વૃત્તિ-2 (વ્યાકરણશાસ્ત્ર) : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. પાણિનીય વ્યાકરણશાસ્ત્રમાં શબ્દના એક અર્થની અંદર બીજો નવો અર્થ પ્રગટ કરનારી શબ્દરચનાને વૃત્તિ કહે છે. વ્યાકરણશાસ્ત્રમાં પાંચ મુખ્ય વૃત્તિઓ માનવામાં આવી છે. એ સિવાય પણ બીજી વૃત્તિઓ છે. વૃત્તિ વિશે બીજો મત એવો છે કે જેના અર્થની સમજ આપવી પડે તેવી અસરવાળી શબ્દરચનાને વૃત્તિ કહેવાય. વૃત્તિની ‘परार्थभिधानं वृत्ति:’ એવી વ્યાખ્યા પ્રાચીન વૈયાકરણો આપે છે. એક અર્થમાં રહેલા શબ્દમાંથી બીજો અર્થ આપતી શબ્દરચનાને વૃત્તિ કહેવામાં આવે છે. તેના પાંચ પ્રમુખ પ્રકારોમાં कृद्वृत्ति, तद्धितवृत्ति, तिङ् કે धातुवृत्ति, समासवृत्ति અને सुपवृत्तिનો સમાવેશ થાય છે.
(1) कृद्वृत्ति : મૂળ ધાતુઓ કે સાધિત ધાતુઓને જે મૂળ પ્રત્યયો લગાડી શબ્દો બનાવાય તે પ્રત્યયોને कृत् પ્રત્યયો કહે છે. તેનાથી બનતા શબ્દો તે कृद्वृत्तिથી બનેલા શબ્દો કહેવાય. આવા શબ્દો નામ, વિશેષણ કે પ્રાતિપદિક હોય છે; દા.ત., कृ ધાતુમાંથી બનેલા कर्तृ, करण, कृत, क्रियमाण, कृत्य, कृत्वा, कर्तुम्, कारक વગેરે શબ્દો कृत् પ્રત્યયોથી બનેલા છે. पच् ધાતુમાંથી બનેલા पाकः, पाचकः વગેરે શબ્દો પણ कृद्वृत्तिના છે. આ कृत् પ્રત્યયોમાં उणादि પ્રત્યયો જુદા જુદા શબ્દો બનાવે છે. તેનો પણ कृत् પ્રત્યયોમાં સમાવેશ થાય છે. આ उणादि પ્રત્યયો બાહુલ્યથી થાય છે એટલે તે અનિયમિત પ્રત્યયો છે; દા. ત., कृ ધાતુમાંથી उण પ્રત્યય લાગી कारु શબ્દ બને છે તે પણ कृद्वृत्तिનો દાખલો છે.
(2) तद्धितवृत्ति : મૂળ ધાતુને બદલે ધાતુમાંથી ઉત્પન્ન થયેલા શબ્દોને અર્થાત્ નામોને લાગતા પ્રત્યયો તે તદ્ધિત પ્રત્યયો છે. એ શબ્દોને तद्धितवृत्तिના શબ્દો કહે છે. આ તદ્ધિત પ્રત્યયો લાગતાં શબ્દમાં ફેરફારો થાય છે. તદ્ધિત પ્રત્યયો વિવિધ અર્થોમાં વિવિધ સંખ્યાના હોય છે; ઉદા., सौभाग्य, वैयाकरण, मीमांसक, नैयायिक, शिक्षक વગેરે. તદ્ધિત પ્રત્યયોની સંખ્યા સર્વાધિક છે તેથી પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ના બે અધ્યાયોમાં તે રજૂ થયા છે અને તેથી જ ‘तद्धितमूढाः पाणिनीयाः’ એવી ઉક્તિ પ્રચલિત બની છે.
