વૃદ્ધિ(અંડવૃદ્ધિ : Orchitis)રોગ તથા સારણગાંઠ (હર્નિયા)

February, 2005

વૃદ્ધિ(અંડવૃદ્ધિ : Orchitis)રોગ તથા સારણગાંઠ (હર્નિયા) : શરીરનો નીચે ગતિ કરનાર (અપાન) વાયુ પ્રકુપિત થઈને શૂળ-પીડા તથા સોજો પેદા કરતો મૂત્રાશય નીચેના (વંક્ષણ) પ્રદેશમાં થઈ પુરુષની ઇંદ્રિયની નીચે રહેતા અંડકોષો(વૃષણ : ટેસ્ટિકલ્સ)માં જઈને વૃષણ-કોશવાહિની ધમનીને દૂષિત કરીને અંડકોષોનું કદ મોટું કરી દે (વધારી દે), તેને આયુર્વેદમાં ‘વૃદ્ધિ’ રોગ કહેલ છે. લોકભાષામાં તેને વધરાવળ અને અંગ્રેજીમાં Scrotal Enlargement અથવા Orchitis કહે છે. આ રોગમાં અંડકોષ બહારની પાતળી ત્વચાની કોથળીમાં કફ, પિત્ત, વાયુ, લોહી, પેશાબ, ચરબી કે નાનું આંતરડું ભરાય, ત્યારે તેનું કદ મોટું થઈ પીડા કરે છે.

પ્રકારો : વૃદ્ધિરોગ નિજ (અંડજ) અને બાહ્ય એમ બે પ્રકારનો છે; પરંતુ દોષદૃષ્ટિએ આ રોગ વાત, પિત્ત, કફ, રક્ત, મેદ, મૂત્ર તથા આંત્ર(નાનું આંતરડું)ભેદથી 7 પ્રકારનો થાય છે. આ બધા પ્રકારોમાં મૂળ ખાસ કારણ વાયુદોષની વિકૃતિ છે. આંત્રવૃદ્ધિને ત્યજીને બાકીના છએ પ્રકારો અંડજવૃદ્ધિમાં ગણાય છે. બાહ્ય પ્રકારમાં નાના આંતરડાનું અંડકોષ કે વંક્ષણ પ્રદેશમાં ઊતરવું કે જેને સારણગાંઠ કે Hernia (હર્નિયા) કહે છે, તે ગણાય છે.

રોગલક્ષણો : અંડકોષ-વૃદ્ધિરોગમાં અંડકોષ ફૂલેલું (મોટું) રહેવું, તેમાં પીડા ખાસ ન હોય, સિવાય કે તેમાં પ્રવાહી વધુ ભરાયું હોય તો તેના વજનથી ભારે લાગવું, ત્વચા પર ખૂજલી રહેવી, અંડકોષમાં જલીય અંશ વધુ હોઈ કદ મોટું હોય તો તેના પર આંગળી મારતાં તરંગ જણાવા. સારણગાંઠ(હર્નિયા)માં પેટનું નાનું આંતરડું નીચેના ઉદરપટલના છિદ્ર દ્વારા નીચે ઊતરીને અંડકોષમાં, જંઘામૂળમાં કે નાભિમાં જાય છે.

સારણગાંઠ-રોગનાં લક્ષણો : ખાંસી કે શ્રમથી આંતરડું નીચે ઊતરે, સ્થાનિક પીડા, સ્તબ્ધતા (શૉક), મૂર્ચ્છા, નાડીગતિ મંદ થવી, દેહનું તાપમાન સાધારણથી નીચું, ઠંડો પરસેવો, ઊલટી, આખા પેટમાં પીડા, સ્પર્શ સહન ન થવો, પેટ ફૂલવું અને વિષમયતા.

વૃદ્ધિનાં કારણો : વાતદોષ કોપાવનાર આહાર-વિહાર, ઠંડા જળમાં તરવું, મૂત્રાદિના વેગ અટકાવવા, ઘણું વજન ઉપાડવું, બહુ ચાલવું, વધુ ચઢ-ઊતર, બળવાન સાથે કુસ્તી, અતિ મૈથુનાદિ.

ચિકિત્સા : વધરાવળ(અંડવૃદ્ધિ)માં હાથના અંગૂઠા નીચેની ધોરી નસ પર લોહ-શલાકા તપાવીને ડામ દેવાય છે. વળી લંગોટ કાયમ પહેરવાની હિમાયત કરાય છે. જીરાપાક ખવડાવવાથી લાભ થાય છે. આ રોગમાં દશમૂલારિષ્ટ, ચંદ્રપ્રભા તથા વૃદ્ધિબાધિકાવટીની 2-2 ગોળી પણ અપાય છે. વાતારિ રસ, ચવિકાસવ, ત્રિફલાદિ લેપ, સિંધવાદિ ઘૃત કે દૂધ સાથે એરંડ તેલ આપવું; દિવેલ અંડકોષ પર ચોપડવું; તમાકુના પાન ઉપર શિલારસ ચોપડી જરા ગરમ કરી અંડકોષ પર બાંધવું; ઘોડાવજ અને રાઈનું ચૂર્ણ મધમાં મેળવી લગાવવું; સુવા અને મેથીના ઉકાળામાં મધ કે બકરી કે ગાયનું ઘી નાંખી રોજ ઊભા રહી પીવું  આ ઉપાયો આ વ્યાધિમાં લાભપ્રદ છે. હર્નિયા કે સારણગાંઠના દર્દીએ નીચે સૂઈને નીચે ઊતરેલ આંતરડાને હાથ વડે તેના છિદ્ર વાટેથી ઉપર ચડાવી દેવું તેમજ ફરી નીચે ન ઊતરે તે માટે સારણગાંઠનો ખાસ પટ્ટો લાવી પહેરવો જરૂરી છે. સારણગાંઠ ઑપરેશનથી મટનારું દર્દ હોઈ વહેલી તકે એમાં ઑપરેશન કરાવી લેવાય. જેને હર્નિયા હોય તે વધુ ચઢ-ઊતર કે હલન-ચલન (કસરતો) ન કરે; વધુ શ્રમનાં કામ ન કરે; બલકે આરામ કરે તે જરૂરી છે. વળી વધુ જોરથી બોલવાનું, ગાવાનું, ક્રોધ કરવાનું કે વધુ ઉધરસ ખાવાનું પણ ટાળવું જરૂરી છે. રોજ જીરાપાક ખાવાથી કે દસમૂલ જીરકાદ્યરિષ્ટ નામની દવા ચંદ્રપ્રભાવટી અથવા વૃદ્ધિબાધિકાવટી સાથે સવાર-સાંજ લેવાથી રાહત થાય છે. વૃષણમાં પવન કે પાણી ભરાયાં હોય તો સૂંઠ, તજ, ગોળના 1 કપ ઉકાળામાં 23 નાની ચમચી દિવેલ સાથે રોજ લેવું ઉત્તમ છે. અંડવૃદ્ધિ પર રાસ્ના, ગળો, બળદાણાનાં મૂળ, જેઠીમધ, ગોખરુ અને એરંડાનાં મૂળનો ઉકાળો દિવેલ નાંખી રોજ પીવાથી લાભ થાય છે. આ રોગમાં દહીં, કઠોળ, અડદ, વાસી-વાયડું અનાજ, અતિ-ભોજન, ઉપવાસ, જડ ભોજન, કુદરતી આવેગોનો નિરોધ, મિષ્ટાન્ન-ભોજન અને મૈથુન કે વધુ શ્રમ વર્જ્ય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા