વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone)

February, 2005

વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) : શરીરની કાલાનુસાર થતી વૃદ્ધિ માટેનો મહત્વનો અંત:સ્રાવ. તે પીયૂષિકા ગ્રંથિ (pituitory)ના અગ્રખંડમાં ઉત્પન્ન થઈને સીધો લોહીમાં પ્રવેશે છે. તેનો સંગ્રહ પણ તે જ ગ્રંથિમાં થાય છે (5 થી 10 મિગ્રા.). તે 191 ઍમિનોઍસિડનો બનેલો એક શૃંખલાવાળો નત્રલ (protein) છે, જેમાં 2 અંતરાણ્વિક (intramolecular) ડાયસલ્ફાઇડ બંધો (bonds) આવેલા છે. તેના સંકેતો ધરાવતો જનીન 17મા રંગસૂત્ર પર આવેલો છે. લોહીમાં પરિભ્રમણ કરતો વૃદ્ધિકારક અંત:સ્રાવ 22 કિલો ડાલ્ટનનો નત્રલ છે. વૃદ્ધિકારક અંત:સ્રાવનું ઉત્પાદન અધશ્ર્ચેતક (hypothalamus) દ્વારા નિયંત્રિત થાય છે. તેના નિયંત્રણમાં અધશ્ર્ચેતકીય ઉત્તેજક અને અવદમનશીલ પૅપ્ટાઇડ્ઝ, ચેતાસંદેશવાહકો, વૃદ્ધિકારક ઘટકો, લિંગીય સ્ટીરૉઇડ્ઝ અને પોષણસ્તર વગેરે વિવિધ પરિબળો સક્રિય હોય છે. તે પોતે પણ સોમેટો-મેડિન-સીનું ઉત્પાદન વધારે છે, જે વૃદ્ધિકારક અંત:સ્રાવનું ઉત્પાદન ઘટાડે છે. સોમેટોમેડિન-સીને IGF-I પણ કહે છે. વૃદ્ધિકારક અંત:સ્રાવની મોટાભાગની વૃદ્ધિ અને ચયાપચયલક્ષી અસરો IGF-I દ્વારા થાય છે. વૃદ્ધિકારક અંત:સ્રાવ મોટાભાગની પેશીમાં IGF-Iનું ઉત્પાદન વધારે છે, જે સ્વસ્રાવી (autocrine) અને પરાસ્રાવી (paracrine) અસર કરે છે. વૃદ્ધિકારક અંત:સ્રાવ અને IGF-Iની અસરોમાં કઈ વધુ મહત્વની કે સીધી છે તે અંગે ચર્ચા ચાલે છે, પરંતુ વૃદ્ધિકારક અંત:સ્રાવની અસર IGF-I માટે પૂરક છે તેવું સ્પષ્ટ જણાય છે. ગર્ભશિશુ અને નવજાત શિશુની રૈખિક વૃદ્ધિમાં વૃદ્ધિકારક અંત:સ્રાવનું મહત્વ ઓછું છે, પણ તે પછી બાકીના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. તેથી વૃદ્ધિકારક અંત:સ્રાવની ઊણપ જેમ ઉંમર વધે તેમ વધુ અને વધુ સ્પષ્ટ બને છે. યૌવનારંભે (at puberty) લિંગીય અંત:સ્રાવો વૃદ્ધિકારક અંત:સ્રાવ અને IGF-Iને ઉત્તેજે છે અને તેથી તે બેને વૃદ્ધિ કરાવે છે. વૃદ્ધિકારક અંત:સ્રાવ મેદવિલયન (lipolysis) કરે છે અને ચયપ્રક્રિયા (anabolism) વધારે છે. મેદવિલયનથી ચરબીનું વિઘટન થાય છે અને ચયપ્રક્રિયા નવા અને મોટા અણુઓ બનાવે છે, જે વૃદ્ધિ માટે જરૂરી છે. તેના કારણે શરીરની ચરબી ઘટે છે અને મેદરહિત દેહદળ (lean body mass) વધે છે. તેને કારણે વિધાયક નત્રીય સંતુલન (positive nitrogen balance) થાય છે. વિધાયક નત્રીય સંતુલન ચયપ્રક્રિયા સૂચવે છે. વૃદ્ધિકારક અંત:સ્રાવ ઇન્સ્યુલિન(અલ્પમધુલકારક)ની ઘણીબધી અસરોની વિરુદ્ધ કાર્ય કરે છે માટે તેને મધુપ્રમેહકારક (diabetogenic) ગણવામાં આવે છે. મધુપ્રમેહના દર્દીમાં રાત્રીકાલીન વૃદ્ધિકારક અંત:સ્રાવની અસરને કારણે સવારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ રહે છે. વૃદ્ધિકારક અંત:સ્રાવની ઊણપથી વામનતા (dwarfism) ઉદ્ભવે છે અને તેની અધિકતાથી સમ અતિકાયતા (gigentism) અથવા વિષમ અતિકાયતા (acromegaly) થાય છે.

શિલીન નં. શુક્લ