વૃત્તિ-1 (નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર)
February, 2005
વૃત્તિ-1 (નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર) : નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રનો એક ખ્યાલ કે પદાર્થ. સર્વપ્રથમ આચાર્ય ભરત પોતાના ‘નાટ્યશાસ્ત્ર’માં એમ કહે છે કે ચાર નાટ્યવૃત્તિઓ એ કાવ્યની માતાઓ છે. પુરુષાર્થસાધક વ્યવહાર અને તેને સૂચવતા ક્રિયાકલાપ અને ચેષ્ટાઓ એટલે નાટ્યવૃત્તિ. ભરત કાયિક અને માનસિક ચેષ્ટાઓનો જ નાટ્યવૃત્તિમાં સ્વીકાર કરે છે, કારણ કે આવી ચેષ્ટાઓ જ અભિનયની જનની છે. વળી નાટ્યમાં અભિનય પ્રમુખસ્થાને છે. દેશવિશેષ મુજબ (1) સાત્વતી (2) કૈશિકી (3) આરભટી અને (4) ભારતી એવી ચાર પ્રકારની નાટ્યવૃત્તિઓ છે.
‘નાટ્યશાસ્ત્ર’માં ભરતે રજૂ કરેલા પરંપરાગત મત મુજબ મધુ અને કૈટભ નામના રાક્ષસો સાથે યુદ્ધ કરતી વખતે ભગવાન વિષ્ણુએ ઓજસ્વિની અને વીર રસોચિત ચેષ્ટાઓ કરી તેમાંથી સાત્વતી નાટ્યવૃત્તિ; લલિત લીલા અને વિચિત્ર આંગિક અભિનયથી જે શિખા બાંધી તેમાંથી કૈશિકી વૃત્તિ; આવેગથી કરેલી જાત જાતની યુદ્ધચેષ્ટાથી આરભટી વૃત્તિ અને જે શુદ્ધ વાણીથી વાત કરી તેમાંથી ભારતી વૃત્તિ ઉત્પન્ન થઈ. શબ્દપ્રધાન ભારતી વૃત્તિ ઋગ્વેદમાંથી, કાર્યપ્રધાન સાત્વતી વૃત્તિ યજુર્વેદમાંથી, સુકુમાર અને સંગીતમય કૈશિકી વૃત્તિ સામવેદમાંથી અને શૌર્યપ્રધાન આરભટી વૃત્તિ અથર્વવેદમાંથી નિષ્પન્ન થયાનો ઉલ્લેખ પણ આચાર્ય ભરતે કર્યો છે. પાછળથી શારદાતનય ‘ભાવપ્રકાશન’માં નોંધે છે કે આ ચાર વૃત્તિઓ બ્રહ્માનાં ચાર મુખોમાંથી ચાર વેદોની જેમ ઉત્પન્ન થઈ છે. એમાં ભરતનું અનુસરણ સ્પષ્ટ છે; પરંતુ શારદાતનય એમ પણ કહે છે કે રસાભિનય સાથે સંબંધ ધરાવતી નાટ્યવૃત્તિઓ શિવનાં લાસ્ય અને તાંડવ એ બે પ્રકારનાં નૃત્યમાંથી ઉત્પન્ન થઈ છે.
ભરતના મતે નાટ્યવૃત્તિઓ ચોક્કસ લક્ષણવાળી છે : (1) સાત્વતી વૃત્તિ અદ્ભુત, વીરતાભરી, પુરુષપાત્રોવાળી, માનસિક ચેષ્ટાવાળી છે અને તેના ઉત્થાપક, પરિવર્તક, સંલાપક અને સંઘાતક – એ ચાર ભેદો છે. (2) કૈશિકી વૃત્તિ નૃત્ય, ગીત, કોમળ, શારીરિક ચેષ્ટાવાળી, સ્ત્રીપાત્રોવાળી છે અને તેના નર્મ, નર્મસ્ફૂર્જ, નર્મસ્ફોટ અને નર્મગર્ભ – એ ચાર ભેદો છે. (3) આરભટી વૃત્તિ છળ, કપટ, અહંકાર, દંભ, માયા, ઇન્દ્રજાળ, અસત્ય અને અભિમાનભરી છે અને તેના સંક્ષિપ્તક, અવપાત, વસ્તૂત્થાપન અને સંફેટ – એ ચાર ભેદો છે. (4) ભારતી વૃત્તિ શબ્દ અને પાઠ્યપ્રધાન, વાણીનો વિલાસ, વિલાપ અને નટના વાચિક અભિનયવાળી, પુરુષપાત્રોવાળી છે અને તેના પ્રરોચના, વીથી, આમુખ અને પ્રહસન એ ચાર ભેદો છે.
