણકોષમાં ન આવેલ હોય તો સાધ્ય છે; પણ આંતરડું અંડકોષમાં ઊતરેલું હોય તો તે વૃદ્ધિ અસાધ્ય છે. આંતરડું નીચે ઊતરતું (હર્નિયા) અટકાવવા, તેના માપના ખાસ પટ્ટા આવે છે, જે લાભદાયક છે.

ચિકિત્સા : (1) વાતિક વૃદ્ધિમાં એક મહિના સુધી એરંડિયું-દિવેલ ઉકાળેલા દૂધમાં મેળવીને પીવાથી મટી જાય છે. (2) પૈત્તિક વૃદ્ધિમાં જલદી પાક થાય છે, ન થાય તો પાક કરાવવો. દોષઘ્નલેપથી તે જલદી પાકી જાય છે. જરૂર પડે તો તેની ઉપર નાનો ચીરો દેવો પડે છે. પાકનો ભાગ નીકળી જાય એટલે મધ-ઘી મેળવીને ડ્રેસિંગ-વ્રણ-કર્મકરવું જરૂરી થાય છે. (3) કફજ વૃદ્ધિમાં દોષઘ્નલેપ ગોમૂત્રમાં લસોટીને ઘાટો લેપ કરવો. દારૂહળદરનો ક્વાથ 25 મિ.ગ્રા. ગોમૂત્ર સાથે આપવાથી લાભ થાય છે. (4) મેદજ વૃદ્ધિમાં વૃષણ પર શેક કરવો (હલકો) જરૂરી બને છે અને દોષઘ્નલેપ લગાડાય છે. (દર્દીને દિવેલ આપવું અને મધુર, ભારે, ચીકણો, કફકર્તા ખોરાક બંધ કરવો હિતાવહ છે.) જરૂર પડે તો શેક કરી પછી શસ્ત્રકર્મ કરવાનું થાય છે. (5) મૂત્રવૃદ્ધિ થઈ હોય તો જલોદર અને સોજાની ચિકિત્સા કરવી તથા જલ-વિસ્રાવણ કરાવવું ઇષ્ટ છે. (6) રક્તજ વૃદ્ધિમાં વૃષણ પર જલૌકા (જળો) મૂકીને લોહી ચુસાવવાથી રાહત થાય છે.

આગળ બતાવ્યું તેમ, આંત્રજ વૃદ્ધિ (હર્નિયા) જો અંડકોષમાં ન ઊતરેલ હોય (આંતરડ્ં કે આંત્રબંધના જેવું પેટનું અંગ વૃષણકોષમાં નીચે ન ઊતર્યું હોય) ત્યારે એક માસ સુધી દર્દીને એરંડ તેલ દૂધમાં આપવું ઇષ્ટ છે. વળી વંક્ષણ (જાંઘ) સુરંગમાં અગ્નિકર્મ (ડામ) કરવાનું સૂચવાય છે. તે ઉપરાંત જે બાજુએ તે હોય, તેની વિપરીત બાજુના જ હાથના અંગૂઠાની નસમાં પણ અગ્નિકર્મ (ગરમ સળિયાથી ડામ દેવામાં) કરવામાં આવે છે. આમાં આંત્રવૃદ્ધિ જો ડાબી તરફ હોય તો જમણા અંગૂઠાની વચ્ચે નાનો કાપો મૂકીને પછી અગ્નિકર્મ કરવામાં આવે છે. આવું જ જમણી તરફ હોય તો ડાબી તરફ દાહકર્મ કરવામાં આવે છે.

પથ્ય : મૂત્રવૃદ્ધિ સિવાયના બીજા બધા પ્રકારોમાં દર્દીને દાળ, ભાત, શાક અને ખીચડી જેવો હલકો ખોરાક આપવામાં આવે છે. કફવૃદ્ધિ તથા વાતવૃદ્ધિમાં શેક કરવો જરૂરી છે.

વૈદ્ય માલદાન હરિદાન બારોટ

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા