વુ, તાઓ–સુઅન (જ. આશરે 700, ચીન; અ. આશરે 760, ચીન) : ચીની ચિત્રકાર. આઠમી સદી પછીના કલાવિવેચકોએ તાઓ-સુઅન વુનાં દંતકથા લાગે એટલાં બધાં વખાણ કર્યાં છે. તેમના જીવનની પ્રમાણભૂત માહિતી મળતી નથી. તેમણે મુખ્યત્વે બૌદ્ધ વિષયોને ચીતર્યા છે. તેમની પીંછીના લસરકા જોરદાર અભિવ્યક્તિને સ્ફુટ કરી શકવામાં સફળ ગણાયા છે. તાન્ગ રાજવંશ કાળના વિવેચકોએ પણ આ હકીકતને અનુમોદન આપ્યું છે. તેમની રેખાઓ પણ અદ્ભુત લાવણ્ય ધરાવતી. દુર્ભાગ્યે, તેમનાં ચિત્રો આજે ટક્યાં નથી, પરંતુ તેમની અનુકૃતિઓ (નકલો) ટકી છે. તેથી તેમની કલાનો ખૂબ આછોપાતળો અણસાર જ આજે આવી શકે છે.
અમિતાભ મડિયા