(3) तिङ्वृत्ति : મૂળ ધાતુ, નામધાતુ કે સાધિત ધાતુ – એ બંને પ્રકારના ધાતુઓને લાગતા દસે પ્રકારના કાળવાચી 18 પ્રત્યયોને तिङ् પ્રત્યયો કહે છે. આ પ્રત્યયોવાળાં ધાતુનાં રૂપોને तिङ्वृत्ति અથવા तिपवृत्ति વાળા શબ્દો કહે છે; દા.ત., મૂળ ધાતુ पचનાં पचति, पक्ष्यति, अपाक्षीत् વગેરે રૂપો અને નામધાતુ કે સુપ્ધાતુ અથવા સાધિત ધાતુ पल्लवयનાં पल्लवयति, पल्लवयिष्यति, अपल्लवयत् વગેરે. દસ કાળ મુજબ આ વૃત્તિના દસ પ્રકારો પડે છે.
(4) समासवृत्ति : બે કે વધુ શબ્દોને સાથે મૂકી તેમનો નવો અર્થ આપે તેવી રચના. બે શબ્દો જુદા જુદા અર્થમાં હોય તે જોડાઈને કોઈ નવો અર્થ આપે તેનું નામ समास. મહાભાષ્યમાં પતંજલિ પૂર્વપદાર્થપ્રધાન અવ્યયીભાવ, ઉત્તરપદાર્થપ્રધાન તત્પુરુષ, અન્ય પદાર્થપ્રધાન બહુવ્રીહિ અને ઉભયપદાર્થપ્રધાન દ્વંદ્વ – એવા સમાસના ચાર પ્રકારો આપે છે. પાછળના વૈયાકરણો દ્વિગુ, કર્મધારય અને દ્વંદ્વ, બહુવ્રીહિ અને તત્પુરુષના પેટાપ્રકારો આપે છે; ઉદા., राजन् (= રાજા) અને પુરુષ (= માણસ) બંને શબ્દો જુદા છે અને તે બંને ભેગા થઈને રાજપુરુષ (= રાજાનો માણસ) એવો ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે તેથી રાજપુરુષ શબ્દ સમાસવૃત્તિનો છે. એ જ રીતે કુંભકાર, રામલક્ષ્મણ, સીતારામ વગેરે સમાસવૃત્તિના શબ્દો છે.
(5) सुपवृत्ति : નામ, સર્વનામ, વિશેષણ વગેરેને વિભક્તિ, વચન, લિંગ વગેરેના અર્થ આપવા માટે જે પ્રત્યયો લાગે તે પ્રત્યયોને સુપ્ કહે છે. આ સુપ્ પ્રત્યયો લાગેલા શબ્દોને સુપ્વૃત્તિના શબ્દો કહે છે; દા.ત., महिमा, नाम, पूषा, सविता, अहम्, अयम्, सामस्य વગેરે. सुपवृत्ति વ્યાસવાળી છે, છતાં સમાસવૃત્તિ અને सुपवृत्ति બંને એક જ છે, કારણ કે समासवृत्तिને અંતે પણ सुप् પ્રત્યયો રહેલા હોય છે. कृद्वृत्तिને અંતે सुप् પણ પ્રત્યયો આવતા હોવાથી તથા तद्धितवृत्तिને અંતે પણ सुप् પ્રત્યયો આવતા હોવાથી सुपवृत्ति વાઙ્મયની માતા હોવાનો અભિપ્રાય રાજશેખરે આપ્યો છે. શબ્દને सुप् પ્રત્યયો લાગતાં તે પદ બને છે અને તે પદ વાક્યમાં પ્રયોજાય તેવી શક્તિ તેનામાં આવે છે. આવાં અનેક વાક્યો ભેગાં થઈ મહાવાક્ય બને છે અને તેનાથી વાઙ્મયનું સર્જન થાય છે. એ રીતે ક્રિયાવાચક ધાતુને तिङ् પ્રત્યયો લાગતાં तिङ्वृत्ति પણ ક્રિયાવાચી પદ બનાવે છે.
રાજશેખરના મત મુજબ વિદર્ભદેશના લોકોને सुबवृत्तिનો, ગૌડ દેશના લોકોને समासवृत्तिનો, દક્ષિણ ભારતના લોકોને तद्धिवृत्तिનો, ઉત્તર ભારતના લોકોને कृद्वृत्तिનો ઉપયોગ પ્રિય છે. જ્યારે तिङ्वृत्तिનો ઉપયોગ ભારતના તમામ પ્રદેશોના લોકોને પ્રિય છે.
પ્ર. ઉ. શાસ્ત્રી