વૂમેરા (Woomera) : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના ટૉરેન્સ સરોવરની પશ્ચિમે આવેલું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31° 05´ દ. અ. અને 136° 55´ પૂ. રે.. આ સ્થળને રૉકેટ, મિસાઇલ તેમજ અવકાશી સંશોધન માટેના મથક તરીકે પસંદ કરવામાં આવેલું છે. બ્રિટન અને ઑસ્ટ્રેલિયા દ્વારા 1947માં વૂમેરાની સ્થાપના મિસાઇલ અને રૉકેટ-ચકાસણી માટે કરવામાં આવેલી છે. ‘ભાલો ફેંકનાર’ના અર્થવાળા સ્થાનિક ગામઠી શબ્દ પરથી આ મથકનું નામ ‘વૂમેરા’ રખાયેલું છે. તેનો કાર્યવિસ્તાર 500 કિમી.ના અંતરની ત્રિજ્યામાં રાખવામાં આવેલો છે. તેમાં ચકાસણી દરમિયાન તસવીરો લેવાની, રેડિયો-પ્રસારણની તેમજ માપવા માટેનાં સાધનોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વ્યવસ્થાનો આવશ્યકતા મુજબ ઉપયોગ થાય છે.
1962માં ઑસ્ટ્રેલિયાએ યુરોપિયન લૉન્ચર ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ELDO) સ્થાપવામાં મદદ કરેલી. સંસ્થાનો હેતુ ઉપગ્રહ અને રૉકેટને લઈ જતા અવકાશી વાહકને યોગ્ય રીતે વિકસાવી શકાય એવો હતો. ‘એલ્ડો’એ વૂમેરાને એટલા માટે પસંદ કરેલું કે જેથી બહુકક્ષીય રૉકેટો(Multi-stage rockets)ને શ્રેણીબદ્ધ રીતે છોડી શકાય. 1963થી 1970 સુધીના ગાળામાં રૉકેટો છોડવામાં પણ આવેલાં. આ નગર અને આ વ્યવસ્થા હવે ઑસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઑવ્ ડિફેન્સ સંભાળે છે.
ગિરીશભાઈ પંડ્યા