વૂલી, ફ્રૅન્ક એડ્વર્ડ (જ. 27 મે 1887, ટૉનબ્રિજ, કૅન્ટ, યુ.કે.; અ. 18 ઑક્ટોબર 1978, હૅલિફેક્સ, નૉવા સ્કૉટિયા, કૅનેડા) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેઓ અજોડ ડાબોડી ગોલંદાજ હતા. તેમની ઝમકદાર બૅટિંગ તમામ ઊગતા ખેલાડીઓ માટે લાંબો સમય નમૂનારૂપ બની રહી. તેમનું કદ મોટું હતું અને તેઓ એક મહાન સર્વક્ષેત્રીય (all-rounder) ખેલાડી પણ હતા. તેઓ પ્રભાવશાળી ધીમી ઝડપના ડાબોડી ગોલંદાજ અને સ્લિપ-વિસ્તારના ચપળ ફિલ્ડર પણ હતા. તેમની કારકિર્દીના કૅચોનો સરવાળો આ રમતના ઇતિહાસમાં બીજા કોઈ પણ ખેલાડી કરતાં વધારે હતો. 1909માં તેમણે ટેસ્ટપ્રવેશ કર્યો ત્યારથી માંડી તેઓ 1926 સુધી ઇંગ્લૅન્ડ માટે લગાતાર 52 ટેસ્ટ મૅચમાં રમ્યા. તેમનો 28 સિઝન રમવાનો અને 1,000 રન નોંધાવવાનો વિક્રમ ડબ્લ્યૂ. જી. ગ્રૅસના વિક્રમની બરોબરી કરી શક્યો. 1928માં 60.94ની સરેરાશથી 3,352 રનનો જુમલો ખડક્યો; આમ છતાં, 1928-29માં ઇંગ્લૅન્ડના ઑસ્ટ્રેલિયા-પ્રવાસ માટે તેમની પસંદગી થઈ ન હતી. પછીનાં 8 વર્ષોમાં તેમણે 100 વિકેટ લીધી અને 4 વર્ષમાં 2,000 ઉપરાંત રન અને 100 વિકેટ લીધાં. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :
(1) 1900-34 : 64 ટેસ્ટ; 36.07ની સરેરાશથી 3,283 રન; સદી 5; સૌથી વધુ જુમલો 154; 33.91ની સરેરાશથી 83 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 7-76, 64 કૅચ.
(2) 1906-38 : પ્રથમ વર્ગની મૅચ; 40.75ની સરેરાશથી 58,969 રન; સદી 145; સૌથી વધુ જુમલો 305 (અણનમ); 19.85ની સરેરાશથી 2,068 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 8-22, 1018 કૅચ.
મહેશ ચોકસી