એ પછી 9મી સદીમાં ઉદ્ભટે કાવ્યશાસ્ત્રમાં બે પ્રકારની વૃત્તિઓ ગણાવી છે : (1) શબ્દવૃત્તિઓ અને (2) અર્થવૃત્તિઓ. એમાં ભરતની ચાર અર્થવૃત્તિઓને બદલે ત્રણ વૃત્તિઓ ગણાવી છે. ઉદ્ભટ ચિત્તની અવસ્થાને વૃત્તિ કહે છે. ચિત્તની અવસ્થા યોગ્ય ચેષ્ટાયુક્ત હોય તેને ન્યાયવૃત્તિ કહે છે. અયોગ્ય ચેષ્ટાવાળી ચિત્તની અવસ્થાને અન્યાયવૃત્તિ કહે છે. જ્યાં ચેષ્ટા હોય જ નહિ પરંતુ ફળનો ભોગ હોય તેને ફલસંવિત્તિ વૃત્તિ કહે છે. આ ત્રીજા પ્રકારની વૃત્તિનો લોલ્લટે એમ કહીને અસ્વીકાર કર્યો છે કે વૃત્તિ હંમેશાં વ્યાપારરૂપ હોય છે, વ્યાપારરહિત ના હોય. ફલસંવિત્તિમાં વ્યાપાર ન હોવાથી તેને વૃત્તિ જ માની શકાય નહિ.
એ પછી ઉદ્ભટે (8મી સદી) શબ્દવૃત્તિઓને અનુપ્રાસજાતિઓને નામે ઓળખાવી છે અને તેમાં વર્ણવ્યવહાર પ્રધાન હોય છે એમ કહી પદસંઘટનાને તેણે અલગ માની છે. એમાં ઉદ્ભટે ‘અનુપ્રાસ અલંકારની જાતિ’ એવા નામે શબ્દપ્રધાન વૃત્તિઓને પણ ગણાવી છે. અનુપ્રાસ અલંકારના એક પ્રકાર વૃત્ત્યનુપ્રાસની ચર્ચામાં નીચેની ત્રણ વૃત્તિઓને ગણાવી છે : (1) સુકુમાર શબ્દાવલીવાળી રચના ધરાવતી ઉપનાગરિકા (2) કઠોર વર્ણોવાળી રચના ધરાવતી દીપ્તા કે પરુષા અને (3) ગ્રામીણ નારીની વાણી જેવી હૃદયમાંથી સ્વાભાવિક રીતે આવતી કોમળ રચના ધરાવતી કોમલા. આ ત્રણેય વૃત્તિઓ એ વૃત્ત્યનુપ્રાસના પ્રકારો છે એવો ઉદ્ભટનો મત છે.
9મી સદીમાં રુદ્રટે વૃત્તિઓને સમાસાશ્રિત માની છે. સમાસો દીર્ઘ કે અલ્પ હોય અથવા સમાસના અભાવવાળી રચના હોય તેના આધારે વૃત્તિના ત્રણ પ્રકારો તેમણે માન્યા છે. તેમાં પાંચાલી, લાટી, ગૌડિયા – એ ત્રણ સમાસવાળીના અને અસમસ્તા – એમ કુલ ચાર પ્રકારો સમાવિષ્ટ છે. વળી શબ્દવૃત્તિ કે અનુપ્રાસ જાતિના મધુરા, પરુષા, લલિતા, પ્રૌઢા અને ભદ્રા એ પાંચ પ્રકારો ગણાવાયા છે.
આચાર્ય આનંદવર્ધન (9મી સદી) એવો મત ધરાવે છે કે ભરતની નાટ્યવૃત્તિઓ રસાનુગુણ અર્થવ્યવહાર જ્યારે રસાનુગુણ શબ્દવ્યવહાર એ ઉદ્ભટ વગેરેની કાવ્યવૃત્તિઓ છે. સંક્ષેપમાં કાવ્યવૃત્તિ એ શબ્દવૃત્તિ છે અને નાટ્યવૃત્તિ અર્થવૃત્તિ છે. આચાર્ય અભિનવ (10મી સદી) પુરુષાર્થસાધક-વ્યવહાર કે વ્યાપારને વૃત્તિ કહે છે. અભિનવ આનંદવર્ધનની જેમ શબ્દ અને અર્થ બંને પ્રકારની વૃત્તિઓને સ્વીકારે છે.
11મી સદીમાં આચાર્ય ભોજદેવ ભરતની અર્થાશ્રિત ચાર નાટ્યવૃત્તિઓમાં મધ્યભારતી અને મધ્યમકૈશિકી – એ બે નવા પ્રકારો ગણાવી કુલ છ નાટ્યવૃત્તિઓ માને છે, જ્યારે ઉદ્ભટની ત્રણ અનુપ્રાસજાતિઓ કે શબ્દવૃત્તિઓને બદલે બાર અનુપ્રાસજાતિઓ ભોજ આપે છે. તેમાં ગંભીરા, ઓજસ્વિની, પ્રૌઢા, મધુરા, નિષ્ઠુરા, શ્ર્લથા, કઠોરા, કોમલા, મિશ્રા, પરુષા, લલિતા અને અમિતા – એ બાર ભેદોનો સમાવેશ થાય છે. એમાં ભોજદેવે જુદા જુદા વર્ગોના વ્યંજનોની રચનાનો આધાર લીધો છે.
એ જ અરસામાં આચાર્ય મમ્મટ વૃત્તિને વર્ણવ્યવહાર પર આધારિત માને છે અને કાવ્ય કે શબ્દવૃત્તિનો સમાવેશ રીતિમાં કરે છે. જ્યારે એમનો ગ્રંથ કાવ્યવિષયક હોવાથી નાટ્યવૃત્તિની વાત તેમણે કરી નથી. પાછળના આચાર્યો અભિનવ અને મમ્મટના મતોને અનુસરે છે અને વૃત્તિની બાબત તેમને નવું કશું કહેવાનું નથી.
પ્ર. ઉ. શાસ્ત્રી